ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે. આ સટ્ટાનો હિસાબ રાજકોટનાના કુલ બોર્ડના બજેટની નજીક છે. કોઈ પણ આ સાંભળીને ચોંકી જશે, પણ આ વાત સાચી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી તો જાણવા મળ્યું કે, ગુજરાતના બે મોટા બુકી રાકેશ રાજદેવ (ઉર્ફે-આર. આર.) અને ટોમી પટેલ ઉર્ફે ઊંઝાની સર્કિટમાં એક સિઝનમાં 1,400 કરોડ રૂપિયાનો સટ્ટો ખેલાયો છે. જેનો હિસાબ પણ મળી ગયો છે.
આ મોટા ગજાના શખસો દુબઈમાં આલિશાન જિંદગી જીવે છે, વિલામાં રહે છે, સૌથી મોંઘો દારૂ પીવે છે અને તમામ હદ વટાવે છે. ત્યારે હવે બુકીઓ સામે પૈસા ટ્રાન્સફર વિદેશમાં કરાયા હોવાની વિગતો પણ સામે આવી છે. ત્યારે આરોપીઓ સામે લૂક આઉટ સર્ક્યુલર (LOC) નોટિસ જાહેર કરવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તૈયારીઓ કરી લીધી છે.
1400 કરોડના સટ્ટા વિશે શું કહે છે પોલીસ?
આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું કે, રાકેશ રાજદેવ (ઉર્ફે-આર. આર.) અને ટોમી ઉંઝા 1400 કરોડ રૂપિયાના સટ્ટાનો હિસાબ અમને મળ્યો છે. જેમાં હવાલા અને દુબઈમાં ડમી નામના બેન્ક એકાઉન્ટની ડિટેઇલ મળી છે. હવે તેમની સામે LOC જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
મોબાઈલ એપ્લિકેશન મારફતે એકાઉન્ટથી સટ્ટો રમાતો
ક્રિકેટ રમાય એટલે સામાન્ય રીતે કોણ હાર છે અને કોણ જીતશે તેનો સટ્ટો રમાય છે. પણ દરેક બાબતમાં જો સટ્ટો રમાડતા બુકીઓની પણ ગુજરાતમાં કમી નથી. આ શખસો અલગ અલગ સર્કિટમાં કામ કરે છે. કદાચ જીતુ થરાદની સર્કિટ હોય અથવા આર. આર.ની સર્કિટ દરેકની સર્કિટમાં જોડાયેલા પંટર અને સટોડિયાઓ સટ્ટો રમવામાં ચૂકતા નથી. હવે આ સટ્ટાનું રૂપ ટેકનોલોજીમાં કન્વર્ટ થઈ ગયું છે. જે પહેલા બોલતી બોબડી લાઈનથી ક્રિકેટ રમાડતા હતા. તેમાં ખાસ કરીને હવે મોબાઈલ એપ્લિકેશન મારફતે એકાઉન્ટ ખોલાવીને સટ્ટો રમાય છે. જેમાં સટોડિયાને ક્રેડિટ આપવામાં આવે છે. અથવા હાર-જીત બાદ એક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવતા હોય છે. અથવા એડવાન્સ રૂપિયા પણ જમા થતા હોય છે. પરંતુ આ તમામ હિસાબ ભારતમાં નહીં પણ એક રીતે મની લોન્ડરિંગ કહી શકાય તેમ વિદેશમાં જાય છે. એ હવાલા હોય કે ઓનલાઇન ટ્રાન્સફર હાલ સટ્ટા બજારનું આખું નેટવર્ક અલગ રીતે ચાલે છે.
‘સૌથી મોટા ગજાના બુકી ગુજરાતના’
ગુજરાતમાં ક્રિકેટ સટ્ટા પર અનેક લોકો દાવ ખેલતા હોય છે. જેમાં સૌથી મોટા બુકી ગુજરાતના હોય છે, જે વિદેશની ધરતી પર પૈસા ટ્રાન્સફર કરાવે છે. જેમાં એક વ્યક્તિનું અથવા કોઈ ડમી નામનું એકાઉન્ટ હોય છે. જે એકાઉન્ટ દુબઈ કે કોઈ અલગ જગ્યાએ હોય છે. જેમાં સટ્ટાનો હિસાબ ટ્રાન્સફર થાય છે. આ રૂપિયા વિદેશમાં ગયા પછી બુકી તે રૂપિયાથી ઐયાસી કરે છે.
‘બુકીઓના એજન્ટ પણ કરોડો કમાય છે’
બુકીઓ વિશે જાણકારી રાખતા પોલીસ અધિકારીઓ સાથેની વાતમાં જણાવે છે કે, આ બુકી ડમી એકાઉન્ટ બનાવે છે, જે એપ્લિકેશન સાથે કનેક્ટ હોય છે અને એકાઉન્ટમાં રૂપિયા જમા થાય છે. ગુજરાતમાંથી હવાલા દ્વારા ટ્રાન્જેક્શન થાય છે. રોજના 5થી 7 કરોડ એક લાઇનના હોય છે, જે અલગ અલગ બુકીના હોય છે. હંમેશા બુકીઓ જ પ્રોફિટમાં હોય છે, ક્યારેય કોઈ સ્ટોડીયો કમાયો નથી. આ બુકીઓના રિકવરી એજન્ટ પણ કરોડો કમાય છે અને તે ટપોરી જેવા લોકો હોય છે.
‘જે દેશમાં ક્રિકેટ ભાગ્યે જ રમાતી હોય ત્યાંની મેચ પર પણ સટ્ટો રમાય છે’
આ બાબતે સિનિયર આઇપીએસ અધિકારીએ જણાવ્યું હતું કે, બુકીઓ ક્યાંય પણ પ્રોફિટ કમાવાનું છોડતા નથી. બુકીઓ દ્વારા હોંગકોંગ અને નેધરલેન્ડની ક્રિકેટ મેચ પર પણ સટ્ટો રમાડાય છે. જેમાં પણ સટ્ટો ઇન્ટરનેશનલ મેચ જેવો જ હોય છે. આમા પણ રીતસર સેશન, રન, હાર-જીત પર સટ્ટો રમાય છે.
બુકીઓની લાઈફ સ્ટાઇલ કેવી હોય છે?
બુકીઓ દુબઈથી સટ્ટાનું નેટવર્ક ચલાવે છે. ખાસ કરીને દુબઈના સૌથી મોટા વિલમાં ભારતીય બુકી રહે છે. ત્યાં ઐયાસીની તમામ વસ્તુ હોય છે. સૌથી મોંઘો દારૂ, સૌથી સુદર યુવતી અને તમામ શોખ પુરા કરે છે. તેમના પાસે આંધળી આવક છે અને તેનું આખું નેટવર્ક ગોઠવેલું હોય છે. થોડા વર્ષો પહેલા એક બુકીને જમીન અપાવવા મદદ કરનાર પોલીસક્રમીને બુકીએ સૌથી મોંઘી કાર ગિફ્ટ કરી હતી.
લેવડદેવડ માટે ખાસ કોડવર્ડનો જ ઉપયોગ
તપાસમાં બહાર આવ્યું હતું કે સટોડિયાઓ લેવડદેવડ માટે ખાસ પ્રકારના કોડવર્ડનો ઉપયોગ કરે છે . લેવડદેવડ દરમિયાન એક લાખ રૂપિયાનો ઉલ્લેખ કરવામાં આવે તો તેઓ કિલો શબ્દનો ઉપયોગ કરે છે, જ્યારે એક કરોડ રૂપિયાનો ઉલ્લેખ આવે તો તે ચિકન શબ્દનો ઉપયોગ કરે છે. તેમણે અલગ-અલગ એરિયામાં દેવી-દેવતાઓના નામ પરથી ગ્રુપ બનાવ્યા છે અને તેના દ્વારા ઓનલાઇન સટ્ટો રમાડે છે. બે વર્ષ અગાઉ જયપુરમાં પકડાયેલા સટ્ટામાં બહાર આવી હતી કે સટોડિયાઓએ મંદિરોના નામથી સોશિયલ મીડિયાના 30 ગ્રુપ બનાવ્યા હતા. પોલીસના હાથે ના પકડાય તે માટે તેઓ ઓનલાઈન આઇડી બનાવતા હતા અને આઈડી અને પાસવર્ડ ગ્રાહકોને મોકલતા હતા. આઇપીએલની સીઝનમાં સૌથી વધુ સટ્ટો ડાયમંડ દ્વારા રમાડાતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આઈપીએલ પર બે વર્ષ પહેલાં પણ સટ્ટો રમાડ્યો હતો
દુબઈમાં બેસીને પોતાની વેબસાઈટની ઓનલાઈન આઈડી ગ્રાહકોને આપી ઓનલાઇન સટ્ટો રમાડતા દુબઇના બુકી રાકેશ રાજકોટ ઉર્ફે રાકેશ રાજદેવ ઉર્ફે આર આરનું નામ વડોદરા પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. વડોદરામાંથી 20 દિવસમાં પકડાયેલા આઇપીએલના સટ્ટાના 10થી વધુ કેસમાં રાકેશ રાજકોટની ડાયમંડ એક્સચેન્જ લાઇન દ્વારા સટ્ટો રમાડાતો હોવાનું ખુલ્યું હતું. આ ઉપરાંત જયપુર પોલીસના હાથે પકડાયેલા રાકેશ રાજકોટના સાગરિત રણધીરસિંહનું નામ પણ વડોદરા પોલીસની તપાસમાં ખૂલ્યું હતું. અન્ય એક બે લાઈન દ્વારા પણ વડોદરામાં સટ્ટો રમાડતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. વાસણા-ભાયલી રોડ તથા હરણી રોડ પર આઈપીએલનો સટ્ટો રમાડતાં 5 શખસને પોલીસે ઝડપી લીધા હતા. જયપુરમાંથી ઓનલાઇન સટ્ટો રમીને હિસાબો કરી રહેલા રાજકોટના રણધીર સિંહ સહિત ત્રણથી ચાર જણાને રૂા. 4.19 કરોડ સાથે પોલીસે ઝડપી લીધા હતા. બીજી તરફ વડોદરાની પી શાખા ના પી આઇ આર .સી કાનમિયા અને તેમની ટીમે પણ એક મહિનાથી આઈપીએલનો સટ્ટો રમી રહેલા 30થી વધુ લોકોને પકડી ગુના નોંધ્યા હતો. સટ્ટાખોર રાકેશ રાજકોટ અને રણધીર સિંહ આરસી એન્ટરપ્રાઇઝના નામે પેઢી ખોલીને બેન્કિંગ કારોબાર માટે રજિસ્ટર કરાવી અમદાવાદ, વડોદરા સહિત દેશમાં અલગ અલગ સ્થળોએ 321 શાખાઓ ખોલી હતી અને તે ગ્રાહકોને ઓનલાઈન આઈડી આપી સટ્ટો રમાડતો હોવાનું ત્યારે સામે આવ્યું હતું. આ ઉપરાંત દુબઈનો બુકી ભાવિન ઠક્કર પણ આઈડી આપી સટ્ટો રમાડાતો હોવાનું બહાર આવ્યું હતું.