મેઘાણીનગરમાં બે મહિના પહેલા રોડ ક્રોસ કરતા યુવકનું રિક્ષાની ટક્કરથી મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસની તપાસમાં જે તે સમયે રિક્ષા સગીર ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે સગીરના પિતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રોડ ક્રોસ કરતા યુવકનું રિક્ષાની ટકકરથી મોત થયું હતું ,પોલીસ તપાસ રિક્ષા ચલાવનારો સગીર હોવાનું બહાર આવ્યું
આ કેસની વિગત એવી છે કે ટ્રાફિક જી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઇ, ડી.આર. પુવારે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં મેઘાણીનગરમાં રહેતા યુવક સામે ફરિયાદ નોધાવી છે, કે તેઓએ પોતાની ભોગવટાની ઓટો રિક્ષા પોતાના સગીરવયના પુત્રને ચલાવવા આપી હતી પુત્ર રિક્ષા ચલાવીને મેઘાણીનગરમાં રામેશ્વર ચાર રસ્તા બાજુ ગયો હતો અને તેણે તેના મિત્રને રિક્ષા ચલાવવા માટે આપી હતી.
તા.૨૧-૧૦૨૨ના રોજ સાંજે મેઘાણીનગરમાં ભાર્ગવ રોડ ઉપર રોડ ક્રાસ કરતા યુવકને ટક્કર મારી હતી જેના કારણે સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ કરતા દરમિયાન રિક્ષા સગીર ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું જેને લઇને પોલીસે સગીર પુત્ર પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નહી હોવા છતાં રિક્ષા ચલાવવા આપવા બદલ આટો રિક્ષાના કબજેદાર સગીરના પિતા સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.