કાલોલ તાલુકાના મધવાસ ગામની નવીનગરીમાં રહેતા પતિ જ્યારે કાઠિયાવાડથી ઘેર આવીને જોતા પત્ની પોતાના ઘરને બદલે બીજાને ઘેર સુતેલી જોતા આક્રોશમાં આવેલા પતિએ પત્નીને ઢસડીને માર મારતા રાત્રે પત્નીનું મોત નીપજતા પોલીસે મોતનો ગુનો નોંધી અટકાયતના પગલાં લેવામાં આવ્યા હતા.
જે ઘટના અંગે કાકા પર્વતભાઇ બુધાભાઇ નાયકે દાખલ કરેલી ફરિયાદની વિગતો મુજબ કાલોલ તાલુકાના મધવાસ પંચાયતની નવીનગરીમાં ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતી ભત્રીજી નંદુબેન નાયકને પ્રારંભે હાલોલ તાલુકાના કંજરી ગામે પરણાવી હતી, પરંતુ તે નંદુને નવીનગરીના રમેશભાઇ મનુભાઇ નાયક સાથે પ્રેમ સંબંધ થઇ જતાં નંદુ કંજરીમાંથી પતિને છોડીને રમેશ સાથે આવતી રહી હતી જેથી સમાજના રીતરિવાજ મુજબ નંદુને તેના પતિ સાથે છુટાછેડા કરી રમેશને સોંપી દીધી હતી તે પછી નંદુ રમેશ સાથે તેની પત્ની તરીકે રહેતી હતી. જેનાથી નંદુને સંતાનમાં બે છોકરીઓ હતી જે બન્ને છોકરીઓને પણ પરણાવી દીધી હતી.
જે મધ્યે તા.૦૬/૦૭/૨૦૨૨ના રોજ સવારના છ એક વાગ્યાના સુમારે ભત્રીજી નંદુના પતિ રમેશ નાયકે ઘેર આવી મને જણાવેલ કે તમારી ભત્રીજી મરણ ગયેલ છે અને તેની લાશ ઘરમાં રાખેલ છે તેવુ કહેતાં હું મારા ઘરના માણસો સાથે રમેશને ઘેર જઇને જોતા ભત્રીજી નંદુ છાપરામાં ખાટલામાં મૃત હાલતમાં મળી હતી અને ભત્રીજી નંદુને શરીરના ભાગે ઈજાઓ પહોંચેલી જોતા ઈજાઓ અંગે રમેશને પુછતાં તેણે ગઇકાલ સાંજના બે-એક લાકડાના સોટા માર્યા હતા તે પછી અમો બન્ને પતિ પત્ની જમીને સુઇ ગયેલ હતા અને વ્હેલી સવારના ચારેક વાગ્યે તેને જગાડતા મરણ ગયેલ હતી તેવો લુલો બચાવ કર્યો હતો.
પરંતુ મને મારી ભત્રીજીના મોત બાબતે શંકા જતાં ભત્રીજીની લાશને લઇને કાલોલ સરકારી દવાખાને લઈ ગયા હતા પરંતુ ડોકટર લાશ જોઇને લાશનું પી.એમ. વડોદરા કરાવવું પડશે તેમ કહેતા અંતે લાશને વડોદરા સયાજી હોસ્પીટલમાં મોકલી આપી હતી જ્યાં નંદુની લાશનું પેનલ પી.એમ કરતા નંદુને માથામાં પાછળનો ભાગે અને છાતી તેમજ પેટના અંદરના ભાગે ઇજા થવાથી મરણ ગયેલ હોવાનો રિપોર્ટ મળ્યો હતો. જેથી મરણજનાર ભત્રીજી નંદુની અંતિમવીધી દરમ્યાન અમારા સમાજના લોકો વાતો કરતા હતા કે ચારેક દિવસ પહેલા રમેશ કાઠિયાવાડ ગયો હતો તે ત્રણ ચાર દિવસ નંદુ નવીનગરીમાં રહેતા અજીતભાઇ સુખાભાઇ નાયકના ઘરે જઇને રહેતી હતી તે દરમ્યાન તા.૦૫/૦૭/૨૨ ના રોજ રમેશ કાઠિયાવાડથી ઘરે આવ્યો ત્યારે નંદુ તેના ઘરે જોવા મળી નહોતી તેથી નંદુની તપાસ કરતા સાંજે ફળિયાના છવાભાઈ શકરાભાઇ નાયકના ઘરમાં નંદુ અજીત નાયક સાથે ખાટલામાં સુતેલી જોવા મળતા રમેશે ઘરમાં અંદર જઇ નંદુને વાળ પકડીને લાકડાના ડંડાથી મારતો મારતો તેના ઘરે લઇ ગયો હતો તેવી વાતો જાણવા મળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રમેશ નાયક નંદુને પત્ની તરીકે રાખવા લઇ આવેલ તેના પછી રમેશ બીજી પત્ની પણ લાવ્યો હતો તે વખતે નંદુબેન ફરીથી તેના આગલા પતિ સાથે રહેવા કંજરી પણ જતી હતી અને રમેશની બીજી પત્નીએ એક છોકરાને જન્મ આપ્યો હતો જેથી નંદુ ફરી તેની બે છોકરીઓ સાથે કંજરીથી રમેશ સાથે રહેવા આવતી રહી હતી જેથી નંદુના આવ્યા પછી રમેશની બીજી પત્ની જતી રહી હતી જે પછી રમેશ કાયમ માટે તેના પર વહેમ રાખીને મારઝુડ પણ કરતો હતો.
તે વાત મને મારી ભત્રીજી નંદુ અમારા ઘરે આવતી તો વાત કરતી હતી પરંતુ તેને બે છોકરીઓ હોવાથી નંદુના કહેવાથી કોઇ કાર્યવાહી કરી ન હતી. જે સમગ્ર ફરિયાદની વિગતો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટને આધારે કાલોલ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી એવા પતિ રમેશભાઈ મનુભાઈ નાયક વિરુદ્ધ નંદુબેન રમેશભાઈ નાયક (ઉ.વ ૪૨)ને માર મારી જાનથી મારી નાંખવા મુજબનો ગુનો દાખલ કરી અટકાયતના પગલાં ભરીને વધુ તપાસ હાથ ધરી છે.
બ્યુરો રિપોર્ટ:-ભાવિનભાઈ પરમાર પંચમહાલ
કાલોલ તાલુકાના મધવાસ ગામમાં બહારથી આવેલા પતિએ પત્નીને બીજાને ઘેર સુતેલી જોતા ઢસડીને માર મારતા મોત
Views 92