પાટણ તાલુકાનાં બાદીપુર ગામે એક વ્યક્તિએ ગામની એક મહિલાનાં પિયરની ઓળખાણ કાઢીને બાદમાં તેમનાં ઘરે આવ્યા પછી મહિલા તેમનાં માટે ચા બનાવવા ગયા ત્યાં સુધીમાં તેમનાં ઘરમાંથી એ શખ્સ મહિલાનાં ઘરમાં પડેલા ટંક માંથી રૂા. 1,24,000ની મતાની દાગીના તથા રોકડની ચોરી કરીને સ્ફુચક્કર થઈ ગયો હતો.
પાટણ તાલુકાનાં બાદીપુર ગામે રહેતા બબુબેન બાબુભાઇ રબારી (ઉ.વ.60) તા. 25-12-2022નાં રોજ તેમનાં પિયર સમીનાં એકલવા ગામે ગયેલા ને તેઓ ગામમાં બસ સ્ટેન્ડ પર બેઠેલા હતા ત્યારે એક અજાણ્યા શખ્સ તેમની પાસે આવીને પોતાની ઓળખાણ ગોવિંદભાઇ નાડોદા તરીકે આપીને પોતે સમીનો રહેવાસી હોવાનું જણાવીને તમારા પિયરમાં ઘરનાં ઘણા માણસોને હું ઓળખું છું. તેમ કહી થોડી વાતચિત કરી જતો રહ્યો હતો બાદમાં બબુબેન બસમાં પોતાનાં ગામ બાદીપુર ખાતે આવ્યા હતા .
બબુબેનનાં પતિ મંદિરે દર્શન કરવા અને દીકરો મહેન્દ્ર પાટણ ગયેલો હતો ત્યારે અગાઉ એકલવા ગામે મળેલો ગોવિંદભાઇ નામનો શખ્સ બબુબેનનાં ઘરે આવ્યો હતો.બંને જણાએ થોડી વાતચીત કર્યા બાદ બબુબેન તેનાં માટે ચા બનાવવા રસોડામાં ગયા હતા ને થોડીવાર પછી ચા આપવા બહાર આવતાં તે વ્યક્તિ જોવા મળ્યો નહોતો. તેમણે મહેલ્લામાં તપાસ કરી હતી. ત્યારબાદ તેમણે ઘરમાં જોયું તો તમામ સામાન વેરવિખેર પડ્યો હતો. તેમને ટંક (પેટી) ખુલ્લી પડી હતી. આ પેટીમાં બબુબેનનાં રૂા. 1,20,000નાં ત્રણ તોલાનાં આઠ નંગ સોનાનાં ઓધનિયા, રૂ 3000 રોકડ, ચાંદીનાં બે સિક્કા, રૂ1000 મળી કુલે રૂા. 1,24,000ની મતાની ચોરી કરી ગયો હતો. જે અંગે બબુબેને ફરિયાદ નોંધાવી હતી.