ગૃહમંત્રી અમિત શાહ સરદાર વલ્લભભાઇ પટેલની જયંતી એટલે કે એકતા દિવસના અવસર પર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આયોજીત એકતા પરેડમાં સામેલ થયા. સરદાર વલ્લભભાઇ પટેલની 146મી જન્મજયંતિ નિમિત્તે કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SoU) ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થઇ રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સવારે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તેમણે એકતા પરેડમાં હાજરી આપી અને એકતા પરેડની સલામી ઝીલી હતી. અહીં એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજ્યોની પોલીસની બાઇક રેલી, માર્શલ આર્ટ, સ્કૂલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે. બે કલાકના કાર્યક્રમ બાદ અમિત શાહ આણંદ જવા માટે રવાના થશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આજે સવારે કેવડિયા પહોંચ્યા છે અને એકતા દિવસની ઉજવણીમાં ભાગ લઇ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ રેકોર્ડ વીડિયો મેસેજ દ્વારા સમારંભને સંબોધિત કરશે.
આની પહેલાં સરદાર પટેલની જયંતી પર અમિત શાહે ટ્વીટ કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી. શાહે કહ્યું કે માતૃભૂમિ માટે સરદાર સાહેબનું સમર્પણ, નિષ્ઠા, સંઘર્ષ અને ત્યાગ દરેક ભારતવાસીને દેશની એકતા અને અખંડતતા માટે પોતાને સમર્પિત કરવાની પ્રેરણા આપે છે. અખંડ ભારતના આવા મહાન શિલ્પીની જયંતિ પર તેમના ચરણોમાં વંદન અને સમસ્ત દેશવાસીઓને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની શુભકામનાઓ.
દેશના જુદા-જુદા રાજ્યોમાંથી કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનો આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સાયકલ રેલી સ્વરૂપે અને ભારતની ચૌદિશામાંથી પોલીસની ચાર મોટરસાઇકલ રેલી પણ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના સાનિધ્યમાં પહોંચી છે તેઓ પણ આ એકતા પરેડમા સહભાગી થયા.
સરદાર પટેલ આપણને દર્શાવે છે કે કેવી રીતે એક વ્યક્તિ પોતાની દ્રઢ ઇચ્છાશક્તિ અને અદમ્ય રાષ્ટ્રપ્રેમથી દેશની અંદર તમામ વિવિધતાને એકતામાં બદલીને એક અખંડ રાષ્ટ્રનું સ્વરૂપ આપી શકે છે. સરદાર સાહેબે દેશના એકીકરણની સાથે આઝાદ ભારતના પ્રશાસનિક પાયા નાંખવાનું પણ કામ કર્યું.
