ઈડર અંબાજી સ્ટેટ હાઇવે પર બારેલા તળાવની પાસે આવેલ પદમાવતી કોમ્પલેક્ષની 11 દુકાનોના સાગમટે તાળાં તૂટ્તાં પોલીસની કામગીરી એરણે ચઢી હતી. રાત્રિના સમયે એકસાથે અગિયાર જેટલી દુકાનોનાં તાળાં તોડી ચોર ટોળકી પલાયન થતાં છે. વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી પરંતુ કેટલાની ચોરી થઇ તેનો કોઇ ઉલ્લેખ કર્યો નથી. પદમાવતી કોમ્પલેક્ષમાં એકસાથે 11 દુકાનોના તાળાં તોડી ચોરોએ ઈડર પોલીસને ચેલેન્જ આપી હતી.11 દુકાનોના તાળાં તોડી કેટલાનો મુદ્દામાલ ,રોકડ રકમની ચોરી થઈ તે બાબતે આશંકા વર્તાઈ રહી છે.
ડિઝિટલ યુગમાં પોતાની ઓળખાણ છૂપાવવા ચોરોએ સી.સી.ટી.વી કેમેરા તોડી નાખી ચોરીને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે. સવારના સમયે વેપારીઓ દુકાને પહોંચતા દુકાનના તાળા તૂટ્યાનું જોઇ તાત્કાલિક ઈડર પોલીસને જાણ કરી હતી.ઈડર પોલીસે ઘટનાસ્થળે પહોંચી ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ઇડર પોલીસે પુષ્પકુંજ સોસાયટીમાં રહેતા વિરાગભાઈ અનિલભાઈ ગાંધીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં ચોરીની કોઈપણ જાતની રકમ કે મત્તાનો ઉલ્લેખ કરાયો નથી અને માત્ર દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી સરસામાન વેરવિખેર કરી દુકાનમાં તોડફોડ કરી નુકસાન કરીને ચોરીની કરવાની માત્ર કોશિશ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરાયો છે.