કાલોલ
Date:-07-11-2022
પંચમહાલ ની કાલોલ વિધાનસભા બેઠક પર અત્યારે ફુલગુલાબી ઠંડીના દિવસોમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ જતાં વાતાવરણમાં પણ ગરમાવો જોવા મળે છે.
ખાસ કરીને કાલોલ વિધાનસભાની ચૂંટણી લડવા માટે ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટ કોને મળશે તે સળગતો પ્રશ્ન બની ગયો છે અને તે માટે તરેહ તરેહની અટકળો પણ ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ વિધાનસભાની ચૂંટણી લડવા માટે ભાજપ પક્ષ તરફથી ૫૪ દાવેદારોએ પોતાના સેન્સ આપીને માહોલ ગરમાવી દીધો હતો. જ્યારે કોંગ્રેસની ટિકિટ માટે ૧૦ નેતાઓએ તેમના સેન્સ આપ્યા હોવાથી ટિકિટની દાવેદારીએ ભારે વેગ પકડ્યો છે.
ખાસ કરીને પાછલા પચ્ચીસ વર્ષોથી સત્તાનું સુકાન સંભાળતા ભાજપની ટિકિટ માટે પક્ષિય ચર્ચા વિચારણા અને સેન્સના આધારે પાંચ નામો વચ્ચે કશ્મકશ હોવાની ચર્ચાએ ચાલી રહ્યા છે.
જેમાં રનિંગ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, કાલોલ મંડળ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, કિસાન મોરચાના મહામંત્રી ડો.વનરાજસિંહ ગોહિલ, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય રાજપાલસિંહ જાદવ, નવોદિત યુવા તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, ઘોઘંબા તાલુકાના પૂર્વ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને પંચમહાલ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કૈલાસબેન પરમાર એમ સાત નામો ટોપલિસ્ટમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જ્યારે બીજી તરફ કાલોલ કોંગ્રેસની ટિકિટ માટે ૧૦ દાવેદારોએ પોતાના સેન્સ આપ્યા હતા જેમાંથી પ્રદ્યુમ્નસિંહ પરમાર, નટવરસિંહ ચૌહાણ અને ભાવસિંહ પરમાર આમ ત્રણ નામો ટોપલિસ્ટમાં હોવાનું જાણવા મળે છે.
જોકે બન્ને પક્ષોના દાવેદારો પૈકી હાઇકમાન્ડ ફાઈનલમાં કોના નામની પસંદગી કરશે એ તો આગામી દિવસોમાં પાર્ટીના મેન્ડેટને આધારે જ રહસ્યનો પડદો ઉઠશે ત્યાં સુધી રહસ્ય, અકબંધ રહેશે..
બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર પંચમહાલ