બેચરાજીમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરવા આવેલા 3 લૂંટારુને પોલીસે લૂંટ કરે તે પહેલાં જ ઉઠાવી લીધા

Views 62

પોલીસે હથિયારો કબજે કરી વધુ તપાસ આદરી
બેચરાજીના આસ્થા જ્વેલર્સમાં ત્રણ લૂંટારુ લૂંટ કરવા આવવાના હોવાની બાતમી સીઆઇડીને થતાં તેઓએ મહેસાણા LCB અને બેચરાજી પોલીસની મદદથી જ્વેલર્સ પાસે વોચ ગોઠવી દીધી હતી. બાદમાં ત્રણ આરોપીઓ પોતાની સાથે હથિયારો લઇ લૂંટ કરવા આવતાની સાથે જ પોલીસે ત્રણ લૂંટારુને ઝડપ્યાં હતા. જેમાં ગોસ્વામી મહેશપુરી, યશપાલ સિંહ ભરતસિંહ વાઘેલા, વાઘેલા જયરાજસિંહ મગુભાને ઝડપી આરોપી પાસે રહેલા હથિયારો કબજે કરી વધુ તપાસ આદરી હતી.

સીઆઈડીમાં ફરજ બજાવતા પીએસઆઈને બાતમી મળી હતી
ગાંધીનગર સીઆઇડીમાં ફરજ બજાવતા પી.એસ.આઈ વાય.કે.ઝાલાને બાતમી મળી હતી. જેમાં ત્રણ આરોપીઓ કોઈ પણ સ્થળે મોટી ઘટનાને અંજામ આપવાના છે. જો કે ઘટના શું હશે એતો પોલીસને પણ જાણ નહોતી. જો કે બેચરાજીની આસ્થા જ્વેલર્સમાં ત્રણ આરોપી લૂંટ કરવા આવવાના હોવાની બાતમી મળતાં તમામ પોલીસને એલર્ટ કરી દેવાયાં હતા.

પોલીસે વોચ ગોઠવી હતી
વાય.કે.ઝાલાના જણાવ્યા પ્રમાણે, બાતમી મળી હતી કે, ચાર દિવસથી લૂંટ ક્યાંક થવાની છે પણ ક્યાં થવાની છે એ જાણ નહોતી. જેથી અમે લૂંટ કરનારા માણસોને ટ્રેસ કરતાં હતા. જેમાં બે દિવસ પાટણ રોકાયાં પણ માણસો ટ્રેસ ન થયા બાદમાં એવું જાણવા મળ્યું કે, આરોપી બેચરાજી આવી લૂંટ કરવાના છે. જે બાદ હું એકલો બેચરાજી આવી આ મામલે તપાસ કરી તો જાણવા મળ્યું કે, લૂંટ કરવા 3થી 4 આરોપી આવનારા છે. ત્યારે સામે હું એકલો હતો. જેથી મહેસાણા એલસીબીને જાણ કરતાં ટીમ આવી ગઈ અને બેચરાજી પોલીસને પણ જાણ કરાઈ જેથી સમગ્ર ટીમે વોચ ગોઠવી હતી.

આરોપીઓ આવે તે પહેલાં પોલીસ સતર્ક
આ સમગ્ર મામલે આરોપી લૂંટ કરવા આવવાની જાણ થતાં જ બેચરાજી અને મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સિવિલ ડ્રેસમાં આરોપી આવે એની રાહમાં સવારથી સ્ટેન્ડ બાય થઈ ગયા હતા. તેમજ બેચરાજીના મોટા ભાગના માર્ગો પર પણ બ્લોક કરી દેવામાં આવ્યા હતા. તેમજ સોસાયટીમાં પણ પોલીસની ગાડીઓ ઉભી કરી દેવામાં આવી હતી. જેથી આરોપી ભાગી જાય તો બેચરાજી બહાર જઇ ન શકે.

આરોપીના હાથમાં નકલી પિસ્તોલ હતી
આ સમગ્ર કેસમાં આરોપી ઝડપાયા બાદ પોલીસે તપાસ કરતાં ગોસ્વામી મહેશપુરી ઉર્ફ સોમપુરીના હાથમાં એક પિસ્તોલ હતી. જે તપાસ કરતાં નકલી હોવાનું જાણવા મળ્યું હતુ. બાદમાં પોલીસે એક છરો સહિતના હથિયારો અને મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આદરી છે.

આ પોલીસ કર્મીઓએ પૂરું ઓપરેશન પાર પાડ્યું
સમગ્ર લૂંટ નિષ્ફળ બનાવવામાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ASI રાજેન્દ્રસિંહ બાબાજી, ASI દિલીપસિંહ દશરથસિંહ, પો.કો.સંજય કુમાર વેલાજીભાઈ તેમજ બેચરાજી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ભરતસિંહ, પો.કો રાકેશસિંહ ભરતસિંહ, પો.કો ડાહ્યાજી તલાજી, પો.કો અનિલદાસ રામદાન આ પોલીસ કર્મીઓએ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતુ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *