ગુજરાત સરકારે વિધાનસભામાં આપેલી માહિતી અનુસાર પાછલા બે વર્ષમાં માત્ર કચ્છ જિલ્લામાં જ ખનીજોના લીઝ ધારકોએ 2 હેક્ટર કરતાં વધુ જમીનમાં ખોદકામ કરીને 2.67 લાખ મેટ્રિક ટનની ખનીજ ચોરી કરી હતી. અરજી કર્યા બાદ જ આ લીઝ ધારકોને ખનીજનું ખોદકામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ખનીજ માફિયાઓએ પોતાને મળેલી મંજૂરી કરતા વધુ જમીનમાંથી ખનીજની ચોરી કરીને કરોડો રૂપિયાનું નુક્સાન કરી નાંખ્યું હતું. આટલી મોટી ખનીજ ચોરી કરી હોવા છતાં સરકારે આ માફિયાઓને માત્ર નોટિસો ફટકારીને વાતમાં સમાધાન કરી લીધું છે તેવું સરકારે લેખિત જવાબમાં કબૂલ્યું છે.
શનિવારે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે કચ્છમાં તાલુકાવાર અપાયેલી બ્લેક ટ્રેપ, સાદી રેતી, વ્હાઇટ ક્લે, ચાઇના ક્લે, લાઇમ સ્ટોન, બેન્ટોનાઇટ, લેટેરાઇટ સહિતની ખનીજો માટે કુલ 74 લીઝ અપાઇ હોવાનું જણાવ્યું છે. આ લીઝ અલગ-અલગ 67 લોકોને આપવામાં આવી છે અને તેમણે 2.08 હેક્ટર જમીન વધુ ખોદી નાખ્યાંનું કહ્યું છે. આ અંગે જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે ગુજરાત સરકાર પારદર્શક રીતે માઇનિંગ બ્લોક્સ ફાળવવાનો પ્રચાર કરે છે, પરંતુ સરકારની નીતિઓ કેટલી પોલી છે તે સ્પષ્ટ દેખાય છે. આ માત્ર કચ્છ જિલ્લાની જ વિગતો છે.
પર્યાવરણ અંગેના પ્રમાણપત્ર વગર જ ફાળવણી
મેવાણીના પ્રશ્નના જવાબમાં સરકારે કબૂલ્યું છે કે ગીરના અભ્યારણ્યના ઇકો સેન્સિટિવ ઝોનમાં પ્રતિબંધ છતાં ખુદ સરકારે માઇનિંગ અને સ્ટોન ક્રશિંગની લીઝ ફાળવી દીધી હતી. આ માટે પર્યાવરણનું પ્રમાણપત્ર જરૂરી હોવા છતાં સરકારે તે માટે મંજૂરી આપી દીધી હતી.
ખનીજચોરોને 95.32 કરોડનો દંડ ફટકાર્યો
આ અગાઉ ગુજરાત સરકારે આપેલી વિગતો અનુસાર કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં કુલ 2,202 ખનીજચોરીના કિસ્સા પકડાયાં છે. આ માફિયાઓને કુલ 95.32 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો હતો, તેમ છતાં માત્ર 41.23 કરોડ દંડની જ વસૂલાત કરાઇ છે.