કોરોના પોઝિટિવ વિદ્યાર્થિનીનું પોસ્ટમોર્ટમ
ધોરણ-10ની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો
સ્મિમેરમાં કિશોરીનું ‘પાર્શિયલ પીએમ’ કરાયું
પરીક્ષાના ટેન્શનમાં સરથાણાની ધોરણ-10ની વિદ્યાર્થિનીએ ઝેર પી લેતા મોતને ભેટી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અને મૃત્યુ બાદ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેરમાં ખસેડાતા તબીબો સહિતના કર્મચારીઓમાં કચવાટ દેખાયો હતો. જોકે, મૃતક વિદ્યાર્થિનીના મૃત્યુનું કારણ જાણવા માટે અંતે પોસ્ટમોર્ટમ કરાયું હતું. જેને પગલે કોવિડ ગાઈડલાઈનનો ભંગ થયો હોવાનો ગણગણાટ શરૂ થયો છે.
મૂળ અમરેલી, સાવરકુંડલાના વતની અને સરથાણા વિસ્તારમાં રહેતા રત્નકલાકાર પરિવારની 15 વર્ષીય પુત્રીએ રવિવારે બપોરે ઘરમાં ઝેર ગટગટાવી લીધું હતું. જેને પગલે તેણીને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. કોવિડની ગાઈડલાઈન મુજબ હોસ્પિટલના તબીબોએ વિદ્યાર્થિનીની સારવાર કરવા સાથે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેણીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર દરમિયાન વિદ્યાર્થિની મૃત્યુ પામી હતી.
ધોરણ-10ની પરીક્ષાના ટેન્શનમાં તેણીએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું સરથાણા પોલીસે જણાવ્યું હતું. મૃતક વિદ્યાર્થિના બીજા એક-એક ભાઈ-બહેન છે. સરથાણા પોલીસે તેણીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડયો હતો અને પીએમ કરાવ્યું હતું.
મૃત્યુનું કારણ નહીં અપાતા ‘પાર્શિયલ પીએમ’ કરાયું
જ્યાં સારવાર થઈ હતી, તે હોસ્પિટલમાંથી મૃતક વિદ્યાર્થિનીના મૃત્યુનું કારણ (કોઝ ઓફ ડેથ) અપાયું નહોતું. જેને લીધે પોલીસ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેરમાં આવી હતી. પોલીસ દ્વારા વિદ્યાર્થિનીના મૃત્યુ પાછળનું કારણ જાણવા પીએમ કરાવાયું હતું. ફોરેન્સિક મેડિસિન વિભાગના તબીબોએ પૂરતી કાળજી અને સાવચેતી સાથે ‘પાર્સિયલ પીએમ’ કર્યું હતું. ત્યારબાદ જરૂરી સેમ્પલ લઈ તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી આપ્યાં છે. – ડો. ઇલ્યાસ શેખ (વડા, ફોરેન્સિક મેડિસિન વિભાગ-સ્મીમેર)
શું છે ‘પાર્શિયલ પીએમ’ ?
ડો. ઇલ્યાસ શેખે કહ્યું હતું કે, પાર્સિયલ પીએમમાં આખી ડેડબોડી ખોલવામાં આવતી નથી. સેમ્પલ લેવા જરૂરી હોય તે ભાગ જ ખોલવામાં આવે છે. આ કેસમાં ફક્ત હોજરી, લિવર અને કિડનીનો ભાગ ખોલી તેમાંથી સેમ્પલ લેવાયા હતા. જ્યારે શ્વાસનળી અને ફેફસાનો ભાગ ખોલવામાં આવ્યો નથી