ગાંધીનગરનાં સેકટર – 26 જીઆઈડીસી ખાતે આવેલ ઉમિયા ઓટો ગેરેજનાં માલિક દ્વારા નજીવા વેતને બે કિશોરો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાની મળેલી બાતમીના પગલે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ દ્વારા દરોડો પાડીને બંને બાળ મજુરોને છોડાવીને આશ્રય ગૃહ મોકલી આપવામાં આવ્યા છે. અને બાળ મજૂર પ્રતિબંધ અધિનિયમ અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધાવી ગેરેજ માલિકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરમાં અનેક નાની મોટી દુકાનો, ખાણીપીણીની લારીઓ ઉપર કુમળી વયના બાળકો પાસે બાળમજુરી કરાવવામાં આવતી રહે છે. ત્યારે હવે ગાંધીનગરની એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટનાં પોલીસ ઇન્સ્પેકટર વી.જી. રાઠોડ દ્વારા સ્ટાફના માણસોને સઘન પેટ્રોલીંગ હાથ ધરી આકસ્મિક ચેકીંગ કરવા એક્ટિવ કરવામાં આવ્યા છે. જે અન્વયે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટની ટીમ ગાંધીનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી મળી હતી કે,સેકટર-26 જીઆઇડીસી. ખાતે આવેલ ઉમિયા ઓટો મોબાઇલ ગેરેજમાં બાળમજૂર રાખી કામ કરાવવામાં આવી રહ્યું છે. જેનાં પગલે પીઆઈ રાઠોડ સહિતની ટીમે ઉક્ત ગેરેજમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં બે બાળ કિશોરો મજૂરી કામ કરતા મળી આવ્યા હતા.
જેમની પૂછતાંછમાં એક કિશોરને માસિક 6 હજાર તેમજ બીજાને માસિક માત્ર રૂ. 2500 વેતન ચૂકવી મજૂરી કરાવવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું. આ બંને કિશોર ધોરણ – 10 માં નાપાસ થયા હોઈ તેમણે પરીક્ષાનું ફોર્મ પણ ભર્યા છે અને તેમના માતા પિતા મજૂરી કામ કરતાં હોવાની પણ વધુમાં કબૂલાત કરી હતી. આ બંને કિશોરોને ગેરેજમાં રમેશભાઇ ગોવિંદભાઇ પટેલ (રહે.કોલાડ ગામ, તા.કડી જી.મહેસાણા) કામ ઉપર લાવ્યો હતો.
બાદમાં પોલીસે બંને કિશોરને બાળ મજુરી માંથી છોડાવી સેકટર – 17 નાં આશ્રય ગૃહ મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે સેકટર – 21 પોલીસ મથકમાં બાળ મજૂર પ્રતિબંધ અધિનિયમ અને જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ ગુનો નોંધાવી રમેશ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.