- 26 જાન્યુઆરી 2001ના શુક્રવારના રોજ 8.45 કલાકે આવેલા 6.9ના કાળમુખા ભૂકંપમાં 20 હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા
- ભૂકંપગ્રસ્તોની યાદમાં કચ્છમાં નિર્માણ પામેલા સ્મારક માટે ખુદ PMએ કહ્યું હતું- ‘એક વાર અવશ્ય જુઓ’
કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપની વરસી આવી રહી છે ત્યારે ભુજમાં ભૂકંપગ્રસ્તોની યાદમાં નિર્માણ પામેલા સ્મૃતિવન સ્મારકમાં પ્રથમ વખત આવતીકાલે 26 મી જાન્યુઆરીએ જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉજવવામાં આવશે. 26મી જાન્યુઆરી 2001ના રોજ શુક્રવારના દિવસે કાતિલ ઠંડીની સવારે 8.46 વાગે આખો દેશ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં વ્યસ્ત હતો, ત્યારે કચ્છમાં અચાનક ધરા ધ્રુજવા લાગી હતી. રિક્ટર સ્કેલ પર 6.7ની તીવ્રતાથી ધ્રેજેલી ધરાએ ક્ષણભરમાં બધું જ હતું ન હતું કરી નાંખ્યું હતું. તેની અસર સમગ્ર ગુજરાતમાં પડી હતી.
હજારો ઈમારતો પત્તાના મહેલની જેમ જમીનદોસ્ત થઈ ગઈ હતી, જેમાં અંદાજે 20 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. 1.70 લાખ ઘવાયા હતા. આ સ્મારકના લોકાર્પણ વખતે ખુદ વડાપ્રધાન મોદીએ કચ્છના લોકોને વિનંતી કરતા કહ્યું હતું કે,તમારા ઘરે જ્યારે કોઈ મહેમાન આવે, તો કૃપા કરીને સ્મૃતિવનની મુલાકાત લીધા વિના તેમને જવા ન દેશો.અહીં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવાની અપીલની પણ અમલવારી કરાઈ છે.
જ્યારે આરબીઆઈના ગર્વનર શક્તિકાંત દાસે તાજેતરમાં મ્યુઝીયમની મુલાકાત વખતે જણાવ્યું હતું કે,2001ના ધરતીકંપમાં જે જીવ આપણે ગુમાવ્યા છે, તે ખૂબ જ દુઃખની ક્ષણ હતી.સ્મૃતિવનના નિર્માણમાં સંકળાયેલી ટીમની પ્રશંસા કરી અસરગ્રસ્ત લોકોની સ્મૃતિને જાળવી રાખવા અને ભવિષ્યની પેઢીને આપત્તિની તૈયારીના મહત્વ વિશે શિક્ષિત કરવા માટેના સંગ્રહાલયના પ્રયાસોને બિરદાવ્યા હતા. ખ્યાતનામ દિગ્ગજોએ ભુજિયા ડુંગર પર નિર્માણ કરાયેલા આ મ્યુઝિયમની પ્રશંસા કરી છે.
4 મહિનામાં 2.80 લાખ સહેલાણી પૈકી 1.70 લાખએ અર્થકવેક મ્યુઝિયમ ન જોયું
મ્યુઝિયમની મોંઘી ટિકિટની અસર
આ સ્મારકની 4 મહિનામાં 2.80 લાખ લોકોએ મુલાકાત લીધી. પરંતુ માત્ર 1.10 લાખ લોકોએ જ મ્યુઝિયમ જોયું છે બાકીના 1.70 લાખ લોકો મ્યુઝિયમ જોવાના બદલે સ્મારકમાં વોકવે, સન સેટ પોઇન્ટ જોઈને ખુશ થયા હતા.સ્મૃતિવનની એન્ટ્રી ફી 20 રૂપિયા છે અને મ્યુઝિયમની ફી 300 છે. મોંઘી ફી કારણે ઘણા પ્રવાસીઓ સ્મારકમાં પ્રવેશી મ્યુઝિયમમાં જતા નથી.
ફિટનેસ, યોગ અને સંગીતના કાર્યક્રમો
ભુજ તેમજ રાજ્યના નાગરિકો એકસાથે આવી શકે તે હેતુથી અહીં યોગ ક્લાસ અને વર્કશોપ, ઓપન માઇક, સ્કેટિંગ કાર્યક્રમો, ઝુમ્બા ગેટટુગેધર, વોટિંગ માટેની જાગૃતિના કાર્યક્રમ, સંગીતના કાર્યક્રમ અને 21,000+ દીવાઓથી દિવંગતોની શાંતિ માટેના કાર્યક્રમ યોજાયા છે.
છેક સ્પેનથી મુલાકાતીઓ આવ્યા
આ મ્યુઝિયમ ભારતનું સૌથી મોટું અને પ્રથમ હોવાથી દેશ વિદેશના મુલાકાતીઓ આવી રહ્યા છે ત્યારે સ્પેનથી આવેલા રશેલ નામના પ્રવાસીએ આ મ્યુઝિયમની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે,આટલી સુંદર ઇમારત, અને તેની અંદર જે છે તે તેનાથી પણ વધુ સુંદર છે.