કેન્સરથી રાજ્યમાં 3 વર્ષમાં 1.11 લાખ લોકોનાં મોત
એક જ વર્ષમાં કેન્સરથી 38 હજાર દર્દીઓએ દમ તોડયો
દર વર્ષે નવા દર્દીઓની સંખ્યામાં થતો વધારો ચિંતાજનક
ગુજરાતમાં કેન્સરના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે 1,11,931 લોકોનાં મોત થયાં છે, દર વર્ષે કેન્સરના કારણે નવા દર્દીઓ અને મોતની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે, જે ચિંતાજનક બાબત છે, નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ રિપોર્ટના આંકડામાં આ બાબત સામે આવી છે, દેશભરમાં કોરોનાકાળના અરસામાં વર્ષ 2020માં કેન્સરથી 7.70 લાખ લોકોનાં મોત થયાં છે, જે પૈકી ગુજરાતમાં અંદાજે 38,306 જેટલા લોકોનાં મોત થયાં છે.

વર્ષ 2021માં ગુજરાતમાં નવા કેસ 71 હજારને પાર થશે તેવો અંદાજ
સરકારના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે વર્ષ 2020માં 38,306 દર્દીનાં કેન્સરથી મોત થયાં છે, આ અગાઉ વર્ષ 2019માં 37,300 અને વર્ષ 2018માં 36,325 દર્દીનાં મોત થયાં છે. દર્દીનાં મોતની સાથે ગુજરાતમાં કેન્સરના નવા દર્દીની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, વર્ષ 2020માં અંદાજે 69,660 દર્દી નોંધાયા છે, આ અગાઉ વર્ષ 2019માં 67,841 અને વર્ષ 2018માં 66,069 દર્દી નોંધાયા છે. વર્ષ 2021માં ગુજરાતમાં નવા કેસ 71 હજારને પાર થશે તેવો અંદાજ છે. દેશભરમાં વર્ષ 2020માં કેન્સરના નવા 13.92 લાખ નવા કેસ સામે આવ્યા છે. કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કહેવા પ્રમાણે તમાકુ, આલ્કોહોલનો ઉપયોગ, અયોગ્ય આહાર, નિષ્ક્રિય જીવનશૈલી તેમજ વાયુ પ્રદૂષણના કારણે કેન્સરના રોગીઓની સંખ્યામાં વધારો દેખાયો છે.