જાણો હેલન સાથે જોડાયેલી કેટલીક વાતો
આકર્ષક ડાન્સથી લોકોને કર્યા હતા દીવાના
21 નવેમ્બર 1938ના રોજ બર્મામાં જન્મેલી બોલિવૂડની જાણીતી અભિનેત્રી હેલન આજે પોતાનો 83મો જન્મદિવસ ઉજવી રહી છે. પહેલાની ફિલ્મોમાં તેમણે બોલ્ડનેસનો પરિચય કરાવ્યો હતો. એક જમાનામાં હેલનના આઈટમ નંબર વગર ફિલ્મો અધૂરી ગણાતી. હેલન છેલ્લે વર્ષ 2012માં ફિલ્મ ‘હીરોઈન’માં મોટા પડદા પર જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં હેલનનું પાત્ર ખૂબ નાનું હતું પણ ખૂબ જ અસરકારક હતું. એ પછીથી તેઓ મોટા પડદાથી દૂર છે.

હેલન એંગ્લો ઈન્ડિયન પરિવારથી છે. હેલન બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બર્માથી ભારત આવી હતી. હેલન પહેલા કોલકાતા અને પછી મુંબઈ પહોંચી. અહીં તે કોરસ ડાન્સરનું કામ કરતા હતા, જ્યારે તે 19 વર્ષની થયા ત્યારે તેમને ફિલ્મ ‘હાવડા બ્રિજ’માં મોટો બ્રેક મળ્યો. આ ફિલ્મના ગીત ‘મેરા નામ ચિન ચિન ચૂ’એ હેલનને મોટું નામ અને ખ્યાતિ અપાવી હતી.

તેમણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તેમણે પોતાના આઈટમ સોંગથી બધાને દિવાના બનાવી દીધા. વર્ષ 1957માં હેલને તેમના કરતા 27 વર્ષ મોટા ડાયરેક્ટર પીએન અરોરા સાથે લગ્ન કર્યા, પરંતુ આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. લગ્નના 16 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા. પીએન અરોરા સાથે લગ્ન તૂટ્યા બાદ હેલન ખૂબ જ પરેશાન રહેવા લાગી હતી. બાદમાં વર્ષ 1962માં ફિલ્મ ‘કાબિલ ખાન’ના શૂટિંગ દરમિયાન તેમની મુલાકાત સલીમ ખાન સાથે થઈ હતી અને પછી બંને વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ હતી.

પરિણીત હોવા છતાં સલીમ ખાનનું દિલ હેલન પર આવ્યું
કહેવાય છે કે હેલનના કરિયરમાં સલીમ ખાને ઘણી મદદ કરી હતી. હેલન તેમનું ખૂબ સન્માન કરતી. ધીમે-ધીમે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને વર્ષ 1980માં બંનેએ લગ્ન કરી લીધા. એવું કહેવાય છે કે લગ્ન બાદ સલીમ ખાનના પરિવારમાં ઘણો વિવાદ થયો હતો. તેમના બાળકો અને પત્ની સલમા આ લગ્નની વિરુદ્ધ હતા. પરંતુ થોડો સમય નારાજ રહ્યા પછી સલમા અને તેમના બાળકોએ હેલનને અપનાવી લીધા. હવે સલમાન ખાન પણ તેમને માતાનો દરજ્જો આપે છે.

લગ્ન પછી થયો પસ્તાવો
હેલને પોતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સલીન ખાન સાથે લગ્ન કર્યા પછી તેમને પસ્તાવો થતો હતો. તે પોતાને અપરાધી માનતી હતી. સલીમ ખાન વિશે વાત કરતા હેલને ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘અસલ વાત એ હતી કે સલીમ ખાન પહેલેથી જ પરિણીત હતા. આ વાત મને ખૂબ જ પરેશાન કરતી હતી અને શરૂઆતમાં મને ઘણો પસ્તાવો થતો હતો.’ હેલને આગળ કહ્યું, ‘સલીમ વિશે એવી ઘણી બધી બાબતો હતી, જે તેમણે ઈન્ડસ્ટ્રીમાં અન્ય લોકોથી અલગ બનાવતી હતી. હું તેમનું ખૂબ જ સન્માન કરું છું. તેમણે વગર કોઈ ફાયદાએ મારી મદદ કરી હતી.’
હેલનને ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે પદ્મશ્રી અને ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.