ભર શિયાળે થયેલા કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
રણમાં વરસાદ પડતાં અગરિયાઓની પણ મુશ્કેલી વધી : માર્કેટયાર્ડ પણ બંધ રહ્યાં
બે–ઋતુના માહોલને કારણે રોગચાળો વકરવાની ભીતિ
બે–ઋતુના માહોલના કારણે રોગચાળો ફેલાય તેવા સંજોગોનું નિર્માણ થયું છે. શરદી–ખાંસી અને તાવની બીમારીથી પીડાતાં દર્દીઓથી સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો ઉભરાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

કમોસમી વરસાદના પગલે કપાસ, એરંડા, ડાંગર, મગફળી સહિતના પાકમાં ભારે નુકશાની
ભર શિયાળે થયેલા કમોસમી વરસાદના પગલે ગુજરાતના ખેડૂતો મૂશ્કેલીમા મૂકાયાં છે. કમોસમી વરસાદના પગલે કપાસ, એરંડા, ડાંગર, મગફળી સહિતના પાકમાં ભારે નુકશાની જઈ શકે છે. આ સિવાય રાયડા સહિતના રવી પાકમાં પણ નુકશાની જશે તેવુ ખેડૂતો જણાવી રહ્યાં છે. તેમજ જીરૂમા તથા ડાંગર, સહિતના કઠોળના પાકને ભારે નુકશાની જઈ શકે છે. આ ઉપરાંત રણમાં પણ વરસાદ થતાં મીઠુ પકવતાં અગરીયાઓની મૂશ્કેલી પણ વધી ગઈ છે. મગફળીનો તૈયાર પાક પણ કેટલાક વિસ્તારોમા પલળી ગયો હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. મોરબીમાં કમોસમી વરસાદ થતાં બે દિવસ માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
વરસાદ બાદ એકાએક તડકો નીકળશે તો પાક ઉગવામાં પણ ફરક પાડી શકે છે

કપાસના પાકમાં હજુ ખેડૂતોને બીજી અને ત્રીજી વીણી બાકી છે તેમને કમોસમી વરસાદને કારણે નુકશાન થવાની ભિતી છે. જ્યારે શિયાળુ રાયડો ઉગી ગયો હશે તેના પાકને નુકશાન થવાની ભીતી છે. કારણ કે, વરસાદ બાદ એકાએક તડકો નિકળશે તો પાક ઉગવામાં પણ ફરક પાડી શકે છે. આ ઉપરાંત જે પાક ઉગવાનો છે તેમા નિંદામણ પણ મોટા પ્રમાણમાં ઉગી નીકળશે. જેના માટે ખેડૂતોએ નિંદામણ નાશક દવા છંટકાવ કરવાનો રહેશે. રાયડો, દિવેલા, મેથી તેમજ અન્ય રવી પાકોમાં જીવાતનો ઉપદ્રવ વધવાની ભીતિ સેવાઈ રહી છે. કેટલાક રવીપાકોમાં ચરમી સહિતના રોગનો વ્યાપ વધે તેવી સંભાવના છે.
કમોસમી વરસાદના કારણે પડેલી મગફ્ળી પલળી જતા વેપારીઓ અને ખેડૂતોને મોટુ નુકસાન થયું
મહેસાણા જિલ્લાના કડીમાં મોડીરાત્રે કડી પથક સહિત સાણંદ, વિરમગામ,દેત્રોજ,કટોસણ વિસ્તારના ખેડૂતો માર્કેટયાર્ડમાં અનાજ ભરાવવા 200થી વધારે ટ્રેક્ટરો લઈ આવી પોહચ્યા હતા. વરસાદના પગલે પરત ફ્રવાનો વારો આવ્યો હતો. હારીજમાં આશરે 10 થી વધુ કોટન ઈન્ડસ્ટ્રીઝ અને 10 જેટલી ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ આવેલી છે.ગઈ કાલ માડી રાત્રે વાતાવરણમાં એકાએક પલટો આવતા અને સાથે વરસાદ આવતા જીનીંગમાં સેડની બહાર પડેલ કપાસ અને કપાસીયા પલડી જવાના કારણે જીનીંગ માલીકોને લાખો રૂપિયાનું નુકસાન થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. વરસાદ બંધ થાય ત્યારે હકીકતમાં ખબર પડે કે કઈ જીનીંગ ઈન્ડસ્ટ્રીઝમાં કેટલા લાખનું નુંકસાન થવા પામ્યું છે.બનાસકાંઠાના ભીલડી માર્કેટયાર્ડમાં કમોસમી વરસાદના કારણે પડેલી મગફ્ળી પલળી જતા વેપારીઓ અને ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. સાંતલપુર રણમાં મીઠાની સિઝન વિસ દિવસ જેટલી મોડી પડશે. કારણ કે, રણમાં એક મહિનાથી મહેનત કરી કામ કરેલ મીઠાના પાકમાં નુકશાની થતા અગરીયાએાને એજ કરેલી મહેનત ફરીથી કરવાની નોબત આવતા નિરાશા વ્યાપી છે.