ગાયકવાડ હવેલી પોલીસ લાઇનમાં રહેતા અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સાધનાબહેને પતિ વિશાલ રાઠોડ વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર વિશાલ સુરત મહાનગર પાલિકામાં નોકરી કરતો હોવાનું જણાવીને તેણે સાધનાબહેન સાથે લગ્ન કર્યા હતા. જોકે સાધનાબહેને પણ કાયમ માટે સુરતમાં રહેવા જવા માટે બદલી કરવવાની પ્રક્રિયા કરી હતી. જેના માટે વિશાલનું આઈડી પ્રૂફ સહિતના નોકરીના ડોક્યુમેન્ટની જરૂર હોવાથી વિશાલ પાસે કાગળીયા માગ્યા હતા.
પરંતુ વિશાલે સુરત મહાનગર પાલિકામાં નોકરી કરતો હોવાના એકપણ ડોક્યુમેન્ટ સાધનાબહેનને આપ્યા ન હતા. આટલુ જ નહીં પોતે નોકરી કરતો હોવા છતાં અવારનવાર સાધનાબહેન પાસે પૈસા માગતો હતો. તેમજ તેણે સાધનાબહેન પાસેથી 17 લાખના દાગીના પણ મેળવી લીધા હતા. જ્યારે મકાનની લોન પણ સાધનાબહેનના નામે જ લીધી હતી. જેથી શંકા જતા સાધનાબહેને વિશાલની તપાસ શરૂ કરાવી હતી.
જ્યારે બીજી બાજુ થોડા સમય પહેલા પણ સાધનાબહેને વિશાલ વિરુદ્ધ સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ત્યારે પણ પોલીસે વિશાલ પાસે નોકરીના પુરાવા માગ્યા હતા. ત્યારે પણ વિશાલ પુરાવા રજૂ કરી શક્યો ન હતો. જેથી સાધનાબહેને સુરત મહાનગરપાલિકામાં તપાસ કરતાં તે નોકરી ન કરતો હોવાનું જાણવા મળ્યું હતું. આટલું જ નહીં વિશાલ ક્યાંય નોકરી કરતો ન હતો અને 2 વર્ષથી બેકાર હોવાનું જાણવા મળતા સાધનાબહેને ફરિયાદ નોંધાવી છે.