માસૂમ સાથે રેપ વિથ મર્ડર:સુરતમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કર્યા બાદ મૃતદેહ કોથળામાં સંતાડી રાખ્યો હતો, નિકાલ કરે તે અગાઉ નરાધમ ઝડપાયો

Views 98

સુરતના કતારગામ વિસ્તારમાંથી બે દિવસ પહેલાં હચમચાવી દેતી એવી ઘટના સામે આવી હતી. સવારે સાત વર્ષીય બાળકી ગુમ થવાની ફરિયાદ ચોકબજાર પોલીસ મથકમાં નોંધાયા બાદ મોડી રાત્રિએ તે જ બાળકીની રેપ બાદ હત્યા કરાયેલી લાશ પાડોશીના ઘરમાંથી જ મળી આવી હતી. પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરતાં અગાઉ વાહનચોરીના ગુનામાં પણ સામેલ હોવાનું સામે આવ્યું છે.

લાલચ આપી બાળકીને લઈ ગયો
પાડોશીમાં રહેતા નરાધમ યુવકે 7 વર્ષીય બાળકીને ઘરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી હતી. એટલું જ નહિ હત્યા કર્યા બાદ બાળકીની લાશને ઘરમાં રહેલા પેટી પલંગમાં સંતાડી ફરાર થઈ ગયો હતો. જોકે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ-તપાસમાં આરોપી રીઢો ગુનેગાર છે અને તે સુરતના અલગ અલગ પોલીસ મથકમાં 14 વખત વાહનચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.

બાળકીનો હત્યારો ઝડપાયો
સુરતના કતારગામ સ્થિત વાળીનાથ ચોક પાસેથી ગત 7 ડિસેમ્બરના રોજ એક 7 વર્ષીય બાળકી ગુમ થઇ ગઈ હતી. અંગેની ફરિયાદ પરિવારજનોએ ચોકબજાર પોલીસ મથકમાં નોંધાવી હતી. બનાવની જાણ પોલીસને થતાં પોલીસ તપાસમાં જોડાઈ હતી. આ દરમિયાન બાળકીની લાશ પાડોશમાં રહેતા યુવકના ઘરમાંથી મળી આવી હતી. ઘરમાં રહેલા પેટી પલંગમાંથી બાળકીની લાશ મળતાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે પોલીસે પાડોશમાં રહેતા યુવકની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે પંડોળ વિસ્તારમાંથી આરોપી મુકેશ ચીમનલાલ પંચાલને ઝડપી પાડ્યો હતો.

બાળકીને ફોસલાવી હતી
પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં નરાધમે સવારના દશ વાગ્યાના અરસામાં બાળકીને રૂપિયા આપવાની લાલચ આપી ફોસલાવી પોતાની રૂમમાં લઇ ગયો હતો અને બાદમાં તેની ઉપર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી હતી. બાદમાં લાશને પોતાના જ ઘરમાં રહેલા પેટી પલંગમાં સંતાડી ઘરને તાળું મારી નાસી ગયો હતો

યુવક ઝડપાઈ ગયા બાદ પોલીસ-તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ બાળકીની લાશનો નિકાલ કરવાનું પણ નક્કી કરી લીધું હતું. બળાત્કાર બાદ સાત વર્ષની માસૂમ બાળકીની હત્યા કરી તેને પોતાના ઘરમાં સંતાડી રાખવી પડી હતી, કારણ કે બાળકીની લાશને દિવસમાં નિકાલ કરવો શક્ય ન હતું, જેથી તેણે બાળકીની લાશને કોથળામાં પેક કરી પેટી પલંગમાં સંતાડી દીધી હતી અને ઘરને તાળું મારી બહાર ચાલ્યો ગયો હતો. નરાધમ યુવક મોડી રાત્રે કોઈને ખબર ના પડે એમ બાળકીની લાશને નિકાલ કરવાનો વિચારી રહ્યો હતો, પરંતુ એ પહેલાં જ મોડી સાંજે પોલીસને શંકા જતાં નરાધમ યુવકના ઘરનું તાળું તોડી તપાસ કરી હતી. દરમિયાન બાળકીની લાશ મળી આવી હતી.

પકડાયેલા આરોપી વાહનચોરીનો રીઢો ગુનેગાર
પોલીસ-તપાસમાં આરોપી રીઢો ગુનેગાર હોવાનું બાહર આવ્યું છે. 40 વર્ષીય નરાધમ આરોપી મુકેશ પંચાલ મૂળ પાટણ જિલ્લાનો સુરતના ચોકબજાર પોલીસ મથકના હદ વિસ્તારમાં આવતા કતારગામ ખાતેના એક બિલ્ડિંગમાં એકલો રહેતો હતો. સુરતમાં રોજગારી મેળવવા અને વ્યવસાય કરવા સુરત આવ્યો હતો. સુરતમાં છૂટાછવાયું મજૂરીકામ કરવાની સાથે તે શહેરમાંથી વાહનચોરી કરવાનું ગુનાહિત કાર્ય પણ કરતો હતો. નરાધમ યુવક ઝડપાયા બાદ તેની સઘન પૂછપરછ અને તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું કે સુરતના અલગ અલગ પોલીસ મથકમાં 14 વખત વાહનચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. ઉમરા, મહિધરપુરા, કતારગામ, સલામતપુરા અને ચોકબજાર પોલીસ મથક હદ વિસ્તારમાંથી 14 જેટલાં વાહનોની ચોરીને અંજામ આપી ચૂક્યો છે.

સ્થાનિક લોકોમાં ભારે રોષ, ફાંસીની સજાની કરી માગ
આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. ગઈકાલે એક તરફ મતગણતરી ચાલી રહી હતી અને બીજી તરફ કતારગામના સિંગણપુર વિસ્તારમાં રોડ પર ઊતરી આવીને લોકો ન્યાયની માગ કરી રહ્યા હતા. આરોપીને ઝડપથી પાડી તેને ફાંસીની સજા સુધી પહોંચાડવા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થઈને વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકો દ્વારા વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર કરી આરોપીને ફાંસી થાય એવી માગ કરી હતી.

ભાજપના ઉમેદવારે જીતનો ઉત્સવ પણ ન મનાવ્યો
કતારગામના સિંગણપુર વિસ્તારમાં મતગણતરીના આગલા દિવસે જ સાત વર્ષીય બાળકીની સાથે બનેલી આ ઘટનાને લઇ ભારે ચકચાર મચાવી હતી. આ ઘટનાને લઇ સ્થાનિક લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો હતો. દરમિયાન બીજા દિવસે મતગણતરીમાં કતારગામ વિધાનસભા બેઠક પરથી ફરી એક વખત ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયાનો વિજય થયો હતો. એક બાજુ ભાજપની જીતની ખુશીમાં સમગ્ર ગુજરાતમાં વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો હતો. ત્યારે બીજી તરફ વિનુ મોરડિયા દ્વારા પોતાના વિસ્તારમાં બનેલી આ બાળકીની ઘટનાને લઇ પોતાની જીતની ખુશી ન મનાવવાની જાહેરાત કરી હતી. વિનુ મોરડિયાએ સોશિયલ મીડિયા મારફત જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કતારગામ વિસ્તારમાં માસૂમ બાળકીના નિધનની ઘટનાથી હું શોકમગ્ન છું, જેથી કતારગામનાં મારાં સૌ કાર્યકર્તાઓને વિનંતી છે કે દુઃખના આ સમયમાં આપણે જીતની ઉજવણી ન કરીએ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *