- વિદેશી દારૂ – બિયરના જથ્થા સાથે ત્રણ શખ્શો ઝડપાયા
- સાંતેજ પોલીસ મથકની હદમાં કોઠારી ચાર રસ્તા પાસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે બેને પક્ડયા
- દારૂની આગળ ડીલીવરી કરવાની હોવાથી પોલીસે પણ ખેપિયાની જેમ સાથે જઈ ત્રીજાને પકડી લીધો
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા પૂર્વ બાતમીના આધારે સાંતેજ પોલીસ મથકની હદમાં આવેલા કોઠારી ચાર રસ્તા પાસે વોચ ગોઠવીને વિદેશી દારૂ – બિયરનો જથ્થો ભરેલી કાર સાથે બે ખેપિયાને ઝડપી લેવામાં આવ્યા છે. આ દારૂની હેરફેરના નેટવર્ક સુધી પહોંચવા પકડાયેલા બન્ને શખ્સો સાથે એલસીબી ટીમે પણ ખેપિયાની જેમ જઈને ત્રીજા રિસીવરને પણ પકડી લઈ આખા નેટવર્કનો પર્દાફાશ કરવામાં સફળતા હાંસલ કરી છે.
ગાંધીનગરમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ કરી દારૂની હેરફેરની પ્રવૃતિઓ ઝડપી લેવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આપેલી સૂચનાનાં પગલે એલસીબીની ટીમ સાંતેજ પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમ્યાન એલસીબી પીઆઈ જે એચ સિંધવ ને બાતમી મળી હતી જે, ભાડજ તરફથી સ્વીફટ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થવાની છે.
જેનાં પગલે એલસીબી ટીમે વહેલી સવારે જ કોઠારી ચાર રસ્તા પાસે વોચ ગોઠવીને બાતમી મુજબની કાર સાથે કુલદીપસિંહ જસવંતસિંહ ઝાલા અને રાજન નારણભાઈ મોચીને ઝડપી લીધા હતા. એલસીબી ટીમે કારની તલાશી લેતાં અંદરથી 278 નંગ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો રાખેલી પેટીઓ મળી આવી હતી. જેથી બન્નેની કડકાઈથી પૂછતાંછ કરતાં રાજન મોચીએ જણાવેલ કે કડીના સૂરજ ગામના રોડ પાસે મનોજ નામના ઈસમે દારૂનો જથ્થો ભરી આપ્યો હતો.
બાદમાં તેના મિત્ર કુલદીપસિંહને બોલાવીને બંને ગાડી લઈને ભાડજ ખાતેના રવિ નામનાં ઈસમનાં કહેવા મુજબ કોઠારી ચાર રસ્તાથી આગળ આવેલ પેટ્રોલ પંપથી થોડેક દૂર રોશન નામના શખ્સને પાંચ પેટી આપવાના હતા. ત્યારે દારૂની હેરફેરના જળમૂડ સુધી પહોંચવા માટે એલસીબી ટીમનાં માણસો કુલદીપસિંહ અને રાજન સાથે ખેપિયાની જેમ ગોઠવાઈ ગયા હતા.
આગળ જતાં કારને જોઈને રોશન નામના ઈસમે ઈશારો કર્યો હતો. અગાઉ પણ રાજન આને વિદેશી દારૂનો જથ્થો આપી ગયો હોવાથી તે પણ રોશનને ઓળખી ગયો હતો. અને એલસીબી ટીમને એલર્ટ કરી દીધી હતી. પોલીસે પણ ધીરજ રાખીને રોશનને કારની નજીક આવવા દઈને તેને કોર્ડન કરી લઈ ઝડપી લીધો હતો. જેણે પોતાનું નામ રોશન મખ્ખન યાદવ (ગ્રીન સિટી, રકનપૂર, કલોલ) હોવાની કબૂલાત કરી હતી.
આમ એલસીબીની ટીમે વિદેશી દારૂની હેરફેરના નેટવર્કનો પર્દાફાશ કરી દારૂનો જથ્થો, 3 મોબાઇલ ફોન, કાર તેમજ રાજસ્થાન પાર્સિંગની બે નંબર પ્લેટ મળીને કુલ રૂ. 6 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.