પીવાનું પાણી દૂષિત થઈ જતા
ગામમાં પસાર થતી પાણીની લાઈનમાંથી દુર્ગંધયુક્ત પાણી પીવાની નોબત આવી
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઇટાદરા ગામમાં આવેલા વસાહતી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાના કારણે રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. તો બીજી તરફ આ સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. પાણીની લાઈનમાં ડ્રેનેજ લાઈન ભળી જવાની સંભાવના ના કારણે હાલમાં દૂષિત પાણી આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે જેથી રોગચાળાનો ભય પણ સ્થાનિકોને સતાવી રહ્યો છે.
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા ઇટાદરા ગામના વસાહતી વિસ્તારમાં યોગ્ય રીતે પીવાના પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ નહીં થવાના કારણે છેલ્લા ઘણા સમયથી અનેક સમસ્યાઓનો સામનો ગ્રામજનોને કરવો પડી રહ્યો છે તો બીજી તરફ વર્ષો જૂની પાઇપલાઈન બદલવામાં નહીં આવતા બિસ્માર બનવા માંડી છે. જેના પગલે ઘણી જગ્યાએ લીકેજ થવાના કારણે પીવાના પાણીની લાઈન મિક્સ થઈ જતી હોય છે. જેથી પીવાનું પાણી દૂષિત આવતું હોવાના કારણે છેલ્લા ઘણા સમયથી રહીશોની હાલત પણ કફોડી બની જવા પામી છે જે અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવતા ના છૂટકે દુર્ગંધયુક્ત પાણી પીવાની નોબત આવી છે બીજી તરફ ફીણવાળુ અને દૂષિત પાણી આવતા રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા આ સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ પાણી યોગ્ય રીતે નહીં આવતા ના છૂટકે અન્ય વિસ્તારમાંથી પાણી લાવવાની નોબત આવી છે.