બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર પંચમહાલ
કાલોલ તાલુકા વિસ્તારમાં કમોસમી વરસાદના વિધ્ન વચ્ચે પણ પંચાયતોની ચુંટણીના માહોલમાં કોઈ ફરક પડ્યો ના હોય એવો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેથી બુધવારે દિવસભર રહેલા માવઠાના વરસતા વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં દાવેદારોએ પોતાની ઉમેદવારીના ફોર્મ ભરવા માટે ઘસારાનો માહોલ સર્જાયો હતો.
જેથી ત્રીજા દિવસે બુધવારે વરસાદી વાતાવરણમાં પણ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે ૨૬ સરપંચ અને ૯૪ સભ્યોના ફોર્મ ભરાયા હતા. જ્યારે મંગળવારે ૧૩ સરપંચ અને ૨૫ સભ્યોના ફોર્મ ભરાયા હતા. આમ ૪૪ ગ્રામ પંચાયતો માટે પાછલા બે દિવસોમાં કુલ ૩૯ સરપંચ અને ૧૧૯ સભ્યોના ફોર્મ ભરાયા છે.
જ્યારે બીજી તરફ ગ્રામ પંચાયતોની ચૂંટણી લડવા માટે ઉત્સુક દાવેદારો હજુ પણ મોટી સંખ્યામાં ફોર્મ લેવા માટેનો ઘસારો જોવા મળ્યો છે જે મુજબ સોમવારે ૧૧૫૦ ફોર્મનો ઉપાડ , મંગળવારે ૫૭૯ ફોર્મનો ઉપાડ અને બુધવારે ૨૧૩ ફોર્મના ઉપાડ સાથે પાછલા ત્રણ દિવસોમાં કુલ ૨૦૩૨ ફોર્મનો ઉપાડ થયો હતો. આમ હજુ પણ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૪ ડિસેમ્બર છે.
જે મુજબ આગામી ત્રણ દિવસોમાં હજુ મોટી સંખ્યામાં દાવેદારો પોતાના ફોર્મ ભરી શકે છે જેથી કાલોલ તાલુકાની ૪૪ ગ્રામ પંચાયતોની યોજાનાર ચૂંટણીમાં દાવેદારો વચ્ચે પણ મોટું માવઠું સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
ગઈ કાલે બેઢિયા,સુરેલી અને કાનોડ ગામનાં સરપંચ ના ઉમેદવાર ઢોલ નગારાં સાથે પોતાની પેનલ અને સમર્થકો સાથે મોટી સંખ્યામાં કાલોલ તાલુકા પંચાયત ખાતે આવી પહોંચ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ તાલુકાની ૪૪ ગ્રામ પંચાયતોની ચૂંટણી મધ્યે સૌથી વધારે ચુંટણીનો જુવાળ બોડીદ્રા,પીંગળી, બેઢિયા શામળદેવી વગેરે ગ્રામ પંચાયતમાં જોવા મળી રહ્યો છે.