ગાંધીનગર તાલુકના તારાપુર પાસે કારની ટક્કરે એક્ટિવા પર જતાં યુવકનું મોત થયું છે. જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા છે. ટીંટોડા ગામનો 19 વર્ષીય યુવક પ્રકાશ રમેશજી ઠાકોર ગામના મિત્ર પ્રકાશ નટવરજી ઠાકોર (15 વર્ષ)ને લઈને શનિવારે રાત્રે શેરીસા ગામે લગ્નમાં ગયા હતા. બંને મિત્રોએ ત્યાંથી ઝુંડાલ ખાતે ગરબા જોવાનું નક્કી કર્યું હતું. જેથી તારાપુર ગામે રહેતાં મિત્ર સુનિલને લેવા ગયા હતા. રાત્રે આશરે સાડા બાર વાગ્યે ત્રણેય જણાં એક્ટિવા પર ઝુંડાલ તરફ નીકળ્યા હતા.
પ્રકાશે એક્ટિવા તારાપુર પાટીયાથી જમણીબાજુ વળાવી સર્વિસ રોડ પર ઉવારસદ ચોકડી તરફ લીધું હતું. આ સમયે સર્વિસ રોડ પર સામેથી આવતી ગાડીના ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. ત્રણેય મિત્રો રોડ પર ફેંકાયા હતા, જેમાં ત્રણેયને ગંભીર ઈજાઓ થઈ હતી. પ્રકાશ રમેશજીને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું મોત થયું હતું. જ્યારે પ્રકાશ નટવરજી અને સુનિલને ગાંધીનગર સિવિલ સારવાર માટે ખસેડાયા હતા. જ્યાંથી સુનિલને માથાના ભાગે ઈજાઓને પગલે વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયો હતો.
ઘટના અંગે જાણ થતાં પ્રકાશનો ભાઈ મિનેષ નટવરજી ઠાકોર સહિતના લોકો ગાંધીનગર સિવિલ દોડી આવ્યા હતા. સવારના સમયે પરિવારજનો અકસ્માત સ્થળે ગયા ત્યારે એક્ટિવા તૂટી ગયેલી હાલતમાં પડ્યું હતું. જ્યારે અકસ્માત કરનાર ની એક્સયુવી ગાડી પડી હતી. અકસ્માતને પગલે ઈજાગ્રસ્ત પ્રકાશના ભાઈની ફરિયાદના આધારે અડાલજ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો. આ બનાવમાં યુવાનનું મોત થતા ગામમાં ભારે અરેરાટી ફેલાઈ જવા પામી હતી.