ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હાલમાં રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. સોમવારે મોડી રાત્રે એક મજુરના રુમ ઉપર કેટલાક લોકો પહોંચ્યા હતા અને તમારી સાથે કામ કરતા વ્યક્તિનો પક્ષ લઇ કેમ આવ્યા હતા કહેતા એક અજાણ્યા વ્યક્તિએ ચાકુ મારી દીધુ હતુ. પેટ ઉપર ચાકુ મારી દેતા સિવિલ હોસ્પિટલમાં દેકારો મચી ગયો હતો. આ બનાવને લઇ સેક્ટર 7 પોલીસ મથકમાં અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ પંકજ સોમાભાઇ વસૈયા (રહે, હાલમા સિવિલ હોસ્પિટલના પહેલા માળે, મુળરહે, ઝાલોદ) મજુરી કરીને પરિવારનુ ગુજરાન ચલાવે છે. ત્યારે તેને ફરિયાદ નોંધાવી હતી કે, હાલમાં સિવિલમાં સ્ટાઇલ ફીટીંગની કામગીરી ચાલી રહી છે. ત્યારે મુકેશ, અજીત, સતિષ અને ધવલ છેલ્લા એક વર્ષથી સિવિલ હોસ્પિટલમાં રીનોવેશનની કામગીરી કરી રહ્યા છીએ. ત્યારે ગત રોજ સાડા બાર વાગ્યાના અરસામાં અજાણ્યા ચાર લોકો રુમ ઉપર પહોંચ્યા હતા.
તે સમયે રુમ ઉપર પહોંચીને તમામ લોકો કહેવા લાગ્યા હતા કે, તારી સાથે કામ કરતા એક વ્યક્તિનો પક્ષ લઇને કેમ ચોથા માળે આવ્યો હતો ? તેમ કહીને યુવક સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. જ્યારે ચાર લોકોમાંથી એક વ્યક્તિએ તેના હાથમાં ચપ્પુ લઇને પેટ ઉપર મારી દીધુ હતુ. જેમા મજુર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને ચપ્પુથી હુમલો કરતા એકા એક બુમરાણ કરવા લાગતા લોકો દોડી આવ્યા હતા. જ્યારે રુમાં સાથે રહેતા લોકો પણ બચાવમાં આવી ગયા હતા અને તાત્કાલિક ઇમરજન્સી વોર્ડમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.
આ બનાવને લઇ મજુરે હુમલાખોર સામે સેક્ટર 7 પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. સિવિલ જેવી જગ્યાએ મજૂરી કામ કરતાં મજૂર પર હુમલો કરવામાં આવતા ચકચાર મચી છે. જ્યાં 24 કલાક સિક્યોરિટી રાખવામાં આવે છે તેમ છતાંં હુમલો થતાં પ્રશ્નાર્થ સર્જાયો છે.