ગોધરા:-બાળકીના અપહરણ અને લૂટના ગૂનાના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો.

Views 43

બ્યુરો રિપોર્ટ-ભાવિનભાઈ પરમાર પંચમહાલ
ગોધરા લાલબાગ બસ સ્ટેશન પાસેથી એક વૃદ્ધને અજાણ્યા વ્યક્તિની બાઈક પર લિફ્ટ લેવી ભારે પડી હતી. બાઈક ચાલક એ સુમસામ જગ્યાએ બાઈક ઊભી રાખીને વૃદ્ધ પાસે રહેલ રોકડ રકમ ની લૂંટ કરવા સાથે સાત વર્ષિય બાળકીનુ અપહરણ કરીને ત્યાંથી જતો રહ્યો હતો.
પંચમહાલ જિલ્લા પોલીસવડા લીના પાટીલના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ અલગ ટીમો એ વિવિધ જગ્યાએ નાકાબંધી કરીને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરીને ગણતરીના કલાકોમાં સાત વર્ષની બાળકીને અપહરણકર્તા ની ચુંગાલ માંથી છોડાઈ હતી. આ પકડાયેલા આરોપી રોશન ચૌહાણ આ પહેલા પણ લૂંટના ગુનામા બે કરતાં વધુ વખત ઝડપાઈ ચૂકયો છે.
શહેરાના ફરસાણના વેપારી પ્રફુલભાઈ શાહ પોતાના પુત્ર વિમલ ની દીકરી જાનકી ને લઈને બુધવારના રોજ ગોધરા ખાતે કોઈ કામ અર્થે ગયા હતા તે સમયે ગોધરા શહેરના લાલબાગ પાછળ બાઈક ચાલક રોશન ચૌહાણ એ વૃદ્ધ પ્રફુલભાઈ ને તમારે ક્યાં જવું છે તેમ કહીને વિશ્વાસમાં લઈ લીધા હતા.
આરોપી રોશન એક સારો વ્યક્તિ હોવાનું વૃદ્ધ ને લાગતા તેઓ કશું વિચાર્યા વગર પ્રફુલભાઈ શાહ તેમની સાથે રહેલ સાત વર્ષની બાળકી જાનકી ને લઈને લાલ કલરની પલ્સર બાઈક પર બેસી ગયા હતા. બાઈકચાલકે ભુરાવાવ વિસ્તારમાં શહેરા તરફના હાઈવે માર્ગ ઉપર આવેલ જી.આઈ.ડી.સી પાસે પ્રફુલ ભાઈ ના ખિસ્સામાં રહેલ રોકડ રકમની લૂંટ કરવા સાથે વૃદ્ધ ને ધક્કો મારીને પાડી દઈ સાત વર્ષની બાળકીને લઈને ફરાર થઈ ગયો હતો.
આ બનાવને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા.સમગ્ર મામલાની જાણ જાગૃત નાગરીક દ્વારા પોલીસને કરવામા આવતા પોલીસ સ્થળ ખાતે આવી પહોંચી હતી. જ્યારે પ્રફુલભાઈ બેભાન થઈ જતા તેમને સ્થાનિક લોકોએ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.
આ બનેલા બનાવને ગંભીરતાથી લઈને જિલ્લા પોલીસ વડા લીના પાટીલ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.જિલ્લા એસ.પી લીના પાટીલ એ સાત વર્ષની બાળકી ને અપહરણકર્તા ની ચુંગલમાંથી છોડાવવા માટે જીલ્લાભરની પોલીસે ને એલર્ટ કરવા સાથે પોલીસની વિવિધ ટીમો દ્વારા પસાર થતા મુખ્ય હાઇવે માર્ગો ઉપર નાકાબંધી કરી દીધી હતી.
પોલીસે શહેરના અલગ અલગ વિસ્તાર માં લાગેલ સી.સી.ટીવી કેમેરાના કુટેજ ચેક કરતા એક લાલ કલરની પલ્સર બાઈક પર પ્રફુલભાઈ અને સાત વર્ષની બાળકી જાનકી બેસીને જતા જોવા મળ્યા હતા જેને લઇને પોલીસે બાઈક નંબર પ્લેટ ના આધારે તપાસ કરતા તાલુકાના સામલી બેટીયા ખાતે રહેતા રોશન ઉર્ફે નાનાભાઈ નટવરભાઈ ચૌહાણ ની બાઈક હોવાનું જાણવા મળ્યું હતું.
જોકે પલ્સર બાઈક ચલાવતો વ્યક્તિ રોશન ચૌહાણ જે કેમેરામાં કેદ થયેલ તે આ પહેલા પણ લૂંટના ગુના મા સજા ભોગવી ચૂકેલ હોવાથી પોલીસ દ્વારા આરોપી રોશન ને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે શહેરના દેવતલાવડી પાસે આરોપી રોશન સાત વર્ષની બાળકી જાનકી સાથે હોવાની ખાનગી રાહે માહિતી પોલીસને મળતા પોલીસ સ્થળ ખાતે પહોંચી જઈને આરોપી રોશન ને પકડી પાડવા સાથે સાત વર્ષની બાળકી જાનકી હેમખેમ પોલીસને મળી આવી હતી.
પોલીસ દ્વારા આરોપી રોશનને પોલીસ મથક ખાતે લાવીને કડકાઈથી પૂછપરછ હાથ ધરતા તેને વૃદ્ધ પાસેથી રૂપિયા ૭૦૦૦ ની લૂંટ કરી હોવા સાથે તેને દીકરો કે દીકરી નહી હોવાથી આ સાત વર્ષની જાનકીને પોતાની દીકરી બનાવવા માટે અપહરણ કરેલ હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતુ. હાલ તો પોલીસે આરોપી સામે લૂંટ અને અપહરણ સહિત વિવિધ કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ જીલ્લા પોલીસની એસ.ઓ.જી અને લોકલ ક્રાઈમ બ્રાંચ સહિતની વિવિધ ટીમો સાત વર્ષની બાળકીને અપહરણકર્તા ની ચુંગાલ માંથી છોડાવા માટે કામે લાગી હતી.આરોપી રોશન ચૌહાણને ગણતરીના કલાકોમાં જીલ્લા એસ.ઓ.જી પોલીસ દ્વારા ઝડપી પાડવામા આવ્યો હતો.અપહરણનો ભેદ ઉકેલવામા શહેરમાં લાગેલા સીસીટીવી મદદરૂપ બન્યા હતા. આરોપીને ઝડપી પાડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *