1947માં કયું યુદ્ધ થયું તે શોધવામાં મને મદદ કરો : કંગના
ગાંધીજીએ ભગતસિંહને મરવા શા માટે દીધા? :ઃ કંગનાના નવા સવાલ
કંગનારનૌતે પોતાના આઝાદી સંબંધી નિવેદન મુદ્દે પોતાનો બચાવ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કંગનાએ પોતાના પૂરા દૃષ્ટિકોણને મૂક્યો છે. કંગનાએ તેમાં દાવો કર્યો છે કે તે ખોટી સાબિત થશે તો પદ્મશ્રી જાતે જ પરત કરી દેશે. એક ટીવી ચેનલને તાજેતરમાં દેશની આઝાદી સંબંધી નિવેદન આપ્યા પછી કંગના અનેક લોકોના નિશાન પર આવી ગઇ હતી. કંગનાએ નિવેદનમાં કહ્યું હતું કે 1947માં જે આઝાદી મળી તે ભીખ હતી. અસલી આઝાદી 2014માં મળી છે. તે મુદ્દે કોંગ્રેસ સહિત સંગઠને કંગના પાસેથી પદ્મશ્રી પરત લઇ લેવાની માગણી કરી છે. અભિનેત્રીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પુસ્તકનું પાનું શેર કર્યું છે. તે પાના પર અરવિંદ ઘોષ, બાળ ગંગાધર ટિળક, બિપિનચંદ્ર પાલના કોટ્સ છે. તેમણે તેમાં કોંગ્રેસ સંબંધી પોતાના વિચારો રજૂ કર્યા છે. કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે, ‘ઇન્ટરવ્યૂમાં બધું જ સ્પષ્ટ કહ્યું છે. 1857માં સ્વતંત્રતા માટે પ્રથમ લડાઇ શરૂ થઇ. પૂરી લડાઇમાં સુભાષચંદ્ર બોઝ, રાણી લક્ષ્મીબાઇ અને વીર સાવરકર જેવા મહાન લોકોએ બલિદાન આપ્યા. 1857ની લડાઇની તો મને ખબર છે, પરંતુ 1947માં કયું યુદ્ધ થયું તેની મને ખબર નથી. જો કોઇ મને તે વિશે જાણ કરેશે તો મારો પદ્મશ્રી પરત કરી દઇશ અને માફી માંગીશ. કૃપયા તેમાં મારી મદદ કરો.’
કંગના પાસેથી તમામ રાષ્ટ્રીય પુરસ્કાર પાછા લો : શિવસેના
કંગનાએ ‘1947માં મેળવેલી આઝાદી ભીખમાં મેળવી હતી, અને સાચી આઝાદી તો ત્યારે મળી કે જ્યારે નરેન્દ્ર મોદી વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા‘ તે મુજબ આપેલી ટિપ્પણી બદલ શિવસેનાએ કંગનાને મળેલા તમામ રાષ્ટ્રીય એવોર્ડ પરત લઇ લેવાની માગણી કરી હતી. શિવસેનાનું કહેવું છે કે તે નિવેદન દેશદ્રોહ છે. શિવસેનાના મુખપત્ર સમનામાં કહેવામાં આવ્યું છે કે સ્વાધીનતા ચળવળનું આવું અપમાન દેશ કદી નહીં સહે. કંગનાએ લખ્યું હતું કે, ‘મેં શહીદ વીરાંગના લક્ષ્મીબાઇની ફીચર ફિલ્મમાં કામ કર્યું છે. રાષ્ટ્રવાદ સાથે રાઇટ વિંગનો પણ ઉદય થયો. પરંતુ અચાનક તે વિંગ ખતમ શા માટે થઇ ગઇ? ગાંધીએ ભગતસિંહને મરવા શા માટે દીધા? નેતાજી બોઝને શા માટે મારવામાં આવ્યા, અને તેમને પણ ગાંધીજીનું સમર્થન શા માટે ના મળ્યું?