- ખેરાલુ-સતલાસણા તાલુકાના 14 ગામના 457 ખેડૂતોની 90 હેક્ટર ખેતીની જમીન સંપાદન કરવા હાથ ધરાયેલી સુનાવણી
- ખેડૂતોનો એક જ જવાબ ગાયકવાડ શાસનમાં દાંતા સુધી સર્વે થયેલી જૂના રેલવે ટ્રેકનો ઉપયોગ કરો
કેન્દ્ર સરકારે રૂ.2500 કરોડથી વધુના ખર્ચે હાથ ધરેલા આબુ-અંબાજી રેલવે પ્રોજેક્ટ માટે ખેરાલુ અને સતલાસણા તાલુકાના 14 ગામના 457 ખેડૂતોની 90 હેક્ટર જેટલી ખેતીની જમીન સંપાદન કરવા હાથ ધરેલી સુનાવણીમાં મોટાભાગના ખેડૂતોએ જમીન આપવા અસંમતી દર્શાવતાં વાંધા રજૂ કર્યા છે અને નવા સર્વે થયેલા રેલવે ટ્રેકને બદલે આ પ્રોજેક્ટમાં ગાયકવાડે સર્વે કરેલા જૂના રેલવે ટ્રેકનો ઉપયોગ કરવા માંગણી કરી છે.
આબુ-અંબાજી રેલવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવા ખેરાલુ પ્રાંત કચેરી દ્વારા ગત 20 ડિસેમ્બરથી રોજ જુદા જુદા ગામના ખેડૂતોએ રજૂ કરેલા વાંધાઓની સુનાવણી હાથ ધરી છે. 27મીએ સતલાસણા તાલુકાના નેદરડી, વજાપુર, મુમનવાસ અને બેડસ્માના ખેડૂતોને સાંભળવામાં આવ્યા હતા. જેમાં તમામ ખેડૂતોએ એક જ રજૂઆત કરી હતી કે અમે ફક્ત ખેતી અને પશુપાલન આધારિત જીવન નિર્વાહ કરીએ છીએ અને નવા સર્વે પ્રમાણે અમારી જમીન હસ્તગત કરવાને બદલે આ રેલ પ્રોજેક્ટમાં મહારાજા ગાયકવાડના શાસનમાં દાંતા સુધી સર્વે થયેલી જૂની રેલવે ટ્રેકનો ઉપયોગ કરવામાં આવે તેવો પક્ષ રજૂ કર્યો હતો. અનેક ખેડૂતો જમીન વિહોણા, તો કેટલાક આવાસ, ટ્યુબવેલ અને પાણીના આવરા બંધ થવા જઇ રહ્યા છે. પ્રાંત કચેરી દ્વારા જણાવાયું હતું કે, 3 જાન્યુઆરી સુધી ખેડૂતોને સાંભળવામાં આવશે.
આ 14 ગામના 457 ખેડૂતોની જમીન રેલવેમાં જશે
કેન્દ્ર સરકારે બહાર પાડેલા રાજપત્ર મુજબ આબુ- અંબાજી રેલવે પ્રોજેક્ટમાં ડભોડાના 31, આનંદ ભાંખરીના 8, બેડસ્માના 13, ભાણાવાસના 29, મોટા કોઠાસણાના 59, નવાવાસના 30, નેંદરડીના 23, રાજપુર ગઢના 21, સરતાનપુરના 13, સતલાસણાના 27, શાહુપુરાના 22, ટીમ્બાના 86, વજાપુરના 54 અને વાવના 41 મળી 14 ગામના 457 ખેડૂતોની 90 હેક્ટર ખેતીની જમીન રેલવે ટ્રેકમાં જઇ રહી છે.