દાંતીવાડા તાલુકાના સીકરીયાના ગૃહસ્થને નાણાંની જરૂર પડતાં દાંતીવાડાના રામનગરના મિત્ર પાસેથી રૂપિયા 1.50 લાખ વ્યાજે લીધા હતા. જોકે, વ્યાજપેટે રૂપિયા 1.35 લાખ ચૂકવી દીધા હતા. બાકીના 30 હજારની વ્યવસ્થા ન થતાં તેણે દાંતીવાડા કોલોનીની ઓફિસે બાઇક અને મોબાઇલ પડાવી લીધા હતા. આથી લાગી આવતાં ગૃહસ્થે ઝેરી પ્રવાહી ગટગટાવ્યું હતુ. આ અંગે દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે તપાસ હાથ ધરી હતી.આ બનાવે સમગ્ર પંથકમાં ચકચાર જગાવી હતી.
દાંતીવાડા તાલુકાના સીકરીયાના કપુરજી પારખાનજી ઠાકોર (ઉ.વ. 49)ને નાણાંની જરૂર પડતાં દાંતીવાડાના રામનગરના તેમના મિત્ર રામનગરના ચંપુસિંહ કલસિંહ વાઘેલા પાસેથી રૂપિયા 1,50,000 વ્યાજે લીધા હતા. જેમાંથી બીજા માસે રૂપિયા 55,000 પરત આપ્યા હતા. બાકીના રૂપિયા 1 લાખ પેટે દર માસે રૂપિયા 10 હજારના વ્યાજની ચૂકવણી કરતા હતા. જેમાં તા. 20 જાન્યુઆરી 2023ના દિવસે હિસાબ કરતાં રૂપિયા 1.10 લાખ આપવાના બાકી નીકળતા હતા.
આથી કપુરજીએ 50 હજાર રોકડા આપી બાકીના 60 હજાર આપવાનો વાયદો કર્યો હતો. જોકે, નાણાંની સગવડ ન થતાં ઉશ્કેરાયેલા ચંપુસિંહે દાંતીવાડા કોલોનીની ઓફિસે તેમનું બાઇક અને મોબાઇલ પડાવી લીધો હતો. આથી લાગી આવતાં કપુરજી ઇયળ મારવાની દવા પી લીધી હતી. જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચંપુસિંહ સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.આ બનાવે ચકચાર જગાવી છે.