કાલોલનાં રેફરલ હોસ્પિટલને સ્થાનિકોએ તાળાબંધી કરી હોબાળો મચાવ્યો:- ડૉક્ટર અનિયમિત અને સતત ગેરહાજર રહેવાનાં આક્ષેપો કર્યા

Views 153

પંચમહાલ જિલ્લાના કાલોલ શહેર સ્થિત રેફરલ હોસ્પિટલમાં પાછલા ઘણા સમયથી અનિયમિત સ્ટાફ અને બેપરવાહ બનેલી આરોગ્યની સેવાઓ અંગે જનઆક્રોશ ભભૂકી ઉઠતા મંગળવારે સ્થાનિક અગ્રણીઓએ રેફરલ હોસ્પિટલના મુખ્ય દરવાજાની તાળાબંધી કરીને કથળેલા વહીવટ અંગે ભારે રોષ પ્રગટ કર્યો હતો જેને પગલે આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મંગળવારે સવારે સ્થાનિક એક નાગરિક પોતાના ભત્રીજાને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે કોઈ ડોક્ટર જોવા મળ્યા નહીં તદ્ઉપરાંત હોસ્પિટલમાં ચોવીસ કલાક પહેલા સોમવારે એડમીટ કરેલ મહિલા દર્દીને પણ પાછલા ચોવીસ કલાક દરમ્યાન કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ મળી નહોતી જે અંગે હોસ્પિટલમાં કામ કરતો સહાયક સ્ટાફ પણ બેપરવાહ જોવા મળ્યો હતો જેથી મંગળવારે રેફરલ હોસ્પિટલ ખાતે એકત્રિત થયેલા સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ જ્યારે પણ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે કોઈ દર્દીને લઇ જવામાં આવે ત્યારે રેફરલ હોસ્પિટલમાં કોઈ ડોક્ટર હાજર નહિ હોવાનું જોવા મળે છે અને આવી પરિસ્થિતિ પાછલા ઘણા સમયથી ચાલી રહી હોવાનું જોવા મળતા લોકોનો રોષ ભભુકી ઉઠયો હતો તદ્ઉપરાંત કાલોલ રેફરલ હોસ્પિટલની સ્થિતિ ભગવાન ભરોસે ચાલી રહી હતી જે અંગે સ્થાનિક નાગરિકોના રોષ સાથે સવારે દશ વાગ્યાના સુમારે જ હંગામો કરી રેફરલ હોસ્પિટલના મુખ્ય દરવાજાની તાળાબંધી કરવામાં આવી હતી. જોકે ૧૦૮ સહિતની ઈમરજન્સી સેવાઓ માટે અન્ય દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કાલોલમાં આવેલ રેફરલ હોસ્પિટલમાં છેલ્લા ઘણાં સમયથી કોઈ ડોક્ટર હાજર રહેતાં નહિ હોવાનું જોવા મળે છે, જેથી દવા સારવાર લેવા માટે આવતાં દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડે છે તદ્ઉપરાંત ડોક્ટરના અભાવે પછી મજબૂરીથી ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે તેવી વિકટ પરિસ્થિતિ સર્જાઇ રહી હતી. તદ્ઉપરાંત અન્ય જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે કાલોલ રેફરલ હોસ્પિટલનો વહીવટ એટલો કથડી ગયો હતો કે જ્યારે ૧૦૮ના કર્મચારીઓ કોઈ દર્દીને લઈને આવે છે ત્યારે તેમને પણ હાજર કર્મચારીઓ દ્વારા અહીં કેમ લઈને આવો છો, અહીં કોઈ ડોક્ટર નથી તો ગોધરા વડોદરા લઈ જવાનો તોછડો જવાબ આપવામાં આવે છે તેવા કડવા અનુભવો પણ વ્યક્ત કર્યા હતા.

જેથી રેફરલ હોસ્પિટલના કથડેલા વહીવટ અંગે છેલ્લા ઘણાં સમયથી ભારે હાલાકી વેઠતાં લોકોએ મંગળવારે મોરચો માંડીને કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કરી તાળાબંધી કરી હતી.

બોક્સ:- મંગળવારે સવારે તાળાબંધી દરમ્યાન જ નજીકના મધવાસ વિસ્તારમાંથી સંભવિત હાર્ટએટેકનો ભોગ બનેલ હોય એવા એક દર્દીને લઇને ૧૦૮ એમ્બ્યુલન્સ આવી હતી એ સમયે પણ રેફરલ હોસ્પિટલમાં કોઈ ડોક્ટર ઉપલબ્ધ નહીં હોવાને કારણે છેવટે માનવતાના ધોરણે રેફરલ હોસ્પિટલના પ્રાંગણમાં આવેલા બ્લોક હેલ્થ ઓફીસરે આવીને દર્દીને તપાસવો પડ્યો હતો. જોકે એ સમયે દુર્ભાગ્યે રેફરલ હોસ્પિટલમાં આવતા પહેલા જ દર્દીનું પ્રાણ પંખેરું ઉડી ગયું હોવાનું બ્લોક હેલ્થ ઓફીસરે જણાવ્યું હતું. જેથી ઈમરજન્સી સમયે કાલોલ રેફરલ હોસ્પિટલમાં કોઈ તબીબ હોતા નથી પરિણામે ગોધરા વડોદરા લઈ જવાની નોબત સર્જાય છે અને એટલા સમયમાં દર્દીને સારવારના અભાવે જીવ પણ ગુમાવવો પડે તેવા પણ કિસ્સાઓ બનતા હોય છે.

બોક્સ:- કાલોલ રેફરલ હોસ્પિટલની મહેંકમ અનુસાર એક સુપરીટેન્ડન્ટ અને ત્રણ વિવિધ એમબીબીએસ ડોકટર્સ હોવા જોઈએ પરંતુ પાછલા બે ત્રણ મહિનાથી એમબીબીએસ ડોકટર ઉપલબ્ધ હોતા નથી, જ્યારે એક મહિલા સુપરીટેન્ડન્ટ છે જેમને પણ‌ અઠવાડિયે (મંગળ અને શુક્ર) બે દિવસનું અન્ય હોસ્પિટલમાં ડેપ્યુટેશન આપવામાં આવેલું છે અને મહિલા સુપરીટેન્ડન્ટ ગાયનેક હોવાને કારણે ફિઝિશ્યનની સેવાઓ આપતા નથી. તદ્ઉપરાંત સ્થાનિક નર્સ સહિતનો સહાયક સ્ટાફ પણ બેપરવાહ જોવા મળે છે અને દર્દીઓ સાથે દુર્વ્યવહાર પણ કરતા હોવાના કિસ્સાઓ અંગેની લોકબૂમ ઉઠવા પામી છે. જેથી આગામી દિવસોમાં કાલોલ રેફરલ હોસ્પિટલમાં મહેકમ મુજબના નિયમિત તબીબો ફાળવવામાં આવે અને લોકોને નિયમિત સારવાર મળે તેવી લોકમાંગ કરવામાં આવી છે.

ભાવિનભાઈ પરમાર કાલોલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *