છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 115 તાલુકાઓમાં વરસાદ થયો
રાજ્યમાં સિઝનનો 75 ટકા વરસાદ, હજી 20 ટકાની ઘટ
ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે.એક સમયે રાજ્યમાં વરસાદ અટકી પડતાં દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જળાશયોમાં પાણીનો જથ્થો ખૂબજ ઓછો હતો. હવે વરસાદ સારા પ્રમાણમાં થતાં રાજ્યના જળાશયો છલકાઈ ગયાં છે. ગુજરાતમાં વરસાદ પછી 206 ડેમો પૈકી 71 ડેમોમાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યમાં આવા 71 ડેમો ઉપર હાઈ એલર્ટ સિગ્નલ અપાયું છે. જ્યારે 20 ડેમોમાં 90 ટકા પાણીનો સંગ્રહ થતાં એલર્ટ અને 8 ડેમો એવા છે જ્યાં 80 ટકા પાણીનો સંગ્રહ થતાં વોર્નિંગનું સિગ્નલ અપાયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 115 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, ખેડા, બનાસકાંઠા. વડોદરા, આણંદ અને અમદાવાદમાં વરસાદ નોંધાયો છે.
ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમોમાં પાણીની ખાસ આવક થઈ નથી
ગુજરાતમાં 19મી સપ્ટેમ્બરની સ્થિતિએ 51 ડેમો 100 ટકા ભરાઈ ગયા છે, સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 ડેમોમાં 66.43 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના 141 ડેમોમાં અત્યારે 77.04 ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13માંથી ત્રણ ડેમ સંપૂર્ણ છલકાયા છે. ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમોમાં પાણીની ખાસ આવક થઈ નથી. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 29.20 ટકા અને કચ્છના 20 ડેમમાં 26.46 ટકા પાણીનો સંગ્રહ થયો છે. મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 56.93 ટકા તદુપરાંત સરદાર સરોવર ડેમમાં 54.92 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ
| ઝોન | ટકા | ઈંચ |
| કચ્છ | 76.67 | 13.34 |
| સૌરાષ્ટ્ર | 88.2 | 24.33 |
| ઉ.ગુજરાત | 60.18 | 16.96 |
| દ.ગુજરાત | 74.22 | 42.71 |
| મ.ગુજરાત | 65.13 | 20.66 |
| ગુજરાત | 75.1 | 24.83 |
રાજ્યના આ વિસ્તારોમાં હજી વરસાદની ઘટ
આગામી ત્રણથી ચાર દિવસમાં રાજ્યના ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે, આથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદથી ઘટ ઓછી થવાની શક્યતા છે. રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ છે, જેમાં સૌથી વધુ 47 ટકા ઘટ દાહોદમાં છે. જ્યારે 8 જિલ્લામાં 5થી 45 ટકા વધુ વરસાદ પડ્યો છે, સૌથી વધુ 45 ટકા વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં પડ્યો છે. અમદાવાદમાં 1 જૂનથી અત્યારસુધીમાં કુલ 655.7 મિમી વરસાદની સામે 375.4 મિમી જ વરસાદ પડ્યો હોવાથી હજુ પણ અમદાવાદમાં સામાન્ય કરતાં 43 ટકા ઓછો વરસાદ પડ્યો છે.રાજ્યમાં અત્યારસુધીમાં 81 ટકા વરસાદ થયો છે, જ્યારે 19 ટકા વરસાદની ઘટ છે.
આ આઠ વિસ્તારોમાં હજી વરસાદની ઘટ
| વરસાદ | સામાન્ય | આ વર્ષે | ઘટ |
| ગુજરાત | 658.1 | 534.6 | 19 ટકા |
| દાહોદ | 770.8 | 410.8 | 47 ટકા |
| ગાંધીનગર | 686.8 | 370.4 | 46 ટકા |
| અમદાવાદ | 655.7 | 375.4 | 43 ટકા |
| તાપી | 1341.2 | 781 | 42 ટકા |
| વડોદરા | 855.5 | 499.2 | 42 ટકા |
| મહેસાણા | 661.5 | 391.7 | 41 ટકા |
| અરવલ્લી | 784.7 | 467.7 | 40 ટકા |
| ખેડા | 798.3 | 475.2 | 40 ટકા |
છેલ્લા 24 કલાકમાં થયેલો વરસાદ
| તાલુકો | વરસાદ (મિમી) |
| વડોદરા | 46 |
| હાલોલ | 46 |
| વિજયનગર | 43 |
| ઠાસરા | 43 |
| ગલતેશ્વર | 39 |
| ઘોઘંબા | 37 |
| થરાદ | 32 |
| ડભોઈ | 30 |
| આંકલાવ | 28 |
| ગોધરા | 28 |
| લિમડી | 26 |
| લિમખેડા | 24 |
| વલસાડ | 24 |
| બોડેલી | 23 |
| સરસ્વતિ | 22 |
સપ્ટેમ્બરની શરૂઆતમાં 50 ટકા વરસાદની ઘટ હતી
સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી સક્રિય થયેલા ચોમાસાને કારણે રાજ્યમાં 75 ટકા વરસાદ પડ્યો છે. મહત્ત્વની વાત એ છે કે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં 50 ટકા વરસાદની ઘટ હતી, પણ સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદને કારણે વરસાદની ઘટ 19 ટકા રહી છે. જ્યારે રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ છે તેમજ હાલમાં પૂર્વીય રાજસ્થાન અને પશ્ચિમી મધ્યપ્રદેશ વિસ્તારમાં લૉ-પ્રેશર સક્રિય થવાની સાથે મોન્સૂન ટ્રફની અસરોથી આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.