વાઈલ્ડ એન્ગલ : સિંહો બાદ હવે વાઘનું સંવર્ધન કેન્દ્ર!
ઝૂમાં અત્યારે 1 વાઘ અને 3 વાઘણ છે : વસતિ વધારવા માટે કવાયત
રૂ.12.89 લાખના ખર્ચે વાઘ માટે ખાસ મધુરજની પિંજરૂ તૈયાર કરવા દરખાસ્ત મૂકાઈ
સૌરાષ્ટ્રમાં જૂનાગઢના રાજાશાહી વખતના પ્રાણી સંગ્રહાલય બાદ સૌરાષ્ટ્રમાં 1992માં રાજકોટ ખાતે પ્રાણી સંગ્રહાલય શરૂ કરાયું હતું રાજકોટનું ઝૂ પણ 29 વર્ષના સમયગાળામાં લોકપ્રિય બની ગયું છે. તહેવારોમાં હજ્જારોની મેદની ઝૂ નિહાળવા ઉમટે છે. રાજકોટ ઝૂમાં એશિયાટીક લાયન(ગિરનાસિંહ)નું સફળતાથી સંવર્ધન થયા બાદ હવે વ્હાઈટ ટાઈગર(સફેદ વાઘ)નું પણ સંવર્ધન કેન્દ્ર ખોલવાની દિશામાં મનપા આગળ વધી રહી છે. કાલે મળી રહેલી સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં રૂ.12.89 લાખના ખર્ચે વાઘ માટે ખાસ મધુરજની પિંજરૂ તૈયાર કરવા દરખાસ્ત મૂકાઈ છે.

વાઘ માટે પણ મધુરજની માટે ખાસ પિંજરું તૈયાર કરાશે
રાજકોટ મહાપાલિકા સંચાલિત ઝૂમાં સિંહનું સંવર્ધન કરીને તેના આધાન પ્રદાનથી અન્ય ઝૂ પાસેથી પ્રાણીઓ લઈને ઝૂને સમૃદ્ધ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ ઝૂમાં સફેદ વાઘ દંપતિઓ દ્વારા બે વખત અગાઉ બચ્ચા આપવામા આવ્યા હોય તેના વિનીમયથી અન્ય પ્રાણીઓ લાવવામાં આવ્યા હતા. હવે વાઘના બ્રિડીંગ માટે વિધિવત કાર્યક્રમ હાથ ધરાયો છે. જેમાં સિંહની જેમ જ વાઘ માટે પણ મધુરજની માટે ખાસ પિંજરું તૈયાર કરાશે. વન્ય પ્રાણીઓ કોઈની ખલેલ વગર એકાંત માણી શકે તેવી રીતે પિંજર તૈયાર કરવામાં આવનાર છે.
વાઘનું નામ દિવાંકર અને વાઘણોના નામ યશોધરા અને ગાયત્રી છે
હાલ રાજકોટ ઝૂ પાસે 1 સફેદ વાઘ અને 3 વાઘણ છે. આ વાઘ દંપતિ સિંહ દંપતિના બદલામાં છત્તીસગઢના ભિલાઈ ખાતેથી લાવવામા આવેલ. વાઘનું નામ દિવાંકર અને વાઘણોના નામ યશોધરા અને ગાયત્રી છે. રાજકોટ ઝૂ ખાતે દિવાંકર અને ગાયત્રીના સંવનનથી 6–5–15ના રોજ એક વાઘ બાળનો જન્મ થયો હતો. બાદમાં 16 –5–15ના રોજ દિવાંકર અને ગાયત્રીના ઘરે પણ પારણું બંધાયું હતું અને એક બે નહિ પણ ચાર ચાર સફેદ બચ્ચાનો જન્મ થયો હતો. આ બચ્ચાઓનો પણ તંદુરસ્તી સાથે ઉછેર થયો હતો.

સિંહ પરિવારનાં 49 બચ્ચાએ ઝૂને સમૃદ્ધ કર્યું
રાજકોટ :રાજકોટ ઝૂ માં 1992થી રાખવામા આવેલ ગિરના 2 સિંહ દંપતિઓનો વંશવેલો એટલો બધો વિસ્તર્યો હતો કે 2ાા દાયકામાં રાજકોટમાં સિંહના 49 બચ્ચાનો જન્મ થયો હતો. જેનો દેશભરના ઝૂ સાથે વિનીમય કરીને રાજકોટ ઝૂએ અલગ અલગ પ્રાણીઓ મેળવવામાં સફળતા મેળવી હતી.