ગુજરાત-રાજસ્થાન સરહદે આબુરોડ નજીકની એક ચોકી પાસે રાજસ્થાન પોલીસે નાકાબંધી કરી એક કારમાં લઈ જવાતા 3.95 કરોડ જપ્ત કર્યા હતા. કારમાં જતા પાટણના જિજ્ઞેશ અને કૌશિક નામની વ્યક્તિની અટકાયત કરાઈ છે. આ રોકડ રકમ હવાલાના સોદામાં ઉપયોગમાં લેવાયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બંને વ્યક્તિ ઉદયપુરથી અમદાવાદ આવી રહી હતી. પૈસા પણ અમદાવાદમાં રહેતા કમલેશ શાહ નામની વ્યક્તિને આપવાના હતા. પોલીસને મશીનથી નોટ ગણવામાં પણ પાંચ કલાકનો સમય લાગ્યો હતો.
સ્થાનિક પોલીસ અધિકારી સુરેશ ચૌધરીએ જણાવ્યું કે, બાતમીદાર તરફથી માહિતી મળી હતી કે, ઉદયપુરથી હવાલાની મોટી રકમ ગુજરાતમાં લવાઈ રહી છે. માવલ ચોકીની ટીમે કાર અટકાવી સર્ચ કરતાં પંજાબ પાસિંગની કારની આગળની સીટ નીચેથી એક બોક્સ મળ્યું હતું. જેમાં નોટોના બંડલ ગોઠવવામાં આવ્યા હતા. પોલીસે કાર કબજે કરી જપ્ત નોટોની ગણતરીની વીડિયો ગ્રાફી કરી હતી. પ્રાથમિક તપાસ મુજબ અટકાયત કરાયેલા બંને યુવાન અમદાવાદની હવાલા કંપનીમાં કામ કરે છે.
25 હજારના પગારે નોકરી કરતા હતા
પોલીસના જણાવ્યા અનુસાર અટકાયત કરાયેલા બંને યુવકો હવાલાના પૈસા પહોંચાડવા માટે કુરિયર બોય તરીકે કામ કરતા હતા અને તેમને ઉદયપુર ડબોક બાયપાસ પાસે પૈસા ભરેલી આ કાર આપવામાં આવી હતી. આ પૈસા અમદાવાદમાં એક કંપનીમાં જમા કરાવવાના હતા. અટકાયત કરાયેલા યુવકોએ 4 મહિના પહેલા જ દર મહિને 25 હજાર રૂપિયાના પગારે હવાલાના પૈસાની હેરાફેરીનું કામ શરૂ કર્યું હતું.