વડાપ્રધાનશ્રીની અપિલનું સમર્થન કરીને ગુજરાતની જનતાએ ‘જનતા કર્ફયુ’ નહીં પણ જનતા માટે ‘કેર ફોર યુ’ને  સફળ બનાવ્યો છે : મુખ્યમંત્રીશ્રી,

Views 67

-: શ્રી વિજયભાઇ રૂપાણી -:

  • લોકો ગભરાઈને જથ્થાબંધ ખરીદી કે વસ્તુની સંગ્રહખોરી કરે નહીં,વ્યાપારીઓ પણ ઉંચા ભાવ ન લે
  • ક્વોરેન્ટાઇન પ્રોટોકોલનું પાલન ન કરનાર તથા ક્વોરેન્ટાઇન હોમ છોડી ભાગી જનાર સામે કાયદાકીય પગલા લેવાશે
  • રાજ્ય સરકાર અને શહેરી સત્તા મંડળ દ્વારા ૬૩૧ ક્વોરેન્ટાઇન હોમ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લાઓમાં ૪૨૭૧ સેલ્ફ હોમ કોરેન્ટાઇન તૈયાર કરાયા છે
  • આવનારા એક અઠવાડિયા સુધી રાજ્યના દરેક નાગરિકોએ સંયમ રાખીને આકસ્મિક કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઇએ
  • વિદેશમાંથી આવેલા નાગરિકોએ ભારત સરકાર અને WHOની ગાઇડલાઇન મુજબ સેલ્ફ કોરેન્ટાઇન રહેવું અથવા કોરેન્ટાઇન સેન્ટરમાં જવું જોઇએ


 શ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની જનતા ક્ફર્યૂની અપિલનું સમર્થન કરીને ગુજરાતની જનતાએ જનતા ક્ફર્યૂ નહીં પણ જનતા માટે ‘કેર ફોર યુ’ને જ સફળ બનાવ્યો છે તે માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
       શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, કોરોના વાયરસની સ્થિતિને લઇને રાજ્ય સરકારે નાગરિકોની સલામતી માટે અનેક નિર્ણયો કર્યાં છે. આવતીકાલથી ત્રણ દિવસ એટલે ૨૩ થી ૨૫ માર્ચ સુધી અમદાવાદ,ગાંધીનગર, સુરત, બરોડા અને કચ્છ જેવા મહાનગરોમાં દવાઓ-તબીબી ઉપકરણો, શાકભાજી, કરિયાણું, જીવન આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો અને સંસ્થાઓ સિવાયની તમામ દુકાનો-મોલ્સ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
       દૂધ, શાકભાજી, ફળફળાદી, કરિયાણું, પ્રોવિઝનલ સ્ટોર્સ તેમજ મેડીકલ સ્ટોર્સ, દવાખાના, હોસ્પિટલ, લેબોરેટરી, મેડીકલ સાધનોની ઉત્પાદક કંપની, ફાર્મસી અને આરોગ્યલક્ષી સેવાઓ ચાલુ  હોવાથી ગભરાઈને જથ્થાબંધ ખરીદી કરવી નહી કે વસ્તુઓની સંગ્રહખોરી કરવી નહીં એમ તેમણે ઉમેર્યું હતું
       મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સૌ નાગરિકોને ફરી એકવાર પ્રજાજોગ અપીલ કરી કે, આ જનતા કરફ્યુનો સમય સવારે ૭ થી રાત્રે ૯ સુધીની છે, આમ છતાં નાગરિકો પોતાની આરોગ્ય સુખાકારી સચવાય અને કોરોના વાયરસથી સંક્રમિતના થઈ જવાય તેની તકેદારી હેતુ રાત્રે ૯ વાગ્યા પછી પણ ઘરની બહાર નીકળવાનું અતિ આવશ્યક ના હોય ત્યાં સુધી ટાળે.
      મુખ્યમંત્રીશ્રીએ કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં લઇને વિશેષ સલામતી કાળજી રાખવા રાજ્યના સૌ નાગરિકોને ફરી એકવાર પ્રજાજોગ જાહેર અપિલ કરતા કહ્યું કે, આ વાયરસમાં આપણે હવે બીજાથી ત્રીજા સ્ટેજમાં જઇ રહ્યા છીએ. અત્યાર સુધી ગુજરાતમાં જે પણ કોરોના વાયરસના કેસો નોંધાયા છે તે વિદેશમાંથી આવેલા ગુજરાતી ભાઇઓ-બહેનોમાં નોંધાયા છે.
      આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોરોના વાયરસનો વ્યાપ વધે નહીં તેના માટે આવનારા એક અઠવાડિયા સુધી રાજ્યના દરેક નાગરિકોએ સંયમ રાખીને આકસ્મિક કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઇએ.
       આ વાયરસનો ચેપ કોન્ટેક્ટ ટુ કોન્ટેક્ટ એટલે કે વ્યક્તિગત સંપર્કથી વિસ્તરતો જાય છે. તમામ નાગરિકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની તથા જે લોકો વિદેશમાંથી આવ્યા છે તેઓ સેલ્ફ ક્વોરેન્ટીન થાય તેવી અપિલ પણ મુખ્યમંત્રીશ્રીએ  કરી હતી.
       શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં અલાયદી સેલ્ફ કોરેન્ટાઇન, કોરેન્ટાઇન સેન્ટર અને ખાસ કરીને રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસો માટે ઇન્ફેક્શન આઇસોલેશન હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવશે.
       રાજ્ય સરકાર અને શહેરી સત્તા મંડળ દ્વારા ૬૩૧ ક્વોરેન્ટાઇન હોમ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લાઓમાં  ૪૨૭૧ સેલ્ફ હોમ કોરેન્ટાઇન તૈયાર કરાયા છે. આ સ્થળો પર વિદેશમાંથી આવેલા લોકો અથવા તેમના સંપર્કમાં આવેલા લોકોને રાખવામાં આવી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું. 
       મુખ્યમંત્રીશ્રીએ વરિષ્ઠ-વડિલ નાગરિકોને અપિલ કરતા કહ્યું કે, આ વાયરસનો ચેપ ૬૦-૬૫ થી વધુની વયના વરિષ્ઠ વડિલોને વધુ જલ્દી લાગતો હોય છે એટલે એમને વધારે ધ્યાન રાખવું જોઇએ અને ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઇએ.
       જો કોઇ નાગરિક સંક્રમિત છે અને સેલ્ફ કોરેન્ટાઇન અને તકેદારી નહીં રાખે તો કેવું ગંભીર પરિણામ આવી શકે છે તેનું ઉદાહરણ આપતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગાંધીનગરનો એક યુવાન દુબઇથી આવ્યો હતો જે કોરો વાયરસનો સંક્રમિત હતો. આ યુવાને સેલ્ફ-ક્વોરેન્ટીન-સોશિયલ ડિસ્ટન્સ યોગ્ય ન રાખ્યું, કમનસીબે તેના પરિવારના ૮૦ વર્ષીય દાદીમાને કોરોનાનો ચેપ લાગ્યો અને અત્યારે હોસ્પિટલમાં છે અને સરકાર તેમની સારવાર કરી રહી છે.
      મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, આજ રાત્રીથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ બંધ થઇ રહી છે. અને વિદેશમાં કોરોના વાયરસનો વ્યાપ સતત વધી રહ્યો છે તેેવા દેેેશોથી ગુજરાતમાં આવી રહ્યા છે, ત્યારે વિદેશથી આવેલા નાગરિકોએ ભારત સરકાર અને WHOની ગાઇડલાઇન મુજબ સેલ્ફ કોરેન્ટાઇન અથવા કોરેન્ટાઇન સેન્ટરમાં જવું જોઇએ.
       રાજ્ય સરકારે કોરેન્ટાઇન પ્રત્યે સતર્કતા દાખવાની પણ શરૂ કરી દીધી છે અને કોરેન્ટાઇનનો ભંગ કરનાર નાગરિકો વિરુદ્ધ કાયદાકિય પગલાંઓ પણ લેવામાં આવી રહ્યા છે. મોરબીમાં એક વ્યક્તિ ક્વોરેન્ટીન હોમ છોડીને જતો રહેતા તેની સામે FIR સહિતની કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવી છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
       તેમણે ઉમેર્યું કે, કોરોના વાયરસ સામે લડવાનો આ એક સમય અને જંગ છે, ત્યારે કોઇપણ વ્યક્તિએ કોરેન્ટાઇનથી ગભરાવું નહીં પણ સહયોગ અને સાથ આપવો જરૂરી છે. આ વાયરસના સંક્રમણથી બચવા આપણે સૌ સ્વયંશિસ્ત કેળવીને ક્વોરેન્ટીન પ્રોટોકોલનું અવશ્ય પાલન કરીએ.
       આ સમયે લોકોએ અન્ય માટે સંવેદના રાખી એકબીજાને મદદરૂપ થવાની ભાવનાથી સાથ અને સહકાર આપીને રાષ્ટ્રસેવા કરવી જોઇએ. શહેર સલામત તો ગુજરાત સલામત એ દૃષ્ટિથી ગુજરાતના ચારેય શહેરના લોકોને ત્રણ દિવસ સુધી સાથ અને સહકાર આપવાની પણ અપિલ મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોને કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *