સામાન્ય બાબતમાં આધેડને માર મારતા મોત
બે આરોપીઓની પોલીસે અટકાયત કરી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા નજીક આવેલ નાના આસોટામાં સામાન્ય બાબતમાં આધેડને માર મારતા મોત નીપજયું હતું. જેમાં બે આરોપીઓની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઝઘડાને લઈને મનદુઃખ થતા ફરી એકવાર ઝઘડો થયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે એકાદ વર્ષથી સામાન્ય બોલાચાલી અને ઝઘડો થયો હતો. જેમાં ઝગડાને લઈને મનદુઃખ થતા ફરી એકવાર ઝઘડો થયો અને આ ઝઘડામાં કરશન સગા આંબલિયાનું મોત સારવાર દરમિયાન થતા મારમારીનો બનાવ હત્યામાં ફેરવાયો હતો.

સારવાર દરમિયાન મોત નીપજયું
જામખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે એકાંતનું જીવન જીવતા કરશન સગા આંબલિયા ઉંમર 47 વર્ષની ઢોર માર મારતા તેમનું મોત થયું છે. તેમને ઇજાઓ થતા સારવાર અર્થે જામખંભાળીયા અને બાદમાં જામનગર જીજી હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું.
જીવા ઉર્ફે હકો કરશન ખુંટી બંનેને ઝડપી વધુ તપાસ હાથ ધરી
સમગ્ર મામલા પર નજર કરીએ તો નાના આસોટા ગામે મજૂરી કામ કરી કરશન સગા આંબલિયા ગામમાં એકલવાયું જીવન વ્યતીત કરી રહ્યાં હતા. તેઓને કોઈ બાબતે અગાઉ ગામમાં બોલાચાલી થયેલ હોઈ આ મામલે આરોપીઓ દેવાણદ ઉર્ફે દેવલો કરશન ખુંટી તથા આરોપી જીવા ઉર્ફે હકો કરશન ખુંટીએ ધોકા વડે મૃતક કરશનભાઈ આંબલિયાને બંને પગે તથા હાથે માર મારતા ગંભીર રીતે ઘવાયેલા કરશન આંબલિયાને સારવાર અર્થે જીજી હોસ્પિટલ જામનગર લઈ જવાયા હતા. જ્યાં તેઓએ સારવાર દરમિયાન દમ તોડતા આ સમગ્ર મામલો હત્યામાં પરિણમતા પોલીસે બંને હત્યાના આરોપીઓ દેવાણદ ઉર્ફે દેવલો કરશન ખુંટી તથા આરોપી જીવા ઉર્ફે હકો કરશન ખુંટી બંનેને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.