43 વર્ષ પહેલાં શેર ખરીદી બાબુ જ્યોર્જ ભૂલી ગયા હતા.
74 વર્ષના બાબુ જ્યોર્જ વાલાવીએ 1978ની સાલમાં એક કંપનીના 3500 શેર ખરીદ્યા હતા.
આજે આ કંપનીના 42.8 લાખ શેરના હકદાર બાબુ જ્યોર્જ, જેની બજાર કિંમત રૂ.1448 કરોડ
તમે પેલી કહેવત તો સાંભળી જ હશે કે ‘દેનેવાલા જબ ભી દેતા દેતા છપ્પર ફાડકે’. કંઇક આવું જ કેરળના કોચ્ચીમાં રહેતા બાબુ જ્યોર્જ વાલાવીની સાથે થયું. બાબુ જ્યોર્જ 43 વર્ષ પહેલાં એક કંપનીના 3500 શેર ખરીદીને ભૂલી ગયા હતા. તાજેતરમાં જ તેમણે આ કંપનીના શેર અંગે શોધખોળ કરી અને પછી ખબર પડી કે તેની કિંમત 1448 કરોડ રૂપિયા થઇ ગઇ છે. બાબુ જ્યોર્જનો દાવો છે કે કંપનનીના શેરોના અસલી માલિક છે અને કંપની રકમ આપવામાં આનાકાની કરી રહી છે. સેબીના શરણે ગયા અને તેમને આશા છે કે તેમને સેબી પાસેથી ન્યાય ચોક્કસ મળશે.
રકમ એટલી મોટી છે કે કંપની પણ હેરાન પરેશાન થઇ ગઇ છે
બાબુ જ્યોર્જ અને તેના પરિવારના સભ્ય હવે એ સાબિત કરવામાં લાગ્યું છે કે કંપનીના શેરના અસલી માલિક તેઓ જ છે કારણ કે રકમ એટલી વધુ છે કે તેના લીધે કંપની તેને પૈસા આપવામાં આના-કાની કરી રહ્યું છે.
આખો કિસ્સો છે શું?
મીડિયા રિપોર્ટ્સના મતે કોચ્ચીમાં રહેતા બાબુ જ્યોર્જ વાલાવી અને તેના ચાર સંબંધીઓએ મેવાડ ઓઇલ એન્ડ જનરલ મિલ્સ લિમિટેડના 1978માં 3500 શેર ખરીદ્યા હતા. એ સમયે ઉદયપુરની એક અનલિસ્ટેડ કંપની હતી. હાલ 74 વર્ષના થઇ ચૂકેલા બાબુ એ કંપનીના ડિસ્ટ્રિબ્યુટર હતા. તેમણે 3500 શેર ખરીદ્યા હતા અને આ હિસાબથી તેઓ કંપનીના 2.8% હિસ્સેદાર બની ગયા હતા. કંપનીના ફાઉન્ડર અને ચેરમેન પી.પી.સિઘલ અને બાબુ મિત્ર હતા. કંપની અનલિસ્ટેડ હતી અને કોઇ ડિવિડન્ટ પણ આપતી નહોતી. તેના લીધે આ પરિવાર પોતાના રોકાણ અંગે ભૂલી ગયું.
આ ખુલાસાથી હેરાન
2015ની સાલમાં બાબુ કેટલાંક દસ્તાવેજ જોઇ રહ્યા હતા તો તેમને યાદ આવ્યું કે તેમણે ઉદયપુરની એક કંપનીમાં રોકાણ કર્યું હતું. બાબુની પાસે અસલી શેર ડોક્યુમેન્ટ હતા અને તેમને શેર અંગે વધુ માહિતી મેળવવાની કોશિશ શરૂ કરી. બાબુને ખબર પડી કે Mewar Oil and General Mills Ltd એ પોતાનું નામ બદલીને PI Industries કરી લીધું છે અને આ લિસ્ટેડ કંપની બની ગઇ છે. બાબુને ખબર પડી કે કંપની નફામાં છે. PI ઇન્ડસ્ટ્રીઝે પોતાના વેપારનું વિસ્તરણ કર્યું અને રસાયણો વગેરે બનાવે છે. હાલ આ કંપનીની માર્કેટ વેલ્યુ 50,000 કરોડ રૂપિયા છે.
બાબુએ પોતાના શેરને ડિમેટ એકાઉન્ટમાં ફેરવવાની કોશિશ કરી અને એક એજન્સી સાથે સંપર્ક કર્યો. એજન્સીએ બાબુને સીધી કંપની સાથે સંપર્ક કરવાનું કહ્યું. કંપની સાથે સીધો સંપર્ક કરતાં બાબુ અને તેમના પરિવારને તગડો ઝાટકો લાગ્યો. અસલમાં કંપનીએ આ અંગે માનવાની જ ના પાડી દીધી કે બાબુ તેમાં કોઇપણ પ્રકારનો ભાગીદાર છે. કંપનીનું કહેવું છે કે 1989માં તેમણે શેર બીજા કોઇને વેચી દીધા છે. બાબુનો આરોપ છે કે PI Industries એ ગેરકાયદે ડુપ્લીકેટ શરનો ઉપયોગ કરીને તેમના શેર બીજા કોઇને વેચી દીધા. જ્યારે બાબુ વલાવી અને તેમના સંબંધીઓએ શેર ખરીદ્યા ત્યારે તેમને કંપનીમાં 2.8 ટકા હિસ્સો મળ્યો હતો અને તે મુજબ આ પરિવારની માલિકીના 42.28 લાખ શેર થાય છે. બાબુ આ માહિતી જાણીને સ્તબ્ધ થઇ ગયા. PI Industriesના 42.8 લાખ શેરની શેરબજારમાં કિંમત 1448 કરોડ રૂપિયા થઇ ચૂકી છે.
કંપનીએ મધ્યસ્થતાની કોશિશ કરી
2016ની સાલમાં PI Industries એ બાબુ સાથે મધ્યસ્થતા માટે કોશિશ કરતા દિલ્હી બોલાવ્યા પરંતુ બાબુએ ના પાડી દીધી. ત્યારબાદ કંપનીએ બાબુના ડોક્યુમેન્ટસની તપાસ કરવા માટે બે મોટા અધિકારી કેરલ મોકલ્યા. ત્યારબાદ કંપનીએ માન્યું કે બાબુની પાસે હાલના ડોક્યુમેન્ટસ અસલી છે પરંતુ કોઇ કાર્યવાહી કરી નથી. બાબુ આ કેસને SEBI પાસે લઇ ગયા અને હવે તેના પર સેબીએ નિર્ણય કરવાનો છે.