બોરસદમાં ચાર કલાકમાં 11 ઈંચ વરસાદ:મધરાતે ગાજવીજ અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ, 11 પશુઓના મોત, ઠેર-ઠેર પાણી ભરાયા
*પાલિકાની ટીમ રાતોરાત કામે લાગી પાણી નિકાલ માટે મશીનરી મેદાનમાં ઉતારી દીધી *આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ભારે વરસાદના પગલે રસ્તા પર નદીઓ વહેવા લાગી
આણંદ જિલ્લામાં ગુરૂવારની રાત્રે વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો હતો. આ વખતે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જિલ્લાના બોરસદમાં ગાજવીજ અને તોફાની પવન સાથે માત્ર ચાર કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે આભફાટ્યું હોય તેમ સમગ્ર નગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના પગલે રસ્તા પર નદીઓ વહેવા લાગી હતી. તેમજ 11 જેટલા પશુઓના મોત પણ થયા હતા.
*મેઘમહેર થતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા
આણંદ જિલ્લામાં રાત્રે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જિલ્લાના બોરસદમાં તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. માત્ર ચાર કલાકમાં 11 ઈંચ વરસાદથી પાણી જ પાણી થયું હતું. મેઘમહેર થતા અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ પાણીના નિકાલ માટે પાલિકાની ટીમે રાત્રે જ ઓપરેશન હાથ ધરી દીધું હતું. દબાણો દુર કરવા ઉપરાંત સાફ ન થયેલા કાંસનું તાત્કાલિક સફાઇ કરવાનું શરૂ કર્યું હતું.
*તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો
આણંદ જિલ્લામાં ગુરૂવારની નમતી બપોરથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયું વાતાવરણ છવાઇ ગયું હતું. સખત બફારા વચ્ચે ગમે ત્યારે ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના ઉભી થઇ હતી. આ દરમિયાન મોડી રાત્રે 10 વાગ્યા બાદ તોફાની પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો હતો. આ વરસાદ આણંદ જિલ્લામાં સાર્વત્રિક પડ્યો હતો. બોરસદમાં જાણે આભફાટ્યું હોય તેવુ જોવા મળ્યું હતું. માત્ર ચાર કલાકમાં જ 11 ઇંચથી વધુ વરસાદ પડતાં સમગ્ર નગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
*પાલિકાની ટીમો કામે લાગી
આ ગંભીર સ્થિતિના પગલે પાલિકા પ્રમુખ આરતીબેન પટેલ સહિતની ટીમ રાત્રે જ કામે લાગી હતી અને સમગ્ર મશીનરી કામે લગાડી હતી. જોકે, વરસાદી પાણીના નિકાલ આડે દબાણો મોટા અવરોધ રહ્યા હોવાનું પુરવાર થઈ રહ્યુ છે. તંત્ર દ્વારા કાંસ પર દબાણો અને સફાઇમાં આળસના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ હોવાથી મોટી મુશ્કેલી સર્જી છે.
*ઠેર-ઠેર પાણી ભરાતા બહાર નિકળવું પણ મુશ્કેલ બન્યું
મહત્વનું છે કે, બોરસદ અને આસપાસના વિસ્તારોમાં વ્હેલી સવાર સુધી પાણી ઉતર્યાં નહતાં. વિસ્તારોમાં બોરસદ નગરની સ્થિતિ એટલી નાજુક બની ગઇ હતી કે, શહેરમાં બહાર નિકળવું પણ મુશ્કેલ બની ગયું હતું. આ ઉપરાંત 11 જેટલા પશુના મોત નિપજ્યા હતા. જ્યારે વ્હેરા ગામે દિવાલ પડી ગઈ હતી. જોકે, તેમાં કોઇ જાનહાનિ થઈ નહતી. આણંદ જિલ્લામાં સાર્વત્રિક નોંધાયેલા વરસાદમાં આંકલાવમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આણંદ જિલ્લાના બોરસદમાં 282 MM, આંકલાવમાં 78 MM, આણંદમાં 28 MM અને તારાપુરમાં 42 MM વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો.
*ક્યા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો
તાલુકો વરસાદ (મિમી)
બોરસદ 282
આંકલાવ 78
આણંદ 28
ઉમરેઠ 21
ખંભાત 26
તારાપુર 42
પેટલાદ 42
સોજિત્રા 64
*ખેડા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ
આણંદની સાથે સાથે ખેડા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લામાં સાર્વત્રીક વરસાદ વરસ્યો હતો. નડિયાદમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગરનાળા પાણીથી છલોછલ થઈ જતા વાહન ચાલકોને હાલાકી પડી હતી. જિલ્લાના મોટાભાગના તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે.