મારી ભારતી દેખાવડી હતી… તેની સાથે શારીરિક બળજબરી થઈ હતી, આ કેસમાં CBI પાસે જ તપાસ કરાવો

Views 61

અમદાવાદ ભૂલાભાઈ ચાર રસ્તા પાસેની હોસ્પિટલમાં માતા-દીકરીના ડબલ મર્ડર કેસમાં પરિવારના નવા આક્ષેપથી વળાંક આવ્યો છે. કર્ણ હોસ્પિટલનો કમ્પાઉન્ડર મનસુખે ભારતીબેન (35) અને તેની માતા ચંપાબેનની હત્યાના આરોપમાં ઝડપાઈ ગયો છે. મનસુખ સસ્તામાં ઓપરેશન કરવાની લાલચ આપીને દર્દીઓને વહેલી સવારે બોલાવતો હતો, પરંતુ આ આખી ઘટનામાં નવો વળાંક આવ્યો છે અને મૃતકના પરિવારજનોએ ભારતીબેન સાથે શારીરિક બળજબરી થયાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, આ સમગ્ર મામલે CBI તપાસની માગણી પર કરી છે.

શારીરિક બળજબરી માટે જ CCTV બંધ કર્યા?
આ મામલે મૃતક ચંપાબેનના ભાઈ પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે સવારે 9 વાગ્યા બાદ મારી બહેન અને ભાણી ભારતી દવાખાને ગયાં હતાં. એ વખતે હોસ્પિટલમાં બંનેની એન્ટ્રી થઈ ત્યાં સુધીના CCTV ચાલુ હતા, પરંતુ ત્યાર બાદ અચાનક જ 9:15થી 10:30 સુધી CCTV કેમેરા બંધ કરી દેવાયા હતા. એ દરમિયાન જ હત્યાનો આ બનાવ બન્યો હતો. અમને આશંકા છે કે મારી ભાણી દેખાવડી હતી તો તેની સાથે હત્યારાએ શારીરિક બળજબરી પણ કરી હતી. તેણે પ્રતિકાર કર્યો હોઈ શકે છે અને માટે જ પહેલા તેને ઇન્જેક્શન આપી અને પછી ગળું દબાવી હત્યા કરી હશે.

બંને બોડીના મોઢાના ભાગે કાળાં નિશાન કેમ?
પ્રવીણભાઈએ ત્યાં સુધી કહ્યું હતું કે ભારતી સાથે આ શારીરિક બળજબરી દરમિયાન અવાજ સાંભળીને ચંપાબેન અંદર રૂમમાં પહોંચી ગયા હશે એટલે જ તેમનું ગળું દબાવી તેમને બળજબરીપૂર્વક દવા પિવડાવવાનો પ્રયાસ થયો હશે. તેમના મોઢાના ભાગે દવાને કારણે કાળાં નિશાન પડી ગયાં છે. સમગ્ર ઘટનામાં ડોક્ટર પણ એટલા જ જવાબદાર છે, કારણ કે કોઈ કંપનીમાં બનાવ બને તો તેની જવાબદારી તેના માલિકની નક્કી થાય છે. છે. તો પછી હોસ્પિટલમાં બનાવ બન્યો તેની જવાબદારી હોસ્પિટલની હોવી જોઈએ.

કમ્પાઉન્ડરનાં કરતૂતો ડોક્ટરને ખબર હોવાનો આક્ષેપ
મૃતક ભારતીબેનના પતિ લક્ષ્મણ સોલંકીએ કહ્યું હતું કે હું AMCની સાફસફાઈ કરતી ગાડી ચલાવું છું. ભારતી અને મારા લગ્ન 4 વર્ષ પહેલાં થયાં હતાં. અમે જ્યારે પણ કર્ણ હોસ્પિટલમાં બતાવવા જઈએ ત્યારે કમ્પાઉન્ડર દવા આપતો હતો. હું ભારતી સાથે તેને લઈને ત્રણવાર દવા લેવા માટે આ હોસ્પિટલમાં જ ગયો હતો. અમને એમ કે ડોકટરના કહેવાથી કમ્પાઉન્ડર દવા આપતો હશે. ડોક્ટરને પણ ખબર જ હોયને કે કમ્પાઉન્ડર દવા આપતો હતો. આમાં અન્ય લોકો પણ હોઈ શકે છે, માટે સમગ્ર બાબતની CBI દ્વારા તપાસ થવી જોઈએ.

દીકરીનો ફોન-દાગીના અને પર્સ હજુ મળ્યાં નથીઃ પિતા
મૃતક ભારતીબેનના પિતા અને ચંપાબેનના પતિ ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે અમે ઘરે હતા ત્યારે તેની મમ્મી અને ભારતી બંનેને કાનની તકલીફ હોવાથી દવાખાને ગયાં હતાં. જોકે આ સમગ્ર બનાવવાની જાણ અમને છેક સાંજે ચાર વાગે થઈ હતી. કર્ણ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર બધાની દવા કરતો હતો તો ડોક્ટરના કહેવાથી જ કરતો હોય ને.. કેસ પેપર નીકળતા હોય તો ડોક્ટરને ખબર જ હોય ને. આ ઘટના બાદ મારી દીકરી પાસે રહેલો સ્માર્ટફોન, તેનું પર્સ અને દાગીના હજુ મળ્યાં નથી.

પતિ સાથે ઝઘડો થતાં ભારતી બે મહિનાથી પિયર હતી
કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગોવિંદભાઈએ લખાવેલી ફરિયાદ અનુસાર, તેમને ત્રણ દીકરા અને બે દીકરી છે. દીકરી ભારતીના લગ્ન બહેરામપુરાના લક્ષ્મણ સોલંકી સાથે કર્યા હતા. લગ્ન બાદ ભારતીને નાની-નાની વાતોમાં પતિ સાથે બોલાચાલી થતી હતી. આ બોલાચાલીમાં જ પતિ સાથે ઝઘડીને ભારતી બે મહિનાથી તેમની સાથે પિયરમાં નારોલ રહેતી હતી. તેમનાં પત્ની ચંપાબેન ઘરકામ કરતાં હતાં.

એલજી હોસ્પિટલ જવાનું કહી માતા-પુત્રી નીકળ્યાં હતાં
ગોવિંદભાઈએ ઉમેર્યું હતું કે મંગળવારે સવારે 9 વાગ્યે ચંપાબેનને પગમાં દુખાવો થતો હતો, એટલે તે મારી દીકરી ભારતીને લઈને બંને એલજી હોસ્પિટલ જઈએ છે એમ કહીને ઘરેથી નીકળ્યા હતા. બહુ સમય થતાં બંને ઘરે પાછાં ન આવતાં મારી ભારતીના મોબાઈલ પર ફોન કર્યો, પણ કોઈએ ફોન ઉપાડ્યો નહોતો. ત્યાર બાદ મારા દીકરાને કોઈનો ફોન આવ્યો હતો કે તમે તાત્કાલિક ભૂલાભાઈ પાર્ક પાસે આવેલા સંકેત કોમ્પ્લેક્સમાં કર્ણ હોસ્પિટલે આવી જાઓ. હોસ્પિટલમાં અમે ઓપરેશન થિયેટરમાં ગયા અને ત્યાં અમને બંનેની લાશ મળી હતી. આ બંનેને ગળેટૂંપો આપીને કે બીજી રીતે હત્યા કરાઈ છે એ નક્કી છે.

પ્રેમપ્રકરણ કે અન્ય કારણે હત્યાની તપાસ શરૂ
આ ડબલ મર્ડર કેસમાં હાલ આરોપી કમ્પાઉન્ડરની પોલીસે ધરપકડ કરી છે. કમ્પાઉન્ડરની પૂછપરછમાં જ સામે આવી શકે છે કે કોઈપણ બનાવ હત્યા માટે કારણભૂત છે કે કેમ? એક થિયરી પ્રેમપ્રકરણની પણ બહાર આવી રહી છે. જોકે આવા કોઈ મુદ્દે તો ફક્ત કમ્પાઉન્ડર મનસુખની કેફિયત દ્વારા જ પડદો ઊંચકાઈ શકે છે, સાથે જ હોસ્પિટલના અન્ય લોકો આ હત્યામાં કમ્પાઉન્ડર સાથે સામેલ છે કે કેમ એનો ખુલાસો પોલીસ પૂછપરછમાં થઈ શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *