એક મહેંદી, ત્રણ રંગ:ઘર અને બહાર પ્રેમ ઝંખતી મહેંદીની માતા મૃત્યુ પામતાં પિતાએ બીજા લગ્ન કર્યા, પહેલા પતિથી છૂટી પડી, બીજા પતિ-પ્રેમીએ ગળું દબાવ્યું

Views 116

 

મહેંદી પેથાણીનો પહેલો પતિ અમદાવાદના જુહાપુરામાં રહેતો હતો

સાડાત્રણ વર્ષ અગાઉ પણ મહેંદી ઘરેથી ગુમ થઈ હતી
પિતાએ છૂટાછેડા લીધા હોવાથી મહેંદી કાકા પાસે રહેતી હતી
મહેંદીની ફાઇલ તસવીર. - Divya Bhaskar
                                                                        મહેંદીની ફાઇલ તસવીર
 

ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પાસે ત્યજી દેવાયેલા શિવાંશના પિતા સચિન દીક્ષિતને રાજસ્થાનના કોટા શહેર ખાતેથી ઝડપી લેવાયા બાદ તેણે શિવાંશની માતા મહેંદી ઉર્ફે હિનાની ગળું દબાવી હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યાર બાદ પોલીસ આરોપી સચિનને લઇને વડોદરાના ખોડિયારનગર ખાતે આવેલા દર્શનમ ઓએસિસ ફ્લેટ ખાતે પહોંચી હતી, જ્યાં બેગમાં પેક કરેલી મહેંદીની લાશ મળી મળી આવી હતી. ઘટનાની વિગત એવી છે કે ગત 8 ઓક્ટોબરે શિવાંશને એક કારમાં ગૌશાળા નજીક રઝળતો છોડી એક શખસ જતો રહ્યો. ત્યાર બાદ પોલીસે સીસીટીવીના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી અને સચિનની ઓળખ થઈ હતી.

‘મારી દીકરીની લાશ અંતિમસંસ્કાર માટે મને સોંપજો’: મહેંદીના પિતાની પોલીસને અરજ
મારી દીકરીની સાથે જે થયું એ ઈશ્વરની મરજી, પણ હવે મને મારી દીકરીનો મૃતદેહ સોંપવામાં આવે એવી મારી ઈચ્છા છે એમ પ્રેમીના હાથે હત્યાનો ભોગ બનેલી મહેંદી પેથાણીના પિતા મહેબૂબભાઈએ દિવ્ય ભાસ્કરને આ પ્રમાણે જણાવ્યું હતું. અમદાવાદમાં રહેતા મહેબૂબભાઈની પ્રથમ પત્નીનું સંતાન મહેંદીની માતાનું અવસાન થયા બાદ તેની સારસંભાળ થોડા સમય માટે તેના પિતાએ કરી હતી. ત્યાર બાદ મહેંદીને તેની નાનીને ત્યાં ચિત્રાસણ, જૂનાગઢ ખાતે લઈ જવાઈ હતી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કે તેમની દીકરીની હત્યાના સમાચાર સાંભળીને તેમને ઉંડો આઘાત લાગ્યો છે. આ સંજોગોમાં તેમણે પોલીસ વિભાગને અરજ કરી છે કે તેમની દીકરીના અંતિમસંસ્કાર તેમના હાથે થાય એ માટે તેની લાશ પોસ્ટમોર્ટમ પછી તેમને સોંપવામાં આવે.

‘મહેંદીને મેં હંમેશાં ખુશ રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે મને છોડી દીધો’: પ્રથમ પતિ
મહેંદી પેથાણીના લગ્ન અમદાવાદના જુહાપુરામાં એક વેપારી યુવાન સાથે થયા હતા. જોકે સાડાત્રણ વર્ષ અગાઉ એક દિવસ તે ગુમ થઈ ગઈ હતી. આ મામલે તેના પતિ આદિલ પંજવાણીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે પાછળથી તે મળી આવી હતી. ત્યાર બાદ જાણવા મળ્યું હતું કે મહેંદીને તેની માસીના દીકરા સાથે પ્રેમસંબંધ હોઈ તેની સાથે રહેવા ચાલી ગઈ હતી. આ ઘટના બાદ આદિલ પંજવાણીએ મહેંદીની સાથે છૂટાછેડા લીધા હતા. ત્યાર બાદ તે સચિન દીક્ષિતની સાથે લીવ-ઈનમાં રહેતી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. આ બાબતે દિવ્ય ભાસ્કરે મહેંદીના પ્રથમ પતિ આદિલ પંજવાણીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે હું મહેંદીને ખૂબ પ્રેમ કરતો હતો. મા વિનાની મહેંદીને મેં હંમેશાં ખુશ રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે મને છોડીને ચાલી ગઈ હતી. તેના મોત વિશેના અહેવાલ વાંચી મને ખૂબ દુઃખ થયું છે.

પિતાએ છૂટાછેડા લીધા હોવાથી મહેંદી કાકા પાસે રહેતી હતી, પછી માસીને ત્યાં રહેવા ગઈ
મહેંદી ઉર્ફે મહેંદીના કાકા મુન્નાભાઈ બાબુભાઈ પેથાણીએ જણાવ્યું હતું કે તેનું ઉપનામ મહેંદી છે. મહેંદી મહેબૂબભાઈ પેથાણીએ કેશોદમાં ધો. 10 સુધીનો સેન્ટ પીટર્સ સ્કૂલમાં ઇંગ્લિશ મિડિયમમાં અભ્યાસ કર્યો હતો. તેના પિતા મહેબૂબભાઇએ પત્ની આરતી સાથે છૂટાછેડા લીધેલા હોવાથી મહેંદી મારી સાથે રહેતી હતી. ધોરણ 10 પછી કેશોદમાં ઇંગ્લિશ અભ્યાસક્રમ ન હોવાથી તેના પિતા જૂનાગઢ અને ત્યાર બાદ અમદાવાદ રહેવા જતા રહ્યા હતા અને ત્યારે મહેંદી પણ અમદાવાદ જતી રહી હતી. મહેંદીના અગાઉ તેના ખોજા જ્ઞાતિના યુવક સાથે લગ્ન થયેલા હતા, જેમાં તેણે છૂટાછોડા લીધા હતા. તે મહેંદી કરવામાં ખૂબ હોશિયાર હતી, પરંતુ તે જિદ્દી સ્વભાવની હતી. મહેંદી તેનાં માસી સાથે રહેવા લાગી, ત્યાર બાદ આ ઘટના બની હોય એવું લાગે છે.

શિવાંશ પર પહેલો હક એના દાદાનો ગણાશે
લિવ-ઇનમા રહેતી પ્રેમિકાથી જન્મેલો કુમળા ફૂલ જેવો 10 મહિનાનો માસૂમ એક જ ક્ષણમાં માતા-પિતા વિનાનો નોધારો થઇ ગયો છે. હજુ તો તે સમજી પણ શકતો નથી, પાપા પગલી ભરી શકતો નથી ત્યારે શહેરના કોર્પોરેટરે માતા જશોદાની ભુમિકા ભજવી હતી, પરંતુ બાળકનાં માતા-પિતા કોણ એના પરથી પડદો ઊંચકાઇ જતાં બાળક શિવાંશ નોધારો બની ગયો છે. ત્યારે રવિવારે સાંજના સમયે ગાંધીનગર સિવિલથી ઓઢવ બાળ સંરક્ષણ ગૃહમાં લઇ જવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહત્ત્વની બાબત છે કે શિવાંશની માતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને તેનો પિતા હવે હત્યાનો આરોપી છે. કાનૂની નિષ્ણાતોના મતે શિવાંશ ખરેખર સચિનનો દીકરો છે કે નહીં એ બાબતની ખરાઈ ડીએનએ રિપોર્ટથી થશે. રિપોર્ટમાં આ વાત સાચી જણાય તો શિવાંશ પર સૌપ્રથમ હક તેના દાદા નંદકિશોર એટલે કે સચિનના પિતાનો ગણાય. તેઓ શિવાંશની જવાબદારી લેવા તૈયાર થાય છે કે પછી દત્તક આપવા માગે છે તેના પર શિવાંશનું ભવિષ્ય નક્કી થશે.

HBN TV NEWS

 
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *