જૂનાગઢ લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા વિરુદ્ધ પોલીસમાં અરજી નોંધાઇ છે. વેરાવળના તબીબ અતુલ ચગના અપમૃત્યુના કિસ્સામાં તેમના પુત્ર હિતાર્થ ચગે પોલીસમાં કરેલી અરજી મુજબ સાંસદ અને તેમના પિતાએ રાજકીય વગ બતાવીને રૂપિયા પરત ન કર્યા અને જ્યારે માગણી કરવામાં આવી ત્યારે તેઓને મારી નાખવા સુધીની ધમકી આપી હતી.
હિતાર્થે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનને આપેલી અરજી પ્રમાણે સાંસદ અને તેમના પિતા ડો. અતુલ ચગને જાણતા હતા અને વારંવાર તેઓ તેમના અંગત વ્યવસાય અને ઝીંગાના વેપાર માટે ઉછીના રૂપિયા લઇ જતા હતા. અમુક સમયે રકમ પરત આપીને વિશ્વાસ સંપાદિત કર્યો હોવાથી ડો. ચગે તેમને 2008ના વર્ષથી લઇને અત્યાર સુધીમાં દોઢથી પોણા બે કરોડ રૂપિયાની મદદ કરી હતી.
ભાજપના સાંસદે બન્ને પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સિવાય અગાઉ સાંસદે તેમના પિતાને 90 લાખ રૂપિયાના ચેક આપ્યા હતા પરંતુ તે રિટર્ન થતા તેમની વિરુદ્ધ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ નહીં નોંધાવવા માટે પણ સખત દબાણ કરવામાં આવ્યું હતું.
હિતાર્થે તેમ પણ જણાવ્યું છે કે, પિતાએ જ્યારે આત્મહત્યા કરી તે પછી તેમના ઘરમાંથી એક સ્યુસાઇડ નોટ મળી હતી જેમાં તેમણે તેમના અપમૃત્યુ બદલ સાંસદ અને તેમના પિતાને જવાબદાર ઠેરવ્યા હતા. હવે પોલીસે આ અરજીને સ્વીકારીને વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે વેરાવળના નામાંકિત તબીબે આત્મહત્યા કરી લીધી હતી. જેના સમગ્ર ગીર-સોમનાથમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આપઘાત બાદ તેમની સ્યુસાઈડ નોટ મળી આવી હતી જેમાં સાંસદ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.