યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકાર અને પોલીસ ભરતીની પ્રક્રિયા પર સણસણતો આક્ષેપ મૂકતાં જણાવ્યું કે, 40 લાખ રૂપિયાની લાંચ આપીને એક યુવક કોઇ પણ જાતની લેખિત કે શારીરિક પરીક્ષા આપ્યા વગર જ સીધો જ કરાઇ પોલીસ એકેડેમીમાં પીએસઆઈ તરીકે તાલીમ લઇ રહ્યો છે. યુવરાજસિંહે આ અંગેના પુરાવા રજૂ કરતાં જણાવ્યું કે આ યુવાનનું સફળ થયેલાં ઉમેદવારોની કોઇ પણ યાદીમાં નામ નથી. 2021માં થયેલી એએસઆઇ અને પીએસઆઇની ભરતી પરીક્ષામાં 1,382 પૈકી 10 લોકો આ રીતે ભરતી થઇ ગયા છે. વડોદરાથી સફળ થયેલાં ઉમેદવારોને અપાયેલા નિમણૂક પત્રમાં પણ મયૂરનું નામ નથી.
યુવરાજે માગ કરી છે કે આ કિસ્સામાં સંપૂર્ણ તપાસ કરવાની સાથે આ ભરતી જે બોર્ડે કરી તેના તમામ સભ્યોને બરખાસ્ત કરવા જોઇએ. સંદિગ્ધ મયૂરે ભરતીમાં જોડાયા બાદ પગાર પણ મેળવ્યો છે, તેની રિકવરી કરવા ઉપરાંત તેને દંડ પણ થવો જોઇએ. આ સિવાય 2014 પછી થયેલી તમામ ભરતીઓની પણ આ જ રાહે ચકાસણી થવી જોઇએ.
બોગસ ઉમેદવારે પગાર પણ મેળવી લીધો, લેટર સીધો ડીજીપીની કચેરીમાંથી નીકળ્યો
DGP ઓફિસની વ્યક્તિની સંડોવણીની આશંકા
યુવરાજે જે નિમણૂકપત્ર જાહેર કર્યો છે, તેમાં રાજ્યના પોલીસ વડાની કચેરીમાંથી મયૂરને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે જે નિમણૂક મળી તેની નકલ છે. આમ પોલીસ વડાની કચેરીમાંથી પણ કોઇ અધિકારી કે કર્મચારીની આ છેતરપીંડીમાં સંડોવણી હોવાનો સંદેહ યુવરાજે વ્યક્ત કર્યો છે.
આ રીતે આતંકવાદી ભરતી થઇ જાય તો…
યુવરાજે કહ્યું કે કરાઇ એકેડેમીમાં સફળ થયેલાં ઉમેદવારોનું બાયોમેટ્રિક્સ સાથે રજિસ્ટ્રેશન અને પ્રવેશ થવો જોઇએ. જો કોઇ સંજોગોમાં આતંકવાદી કે દુશ્મન દેશનો જાસૂસ આ રીતે એકેડેમીમાં નોકરી મેળવી લે તો રાજ્યની અને દેશની સુરક્ષા પર મોટું જોખમ આવી શકે.
DGને તપાસ સોંપાઇ, તમામની ખરાઇ થશે
ગૃહ વિભાગના સૂત્રો જણાવે છે કે, આ મુદ્દો ખૂબ આઘાતજનક છે. આ બાબતની તપાસ રાજ્યના પોલિસ વડા વિકાસ સહાયને સોપાઇ છે. તેઓ આ બેચના તમામ ઉમેદવારોની સંપૂર્ણ ખાતરી કરશે અને સાથોસાથ મયૂર કેવી રીતે ભરતી મેળવી ગયો અને તેને કોણે મદદગારી કરી તેની પણ તપાસ થશે.