સ્થાનિક બજારમાં કોટનના ભાવમાં પ્રતિ ખાંડીએ રૂ. 13,000નો ઉછાળો
વૈશ્વિક બજારમાં કોટન ફ્યૂચર્સ 121.55 સેન્ટ્સ પ્રતિ પાઉન્ડની 10 વર્ષની ટોચે
ખેડૂતોને સિઝનની શરૂઆતમાં જ કપાસના રૂ. 1800 પ્રતિ મણની ઊપજથી હાથ લાગ્યો જેકપોટ
કોટનના ભાવમાં સટ્ટો બેકાબૂ બનતો જાય છે. સ્થાનિક બજારમાં કોટનના ભાવ ખાંડીએ રૂ. 70 હજારની નજીક પહોંચી ગયાં છે.
મંગળવારે ક્વોલિટી માલોના રૂ. 67,000–69,500ની રેંજમાં ટ્રેડ થઈ રહ્યાં હતાં. વૈશ્વિક બજાર પાછળ સ્થાનિક બજારમાં છેલ્લાં એક મહિનામાં ખાંડીએ રૂ. 13–14,000નો તગડો સુધારો જોવા મળ્યો છે. સિઝનની શરૂમાં જ ભાવમાં તીવ્ર ઉછાળો સમગ્ર ટેક્સ્ટાઈલ ઉદ્યોગ માટે ખતરાની ઘંટી સમાન હોવાનું ઉદ્યોગ વર્તુળો માની રહ્યાં છે. સામાન્યરીતે ઓફ્ સિઝનમાં કોટન સહિતની કોમોડિટીઝના ભાવમાં વૃદ્ધિનો ટ્રેન્ડ સામાન્ય છે. જોકે આ વખતે 3.6 કરોડ ગાંસડી કોટનના ઉત્પાદનનો અંદાજ છે ત્યારે સિઝનની શરૂમાં જ ભાવ ઊછળ્યા છે અને કલ્પના બહારનો વધારો સૂચવી રહ્યા છે. ન્યૂયોર્ક કોટનમાં સટ્ટા પાછળ સ્થાનિક ભાવોમાં છેલ્લાં એક મહિનામાં અસાધારણ વૃદ્ધિ જોવા મળી છે.
ઓક્ટોબરે નવી માર્કેટિંગ સિઝનની શરૂમાં કોટનનો ભાવ ખાંડીએ રૂ. 55 હજાર આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. જે મંગળવારે રૂ. 69,500ની ટોચ પર જોવા મળ્યાં હતાં. શરૂઆતી ભેજવાળા માલોની આવક હવે પૂરી થઈ ગઈ છે અને હાલમાં ક્વોલિટી સારી જોવા મળે છે. જેને કારણે ખેડૂતોને કપાસના રૂ. 1800 પ્રતિ મણના ખૂબ આકર્ષક ભાવ ઊપજી રહ્યાં છે. જોકે ભાવમાં દૈનિક ધોરણે વૃદ્ધિને કારણે તથા તહેવારોને કારણે આવકો થોડી ધીમી પડી રહી છે. જ્યારે બીજી બાજુ ભાવ પણ અંકુશ બહાર ગયા હોવાના કારણે મિલોની ખરીદી ધીમી પડી છે. મિલર્સે સરકારને કોટન બજારમાં દરમિયાનગીરી કરવા માટે જણાવ્યું છે.
હાલના ઊંચા ભાવે યાર્ન સહિતની કંપનીઓના માર્જિન પર ગંભીર અસર પડી છે. તેમજ ખાદી ઉદ્યોગ સામે પણ ખતરો ઊભો થયો છે એમ વર્તુળો જણાવે છે. કોટન પાછળ કપાસના ભાવમાં ઝડપી તેજીને કારણે જિનર્સને ઊંચા ભાવે પણ ડિસ્પેરિટીનો સામનો કરવાનો થઈ રહ્યો છે અને તેને કારણે મોટાભાગના જિનર્સ 50 ટકાથી ઓછી ક્ષમતા સાથે કામગીરી કરી રહ્યાં છે. ગાંસડીએ રૂ. 500–700ની ડિસ્પેરિટી હોવાનું જિનિંગ વર્તુળો જણાવે છે. સિઝનની શરૂમાં જોકે તે રૂ. 1000 આસપાસ જોવા મળી રહી હતી. મંગળવારે ન્યૂયોર્ક કોટન વાયદો 121.55 સેન્ટ્સની 10 વર્ષની ટોચ પર પહોંચતાં ભારતીય માલોની સામે તેમાં રૂ. 3 હજારથી વધુનું પ્રીમિયમ જોવા મળતું હતું.
