પૂર્વ વિસ્તારમાં પોલીસે જ પેદા કરેલા ગુનેગારો કેટલીકવાર પોલીસના જ માથે છાણા થાપે છે. તેવા જ અંકિત નામના એક ગુનેગારને પોલીસ થોડાઘણા પૈસા માટે પંપાળીને મોટો કરી દીધો છે. તેની પરિષ્કાર નામની એક સ્કીમમાં મકાન- ઓફિસ લઇને એસીપીની ઓફિસની સામે જ વિદેશી દારૃનું કટિંગ ચાલુ કરી દીધું છે. એટલું જ નહીં તે વરલી મટકાનો સટ્ટો પણ રમાડતો હતો. જોકે તેમાં સફળતા ન મળતા આખરે ધંધો બંધ કરી દીધો હતો. હવે તેને કોમ્પ્લેક્સના ભોંયરામાં જ એક કેન્ટીન બનાવીને ભાડે આપી દીધી છે જેનું એક લાખ વસૂલે છે. આ ઉપરાંત કોમ્પલેક્ષના ટેરેસ ઉપર જ જિમ ખોલી નાખ્યું છે, તેમાં આખા ગામના લુખ્ખાઓ આવે છે. આ ટપોરીએ પોલીસ સાથે હાથ મિલાવી દેતા તેની હિંમત એટલી ગઇ છે કે કોઇ પણ તેની મંજૂરી વિના દુકાન વેચી શકતું નથી. અગાઉ તેને પાસા તેમજ તડીપારનો આદેશ કરાયો હતો, પરંતુ પોલીસ તેને છાવરી રહી હોવાથી લોકો પરેશાન થઈ ગયા છે.

DCP પાસા કરી જેને જેલમાં ધકેલ્યો, તેના જ મટકાના ધંધાને PIએ પરમિશન આપી દીધી
ગુનાખોરીમાં સમગ્ર રાજ્યમાં સૌથી વધારે કુખ્યાત પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનેગારો બેકાબૂ બની ગયા હતા. જેથી તેમના ઉપર કન્ટ્રોલ લાવવા માટે સરકારે એક યંગ IPSની ત્યાં સ્પેશિયલ કેસમાં ડીસીપી તરીકે નિમણૂક કરી છે, પરંતુ તેમની ધ્યાન બહાર પોલીસ સ્ટેશનના જ પીઆઇ અને કેટલાક તોડબાજ પોલીસ કર્મચારીઓએ ગુનેગારોને હજુ પણ પોતાના ખિસ્સા ગરમ કરીને સાચવી રહી છે. ડીસીપીએ આ ગુનાખોરીને ડામવા માટે કેટલાક લુખ્ખાઓને તો ગુજસીટોક હેઠળ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. તો બીજી તરફ તેમની ઓફિસ અને પોલીસ સ્ટેશનના નજીકના અંતરમાં જ મેબલા નામના એક ખૂંખાર ગુનેગારને પોલીસ જ મોટો કરી રહી છે. તે ગુજસીટોક હેઠળ હાલ જેલમાં છે છતાં તેના વરલી-મટકા અને જુગારધામની ગેરકાયદે રીતે પરમિશન સ્થાનિક પોલીસ દ્વારા આપવામાં આવી છે.
પૂર્વના એકPIએ વહીવટદારોનો ‘વહીવટ’ કરી પોતાના જ ભાણેજને હવાલો સોંપી દીધો
પોલીસ કમિશનરના બંગલાથી માત્ર ત્રણ કિલોમીટર વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનના પીઆઈએ અગાઉ એક નામચીન વહીવટદારને વહીવટ સોંપ્યો હતો, પરંતુ તે પીઆઈની જાણ બહાર મોટા પ્રમાણમાં જાતે જ ઉઘરાણું કરીને બારોબાર વહીવટ કરી નાખતો હતો. આ વાતની જાણ પીઆઈને થતાં તેણે આ વહીવટદારનો વહીવટ કરવાનો પ્લાન ઘડવા માંડયો હતો. હવે આ પીઆઈને વિશ્વાસ કરવો કોની ઉપર એ મોટી ચિંતા હતી. કેમ કે, મોટી મોટી ઉઘરાણીનો વહીવટ ગમે તે વ્યક્તિને તો ન સોંપાય. એટલે તેણે પોતાના જ ભાણેજને કામ સોંપવાનું શરૃ કરી દીધું. ભાણેજ પણ આ બાબતોમાં માહેર હોવાથી મોટાભાગના બે નંબરના કામ પતાવી આપતો હતો. ભાણાને તો એટલી ફાવટ આવી ગઈ કે હવે તેણે પોતાની નીચે એક સ્પેશિયલ માણસ રાખી દીધો છે. હવે બંને મળીને મોટાભાગના વહીવટ કરી નાખે છે. આમ પીઆઈએ એક તીરે બે નિશાન ટાંકીને પોતાની ગોઠવણ કરી નાખી હોવાની પોલીસ બેડામાં ચર્ચા ચાલી ઔરહી છે.
પશ્ચિમના બે PIની ‘બોસગીરી’થી SHE ટીમની મહિલાઓ ત્રાહિમામ્
પશ્ચિમ વિસ્તારમાં બે પોલીસ સ્ટેશનના પીઆઈને બોસગીરીનો ચસ્કો લાગ્યો છે. તેઓ શી ટીમમાં કામ કરતી મહિલા કર્મીઓને પરેશાન કરવાનો કોઈ મોકો છોડતા નથી. આ બંને મહિલા કર્મચારીઓને પોતાની ચેમ્બરમાં બોલાવે અને પછી અડધો કલાક બેસાડી રાખે છે. ત્યારબાદ ધીમેથી કહે તે હવે તમે જઈ શકો છો. આમ અવારનવાર મહિલાઓને ચેમ્બરમાં બોલાવીને અડધો અડધો કલાક બેસાડીને પરત મોકલતા મહિલા કર્મચારીઓ ત્રાહિમામ્ પોકારી ઊઠી છે. એક મહિલા કર્મીએ તો હિંમત કરીને એકવાર પીઆઈને પૂછી જ લીધું કે તમે બોલાવો એનો વાંધો નહીં પણ કોઈ કારણ વગર અમને બેસાડી કેમ રાખો છો? તો પીઆઈએ પહેલાં તો તેની સામે ગુસ્સાભરી નજરે જોયું. ત્યારબાદ કહ્યું, હું તમારો બોસ છું. મને સવાલ નહીં પૂછવાના, હું જે કંઈ કહું તમારે એ કરવાનું. આ સાંભળી મહિલા કર્મચારીને ગુસ્સો તો આવ્યો, પણ સિનિયર હોવાથી કંઈ બોલી ન શકી. મૂંગા મોંએ માનસિક ત્રાસ સહન કર્યા સિવાય તેની પાસે કોઈ છૂટકો ન હતો. આ બંને પીઆઈમાંથી એક પીઆઈ તો પ્રેમલીલા કરવામાં પણ માહેર છે.