અરવલ્લીની આદિવાસી સંસ્કૃતિના દર્શન કરાવતો શામળાજીનો મેળો 

Views 67

આદિજનોની વાત : ઊંચા નીચા ડુંગરા, વચમાં ધોળી ધાર, ધારે બેઠો શામળિયો, તીરથ તારણહાર

શામળાજીનો મેળો ધર્મ, સંસ્કૃતિ અને સમાનશાસ્ત્રના અભ્યાસીઓને અઢળક સામગ્રી પૂરી પાડે છે.

મદાવાદ દિલ્હીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ આવ્યું છે ગુજરાતનું સુપ્રસિદ્ધ તીર્થસ્થાન શામળાજી

સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકામાં મેશ્વો નદીના કિનારે અરવલ્લીની ગિરિમાળાની ગોદમાં વસેલું શામળાજી આદિવાસીઓનું મોટું યાત્રાધામ છે. ગુપ્તકાલીન શિલ્પ સમૃદ્ધિથી શોભતા આ મંદિરમાં કાળા આરસમાંથી બનાવેલી ભગવાન શામળાજીની ચાર ફૂટ ઊંચી પ્રતિમાના હસ્તમાં ગદા ધારણ કરેલી હોવાથી આ દેવગદાધરને નામે અને આ તીર્થગદાધર ક્ષેત્રના નામે જાણીતું છે.
કારતક મહિનાની અગિયારસથી આરંભાતો શામળાજીનો મેળો ત્રણ અઠવાડિયા સુધી ચાલે છે. એમ કહેવાય છે કે છેલ્લા એક હજાર વર્ષથી લોકસંસ્કૃતિના સંગમસમો આ મેળો યોજાતો આવે છે. કાર્તિકી પૂર્ણિમાએ મેશ્વો નદી અને નાગધરાના નીરનું સ્નાન અને શામળાજીના દર્શનનું મહાત્મ્ય જનજીવનમાં વિશેષ મનાતું હોવાથી ચૌદશ, પૂનમ અને એકમ ત્રણ દિવસો દરમિયાન શામળાજીના મંદિરનો ચોક, બજારો અને મેશ્વો નદીનો પટ માનવ મહેરામણથી જાણે કે હાંફવા માડે છે. ત્રણેક લાખ લોકો દેવદર્શન કરવા અને મેળાની મોજ માણવા અહીં ઊતરી આવે છે.
શામળાજીના મેળાનો શુભારંભ થતાં જશામળિયાલાલની જય,’ ‘શામળાબાવીસીની જય‘ ‘કાળિયા ઠાકરની જયએવા જયનાદો કરતાં અસંખ્ય માણસો ડુંગરાની ગાળિયો, જંગલ ઝાડીઓ અને ગામડાંઓમાંથી કીડિયારાની જેમ માણસો મેળે જવા ઊમટી પડે છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર મહાલ, મેઘરજ, માલપુર, રાજસ્થાનના ડુંગરપુર, રતનપુર ઉદેપુર અને અમદાવાદ, ખેડા જેવા જિલ્લાઓમાંથી લોકો ગાડાં, ઊંટ,
સાઇકલ, બસ, મોટરસાઇકલ અને અન્ય વાહનોમાં તથાગુડિયાવેલ‘ (પગપાળા) મેળો માણવા આવી પહોંચે છે. શામળાજી વિસ્તારના વનવાસી સ્ત્રીપુરુષ અને જુવાનડાઓ ભાતીગળ વસ્ત્રો અને અવનવા અલંકારો ધારણ કરીને ગાતાં, વગાડતાં ને નાચતાં મેળો માણવા નીકળી પડે છે. આદિવાસી યુવતીઓના હૈયામાં ઉમંગ માતો નથી. એમના કુદરતી નરવા ગળામાંથી વહેતા લોકગીતો વાયરે ચડીને મેળાની વાતને વગડામાં વહેતી મૂકે છે :
હાલ કટુરી હાલ રે રણજણિયું રે પિંજણિયું વાગે     
શામળાજીના મેળે રણજણિયું રે પિંજણિયું વાગે
ડોસા દોટો કાઢે રણજણિયું રે પિંજણિયું વાગે
મોટિયાર મૂંછો મરડે રણજણિયું રે પિંજણિયું વાગે
ડોશીઓ ડોળા કાઢે રણજણિયું રે પિંજણિયું વાગે
હાલો શામળાજીના મેળે રણજણિયું રે પિંજણિયું વાગે.
પૂનમ આવવાના સાતેક દિવસ અગાઉ જુદા જુદા ગામોના ભાવિક ભક્તોની સિત્તેરથી એંશી જેટલી ભજન મંડળીઓ કાળિયા ઠાકરની ધોળી ધજાયું હાથમાં લઈને ભજનોથી વાતાવરણ ભરી દેતી શામળાજીમાં આવે છે અને નદીના પટમાં ઉતારો કરે છે. દરેક ગામની મંડળીઓ પોતપોતાની રાવટીઓ બનાવીને બેસે છે, ને ભજનોની ઝૂક બોલાવે છે. કાંસીજોડા, દોકડ (તબલાં) મંજિરા, ઢોલક અને ઘૂંઘરાના તાલે મંડળીનો નાયક ગણપતિની સાખી બોલી ભજનનો ઉપાડ કરે છે. ભજન સાંભળીને ભાવાવેશમાં આવેલા ભક્તો હાથમાં કરતાલ લઈ સામસામા ફૂદડિયો મારતા નાચે છે. ભજનમાં વચ્ચે વચ્ચે જોડાયેલી સ્ત્રીઓ ટીપ મારીને તીવ્ર કે કોમળ સ્વરે ભજનમાં સાથ આપે છેશામળાજીનો મેળો કુંવારા જુવાન હૈયાંનું મિલન સ્થાન પણ બની રહે છે. મેળામાં આવવાના, મેળામાં સાથે ફરવાના, મંદિરના પગથિયાં સાથે ચડવાના અને મેશ્વો નદીના કાંઠે ફરવાના વાયદા આપી જુવાન હૈયાં વચને બંધાય છે, એટલું જ નહીં પણ વફાદારીપૂર્વક વચન પળાય છે. મેળામાં નવા સંબંધો બંધાય છે. અહીં કોપરાની કાચલી (નાળિયેર) અને ગોળના દડબાની આપલે થાય છે. મેળામાં આવતા આદિવાસી યુવક યુવતીઓ પરાપૂર્વથી ચાલતા આવતાઉધળલગ્ન કરીને મેળાના માહોલમાંથી નાસી જાય છે. પાછળથી બંનેના માબાપ શોધી કાઢી થોડીક લેવડદેવડ પતાવી લગ્નને સામાજિક મહોર મારે છે. આ રિવાજનેલફરું ભાંગ્યુંએમ કહે છે.
શામળાજીનો મેળો ધર્મ, સંસ્કૃતિ અને સમાજશાસ્ત્રના અભ્યાસીઓને અઢળક સામગ્રી પૂરી પાડે છે. અહીં ઉત્તર ગુજરાતના ગામોમાંથી ભગતભૂવાઓ પણ આવે છે, અને પોતાના મંત્રો તાજા કરે છે. નવા સવા ભૂવાઓ અહીં સાધના શીખે છે. આદિવાસીઓ ભૂતપ્રેતમાં શ્રાદ્ધા ધરાવનારી પ્રજા છે. આથી કોઈ બાઈને ભૂતપ્રેત કે જોડઝપડિયું વળગ્યું હોય તો મેશ્વો નદીના નાગધરાના નીરમાં સ્નાન કરાવી ઉઘાડા અંગ માથે ઠંડા પાણીની છાલકો મારે છે. વનવાસીઓની માન્યતા મુજબ આ વિધિથી એનો વળગાડ દૂર થઈ જાય છે. ચૌદશની રાત્રે મેશ્વોના પટમાં ભગતભૂવાઓનો નોખો મેળો જામે છે. ડાકલાં વાગે છે. આરણ્યું ગાઈને જુદી જુદી માતાઓને આહ્વાન અપાય છે. વેંત વેંતની ચોટલિયું છૂટી મૂકીને ભૂવા હા.. હા.. કરતાં ધૂણે છે. હોંકારા પડકારા અને રિડિયારમણથી વાતાવરણ બિહાળવું બની જાય છે.
પૂનમની વહેલી પરોઢે કડકડતી ઠંડીમાં સ્નાન કરી શ્રાદ્ધાળુ આદિવાસીઓ બાવજી (શામળાજી)ના દર્શન કરી બાધાઆખડી પૂરી કરે છે. લોકમાન્યતા મુજબ અહીં સ્નાન કરવાથી માનવીના તાવતરિયો, રોગદોગ, આધિ, વ્યાધિ, ઉપાધિ સઘળું દૂર થાય છે. નવ પરિણીત નારીઓ માટે અહીંના સ્નાનનો મહિમા મોટો છે. મૃત્યુ પામેલા સ્વજનોના આત્માની સદ્ગતિ માટે એમના અસ્તિફૂલ નદીના નીરમાં પધરાવવામાં આવે છે.
ધરતી પર વેરાયેલા પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે ઉભેલા શામળાજીના મંદિર માટે કહેવાય છે :
ઊંચા નીચા ડુંગરા, વચમાં ધોળી ધાર,
ધારે બેઠો શામળિયો, તીરથ તારણહાર.’
ડુંગરાની ગાળીમાં આવેલું સોલંકીકાલીન સમૃદ્ધ શિલ્પસ્થાપત્ય ધરાવતું શામળાજીનું મંદિર મેળાનું મુખ્ય આકર્ષણ બની રહે છે. મંદિરમાં દર્શન કરીને ફરતા ચોકમાં પરિકમ્મા કરો તો ગગનચુંબી મંદિરની ઊંચી બેસણીની ચારે કોર્ય કણી અને જળુંબા પર ગ્રહધર ગજથર અને દેવથરના શિલ્પમાં રામાયણ, કૃષ્ણ ચરિત્ર તથા ભોગાસનના શિલ્પો ઊડીને આંખે વળગે છે. મંદિરના મંડોવરના ભાગમાં આવેલા દેવદેવીઓમાં શિલ્પોની સમૃદ્ધિ આંખ આગળ ખડી થાય છે.
આ ગદાધર તીર્થની ખ્યાતિ પુત્રરત્નની પ્રાપ્તિ માટે જાણીતી રહી છે. પુરાણકથા એવી છે કે બ્રહ્માજીએ અહીં રહીને એક હજાર વર્ષ લગી તપ કર્યું હતું. હરિૃંદ્ર અને તારામતીના લગ્ન આ ધરતી પર થયાની જનશ્રાુતિ જાણીતી છે. તેમના લગ્નની ખંડિત ચોરી આજેય અહીં દર્શાવવામાં આવે છે. મંદિરના આસપાસના વિસ્તારમાં સૂર્યમંદિર, રણછોડજીનું મંદિર, કાશી વિશ્વનાથનું મંદિર અને કરમાબાઈનું તળાવ જોવા મળે છે. તેમાં ખાસ નોંધપાત્ર  તો નાનકડી દેરીમાંની સ્થાનિક આદિવાસીઓ દ્વારાકળશી છોકરાંનીમાના નામે ઓળખાતી વિરલ પ્રતિમા જોતાં જ પુરાતત્ત્વવિદો ઓળખી જાય છે કે આ તો વિષ્ણુની પ્રતિમા છે. એને આવું નામ કેમ આપ્યું હશે ? મૂર્તિના શિરમુગટમાં વિષ્ણુમાં 24 અવતારોની પ્રતિમાઓ રજૂ થયેલી છે લોકકલ્પનાએ વિષ્ણુને માતા ગણાવી દીધાં ને આ અવતારો તે તેના કળશી છોકરાં. લોકકલ્પના કેવી વિલક્ષણ છે. આમ શામળાજીનો મેળો અરવલ્લીની ગિરિમાળાના આદિવાસીઓના સંસ્કાર, કલા અને સંસ્કૃતિના દર્શન કરાવી લોકહૈયાંમાં આનંદ અને ઉલ્લાસના રંગસાથિયા પૂરે છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *