બોલિવૂડના શ્રેષ્ઠ દિગ્દર્શકોમાંથી છે એક રાજકુમાર હિરાની
કારકિર્દીની શરૂઆત કરી હતી એડિટર તરીકે
બોલિવૂડના ટોચના દિગ્દર્શકોમાંના એક રાજકુમાર હિરાની આજે તેમનો 59મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. રાજકુમાર હિરાનીનો જન્મ 20 નવેમ્બર 1962ના રોજ નાગપુરમાં થયો હતો. રાજકુમાર હિરાની બોલિવૂડના એક એવા ડિરેકટર છે જેમની સાથે કામ કરવાનું દરેક સ્ટારનું સપનું હશે. રાજકુમાર હિરાનીએ તેમની કારકિર્દીની શરૂઆત એડિટર તરીકે કરી હતી.

પહેલા હતા એડિટર
જણાવી દઈએ કે રાજકુમાર હિરાનીએ જ હ્રિતિક રોશન અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ ‘મિશન કાશ્મીર’ એડિટ કરી હતી. રાજકુમાર હિરાનીએ અગાઉ 1994માં ‘1942 અ લવ સ્ટોરી’ અને 1998માં ‘કરીબ’ના પ્રોમો માટે કામ કર્યું હતું. આ પછી 2000માં ‘મિશન કાશ્મીર’ અને 2001માં ‘તેરે લિયે’ માટે એડિટિંગ કર્યું. આ પછી રાજકુમાર હિરાનીની અસલી સફર 2003માં શરૂ થઈ. તેમણે પોતાની પ્રથમ ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસનું નિર્દેશન કર્યું હતું.

મુન્નાભાઈ એમબીબીએસથી કર્યો કમાલ
મુન્નાભાઈ એમબીબીએસ વર્ષ 2003ની જોરદાર હિટ ફિલ્મ હતી. આ ફિલ્મે એ વર્ષે ઘણા રેકોર્ડ તોડ્યા હતા. આ ફિલ્મમાં સંજય દત્ત અને અરશદ વારસી મુખ્ય ભૂમિકામાં હતા. રાજકુમાર હિરાનીએ અત્યાર સુધીમાં 5 ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે અને તમામ ફિલ્મોની ગણતરી બોલિવૂડની લેન્ડમાર્ક ફિલ્મોમાં થાય છે. આ ફિલ્મને રેકોર્ડતોડ એવોર્ડ પણ મળ્યા હતા.
વર્ષ 2006માં રાજકુમાર હિરાની મુન્નાભાઈ એમબીબીએસ’નો આગળનો ભાગ ‘લગે રહો મુન્નાભાઈ’ લાવ્યા. આ ફિલ્મને પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો. લોકોને સર્કિટ અને મુન્નાની જોડી ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ કરતાં પણ વધુ હિટ સાબિત થઈ.

બોલિવૂડને મળી ‘3 ઈડિયટ્સ’
રાજકુમાર હિરાનીએ 2009માં ‘3 ઈડિયટ્સ’નું નિર્દેશન કર્યું હતું, જે બોલિવૂડની સૌથી અદભૂત ફિલ્મોમાંથી એક માનવામાં આવે છે. આ ફિલ્મ લાંબા સમય સુધી સિનેમાઘરોમાં ચાલી. વિવેચકોએ પણ આ ફિલ્મની પ્રશંસા કરી હતી.
3 ઈડિયટ્સ પછી તેણે પીકેમાં પણ બતાવી દીધું કે તેઓ શા માટે બેસ્ટ છે. રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘પીકે’ 2014માં આવી હતી. આ ફિલ્મે ‘3 ઈડિયટ્સ’નો રેકોર્ડ પણ તોડ્યો હતો. આ પછી ‘સંજુ’ 2018માં રિલીઝ થઈ હતી, જેમાં રણબીર કપૂરના અભિનયના પણ ખૂબ વખાણ થયા હતા.
HBN TV NEWS