કોરોનાને પગલે ચાલતા લોકડાઉનમાં પરિવાર સમક્ષ આર્થિક સમસ્યા ઊભી થઈ ગઈ, તો ગામ મોહમદપુરિયામાં 3 મહિલાઓએ સ્વયં સહાયતા ગ્રુપ બનાવીને પોતે જ રોજગાર શરૂ કરી દીધો.
મહિલાઓને હરિયાણા ગ્રામીણ આજીવિક મિશન અંતર્ગત 2 દિવસનું પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યું. સંજૂ રાનીએ જણાવ્યું કે, તેમણે એમ. કોમ સુધીનો અભ્યાસ કર્યો છે અને ગામ મોહમદપુરિયામાં સ્વદેશી ચંપલ ફેક્ટરી નામથી તેમણે લઘુ ઉદ્યોગની સ્થાપના કરી છે. તેમણે જણાવ્યું કે, ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ગામમાં એક ફેક્ટરી ખોલી છે, જેમાં ગામની જ ત્રણ મહિલાઓ મળીને કામ કરી રહી છે. આ ફેક્ટરીને સ્થાપિત કરવા માટે રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત તેમણે સરકારી યોજનામાંથી દોઢ લાખ રૂપિયાની લોન લીધી છે. જેમાંથી તેમણે ચંપલ બનાવવા માટે મશીન અને કાચા માલની ખરીદી કરી છે.
તેમણે જણાવ્યું કે, ચંપલ બનાવ્યા બાદ તેમના પરિવારની એક વ્યક્તિ જુદા-જુદા ગામોમાં જઈને ચંપલ માટે ઓર્ડર લે છે અને ગામની દુકાનોમાં તે ચંપલને સપ્લાય કરે છે. જેને કારણે હવે મહિલાઓને સારો રોજગાર મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, અન્ય મહિલાઓએ પણ આ રીતે રોજગાર અપનાવવો જોઈએ.
તારા દેવી અને નિર્મલા દેવીએ જણાવ્યું કે, તેમણે હિસારના ગામ જાખોડમાંથી ચંપલ બનાવવાની ટ્રેનિંગ લીધી અને સરકાર પાસેથી લોન લીધી. તેમણે જણાવ્યું કે, તેમણે 1 એપ્રિલથી જ આ ફેક્ટરી શરૂ કરી છે. તેમણે જણાવ્યું કે, ખૂબ જ સારું કામ ચાલી રહ્યું છે અને આવક પણ સારી થઈ રહી છે. નિર્મલા દેવીએ જણાવ્યું કે, પહેલા તેઓ એકદમ ફ્રી બેસી રહેતા હતા, પરંતુ હવે કામ શરૂ કરવાને કારણે તેમના સમયનો સદુપયોગ થઈ રહ્યો છે અને બે પૈસાની આવક પણ થઈ રહી છે.