કચ્છી ભરતકામે દેશવિદેશમાં આગવી ઓળખ મેળવી છે. કચ્છની હસ્તકલા, ભરતકામથી હજારો મહિલાઓને પગભર બની છે, ત્યારે ભુજ તાલુકાના ઝીંકડીની બે ચોપડી ભણેલી મહિલાએ કચ્છી એમ્બ્રોઈડરીની વિવિધ વસ્તુની બનાવટનો વ્યવસાય શરૂ કરી 400 મહિલાને રોજગારી આપી પગભર બનાવી છે.
ઝીંકડીના ગોમતીબેન આહીરે કોઠાસૂઝથી સ્વરોજગાર શરૂ કર્યો અને આજે તેમની કચ્છી એમ્બ્રોઈડરી કલાના વિદેશમાં પણ ચાહકો છે. તેમના દ્વારા હાથવણાટથી બનાવેલા કુર્તા, ચણિયા ચોલી, વોલપીસ, કુશન કવર, રજાઈ, પર્સ, પીલો કવર સહિતની ચીજોના દેશ-વિદેશમાંથી ઓર્ડરો મળી રહ્યા છે.
સુરતના અડાજણના હનીપાર્ક ગ્રાઉન્ડ, એસએમસી પાર્ટીપ્લોટના સરસ મેળામાં કચ્છી એમ્બ્રોઈડરી વર્કથી બનેલી વસ્તુઓના વેચાણ માટે ગયેલા ગોમતીબેન હસ્તકલાથી શિક્ષિત કે, નોકરિયાત વર્ગ કરતા પણ વધુ કમાણી કરે છે. તેઓ આજથી 15 વર્ષ પહેલા તેમના પરંપરાગત વ્યવસાય સાથે જોડાયા હતા. તેમણે આસપાસના ગામોની 400 મહિલાઓને કચ્છી એમ્બ્રોઈડરી કલાકારીગરી સાથે જોડી આ હસ્તકલા શીખવાડી છે, જેઓ સ્વરોજગાર થકી મહિને અંદાજે 6થી7 હજાર રોજગારી મેળવતી થઈ છે.
10 મહિલાઓ સાથે શરૂ કર્યો હતો વ્યવસાય
ગોમતીબેને જણાવ્યું હતું કે, તેમણે 10 મહિલાઓ સાથે વ્યવસાયની શરૂઆત કરી હતી. અનેક મુશ્કેલીઓ આવી છતાં હાર્યા વગર આગળ વધ્યા. ધીમે ધીમે અન્ય જરૂરિયાતમંદ મહિલાઓ પણ સાથે જોડાતી ગઈ અને કુલ આંકડો વધીને 400 મહિલાઓ સુધી પહોંચી ગયો છે.