સરકાર દ્વારા કરોડો રૂપિયાના કામો કરાઈ છે,પરંતુ લાંબો સમય ટકતાં નથી
ગુજરાત સરકાર દ્વારા કોરોડો રૂપિયાના વિકાસના કામો કરવામાં આવે છે ત્યારબાદ તેને લોકહિત માટે લોકાર્પણ કરી ખુલ્લા મુકવામાં આવે છે પરંતુ ઘણા કામો એવા પણ હોય છે જે નિર્માણ કર્યા બાદ સ્થાનિક વહિવટી અધિકારીઓની બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે તેમનું ભવિષ્ય લાંબા દિવસો ટકતું નથી અને તેમના પાપે સામાન્ય લોકો પરેશાન થતાં હોય છે.
ગુજરાતનું એવું જ એક ગામ છે જ્યાં રસ્તો ખાડાઓમાં ફેરવાઈ જાય છે
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુરથી ચલાલી,કરોલી અને સીમલીયા ગામ ને જોડતો માર્ગ ખખડધજ બન્યો છે ,ખાડામાં રસ્તો છે કે રસ્તામાં ખાડા છે તે સમજવું પણ મુશ્કેલ બન્યું છે એક ખાડો ટાળવા માટે બીજા પાંચ ખાડામાં વાહન ખાબકે છે.
દર વર્ષે ચોમાસામાં ખાડાઓ બહાર આવે છે
હાલ ચોમાસાની ઋતુમાં માર્ગ ઉપર પડેલા જોખમી ખાડામાં પાણી ભરાઈ જાય છે તેથી માર્ગમાં આવેલા ખાડા દેખાતા નથી તેથી વાહનો ખાડામાં ખાબકતા આકસ્મતો સર્જાય છે અને વાહનો ને બહુ મોટા પાયે નુકસાન પણ થઈ રહ્યું છે તેથી ગ્રામજનો અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે.
રસ્તો બનાવ્યાં બાદ તૂટી ગયો હોવાના આક્ષેપો
વેજલપુર થી ચલાલી સીમલીયા ગામ ને જોડતો રસ્તો કરોડો રૂપિયાની ખર્ચે બનેલો હતો આ રસ્તો બન્યાને થોડાક સમયમાં જ તૂટી ગયો હતો ત્યારબાદ તેને હલકી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરીને રીપેરીંગ કરીને લીપા પોતી કરીને છોડી દેવામાં આવે છે.હાલ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ થઈ ચૂકી છે.
દિવસ-રાત આ રસ્તા ઉપરથી રેતી ભરેલાં ગેરકાયદેસર વાહનો દોડી રહ્યાં છે.કોના આશીર્વાદથી????
ચલાલી ગામ નજીક ગોમા નદી આવેલી છે અને કાલોલ ની ગોમા નદી એ ખનીજ માફિયાઓમાં માટે સોનાની ખાણ સમાન બની ગઈ છે.અને ત્યાંથી દિવસ – રાત રેતી ખણન કરવામાં આવે છે તેને કારણે નદીઓમાં પાણી ન ટકવાને કારણે આજુબાજુ વિસ્તારોમાં આવેલ બોર-મોટર કુવાઓમાં પણ પાણી ટકતું નથી તેને લઈને ધરતી પુત્રોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડે છે.બે દિવસ પહેલાં જ ગેરકાયદેસર કરેલાં રેતીના સ્ટોક ઉપર પ્રાંત અધિકારી દ્ધારા રેઈડ કરતાં જિલ્લા ખાણ-ખનીજ પણ દોડતું થયું હતું અને ત્રણ ટ્રક અને બે ટ્રેક્ટર ઝડપી પાડ્યાં હતાં.જેથી આ રોડ ઉપર દિવસ-રાત રેતી ભરેલાં વાહનો બેફામ દોડે છે તેને કારણે પણ રોડ લાંબો સમય ટકતો નથી અને રોડ ખાડાઓમાં ફેરવાઈ જાય છે
ઠેરઠેર પડેલાં ખાડાઓને કારણે 108 ઝડપથી આવી શકતી નથી
કાલોલ તાલુકાના વેજલપુર ગામેથી ચલાલી સીમલીયા ગામને જોડતો આ માર્ગ એકદમ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે તેમજ રસ્તા ઉપર પડી ગયેલા મોટા-મોટા ખાડાઓને કારણે વાહનચાલકો ખાડામાં પડવાથી તેમના વાહન તેમજ રાહદારીઓને ગંભીર પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડે છે અને તેને કારણે અવારનવાર અકસ્માતો પણ થઈ રહ્યા છે.
તેમજ આ રસ્તા ઉપર પાથરવામાં આવેલ ડામર ક્યાંય દેખાતો નથી. હાલની પરિસ્થિતિ માં અકસ્માતો પણ થઈ રહ્યા છે તેમજ મહિલાની પ્રસુતિ માટે પણ લોકોને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓનો લાભ લેવામાં પણ ફાંફા પડી જાય છે. કારણ કે આ રસ્તાઓની પરિસ્થિતિ ખૂબ જ બદતર હાલતમાં હોવાને લીધે વાહન ચાલકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ચલાલી ગામે પહોંચવામાં વધારે સમય લાગી જાય છે. એવા અનેક કારણોને લીધે ગામલોકો એમ્બ્યુલન્સના લાભથી વંચિત રહી જાય છે. તેવું ગ્રામલોકો દ્વારા જાણવા મળ્યું છે.
ગ્રામજનોના આક્ષેપો માત્ર ચૂંટણી સમયે વોટબેંક માટે અમારો ઉપયોગ થાય છે
ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ચલાલી ગામના લોકોને માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. નેતાઓ માત્ર ચૂંટણીઓમાં પ્રચાર પ્રસાર કરવા માટે આવે છે, પછી કોઈ આવતું નથી તેથી ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને માર્ગ નું નવીનીકરણ કરવામાં આવે તેવું વાહનચાલકો અને ચલાલી ગ્રામજનોએ માંગ કરી છે જો વેહલી તકે રસ્તાનું સમારકામ કરવામાં નહિ આવે તો આગામી સમયમાં ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી આંદોલન પણ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે તેવી લોકમાંગ
ત્યારે આ રસ્તા નું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ વાહનચાલકો અને ચલાલી ગ્રામજનો દ્વારા ઉઠવા પામી છે.
બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર પંચમહાલ