એક તરફી પ્રેમમાં પાગલ યુવક ના ત્રાસથી યુવતી પરેશાન
યુવક ના ત્રાસ યુવતીએ નોકરી પણ છોડવા માટે મજબૂર બની.
દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
દિવસે- દિવસે શહેરમાં છેડતીનાં બનાવ વધી રહ્યા છે. મહિલાઓ જાણે ક્યાંય સુરક્ષિત નથી. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં એક આવી જ ઘટના સામે આવી છે. એક યુવતી તેના ઘર પાસે રહેતા યુવકના લીધે ઘરની બહાર પણ નીકળી શકતી નહોતી. યુવતીને આ એકતરફી પ્રેમમાં પાગલ રોમિયોના લીધે નોકરી પણ છોડવી પડી અને મોર્નિંગ વોક કરવાનું પણ બંધ કરવું પડ્યું હતું. આખરે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને આ મામલે દાણી લીમડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સમગ્ર મામલે મળતી માહિતી પ્રમાણે શહેરના દાણીલીમડામાં 20 વર્ષીય યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. તે તેના પરિવાર સાથે રહે છે. પરિવારમાં માતા પિતા અને ભાઈ છે. યુવતીના ઘરની પાસે બળદેવ ઉર્ફે બલ્લુ રહે છે. આ યુવતી થોડા સમય પહેલા આઈ.આઈ.એમ વસ્ત્રાપુર પાસે પ્રાઇવેટ નોકરી કરતી હતી. જ્યારે સવારે આ યુવતી ઘરેથી નોકરી જવા માટે નીકળે ત્યારે આ યુવક તેનો પીછો કરતો અને નોકરીના સ્થળ સુધી જતો અને બાદમાં આ યુવતીને જોયા કરતો હતો. કંટાળીને આ યુવતીએ નોકરી પણ છોડી દીધી અને બદનામીના ડરથી તેના માતા પિતાને આ અંગેની જાણ પણ કરી નહોતી.
જોકે, થોડા દિવસ પહેલા યુવતી સવારે મોર્નિંગ વૉક માટે નીકળી હતી ત્યારે આ યુવકે તેનો પીછો કર્યો હતો. જેનાથી આ યુવતી ગભરાઈ ગઈ હતી. બાદમાં બીજા દિવસે પણ યુવતીનોપીછો કર્યો હતો અને યુવકે યુવતીને રોકી અને પ્રેમ સંબંધ રાખવા જણાવ્યું હતું. પણ યુવતીએ પ્રેમ સંબંધ રાખવા ઇન્કાર કર્યો હતો. આખરે યુવતીએ કંટાળીને તેના માતા પિતાને આ અંગે જાણ કરી હતી અને આ અંગે પોલીસને જાણ કરતા દાણીલીમડા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.