અમદાવાદના સરસપુર વિસ્તારની ધાબાવાળી ચાલીમાં કુખ્યાત સહદેવ તોમરે એક આધેડને છાતીમાં ગોળી મારી
અમદાવાદના સરસપુર વિસ્તારની ધાબાવાળી ચાલીમાં કુખ્યાત સહદેવ તોમરે બે રાઉન્ડ ફાયરિંગ કરી એક આધેડને છાતીમાં ગોળી મારીને તે ફરાર થઈ ગયો હતો. સહદેવના હાથથી ભોગ બનનારના મિત્રએ તમંચો આંચકી લેતા આરોપી સહદેવ તોમરે કમરમાં ભરાવેલો બીજો તમંચો કાઢી ફાયરિંગ કરી આધેડની છાતીમાં ગોળી મારી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા બાદ સહદેવ તોમરે ફોન કરીને ધમકી આપતા કહ્યું હતું કે, આજે દિલીપસિંહને ગોળી મારી, અને હવે, ભદ્રેશ પટેલ અને પવન તોમરનો વારો છે. આ બનાવને પગલે શહેરકોટડા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે ઝપાઝપી દરમિયાન સ્થળ પર પડેલા બે તમંચા પોતાને કબજે લઈ તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ સહદેવ તોમર વિરૂદ્ધ હત્યાની કોશિષ, આર્મ્સ એક્ટ મુજબ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. અને ગણતરીના કલાકોમાં જ આરોપી સહદેવ તોમરને ઝડપી લીધો હતો.
અમદાવાદના સરસપુર વિસ્તારની ધાબાવાળી ચાલીમાં રહેતાં નામે દિલીપસિંહ ચૌહાણ રવિવારે રાત્રે ૧૧ વાગ્યે તેમના પાડોશી નામે જયપ્રકાશ સેન સાથે જમવા માટે બેઠા હતા. તે જ સમયે અચાનક ઘરનો દરવાજો ખોલી સહદેવ તોમર હાથમાં તમંચો લઈને આવી પહોચ્યો હતો. સહદેવે દિલીપસિંહ પર ફાયરિંગ કરે તે પહેલા જ તેઓેએ કાચનો ગ્લાસ છૂટો માર્યો હતો, જેના કારણે આરોપી સહ્દેવના ચશ્મા પડી ગયા હતા, અને તે બહારની તરફ ભાગ્યો હતો. ત્યારબાદ દિલીપસિંહ અને જયપ્રકાશ સેન બંનેએ બહાર જઈને સહદેવ તોમરને પકડી લીધો હતો. ત્યારે સહદેવે ઝપાઝપી કરી અને તેની પાસેના તમંચામાંથી એક રાઉન્ડ ફાયર કરતા જયપ્રકાશે તેના હાથમાંથી તમંચો ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ સહદેવ અને દિલીપસિંહ બંને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ અને તે દરમિયાન આરોપી સહદેવે કમરમાંથી બીજો તમંચો બહાર કાઢયો હતો. અને પછી સહદેવે બીજા તમંચામાંથી ફાયરિંગ કરી દિલીપસિંહની છાતીમાં ગોળી મારી દીધી હતી. ત્યારબાદ ફાયરિંગનો અવાજ સાંભળી તે સ્થળ પર દોડી આવેલા નામે રણજીતે આરોપી સહદેવ તોમરના હાથમાંથી તમંચો ઝૂંટવી લીધો હતો. આરોપી સહદેવ બનાવને પગલે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો પણ તેનો ફોન ત્યાં જ પડી ગયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત દિલીપસિંહને સારવાર માટે શારદાબહેન હોસ્પિટલ અને ત્યાંથી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. આ દરમિયાન સહદેવ તોમરે તેના જ ફોન પર અજાણ્યા નંબરથી કોલ કર્યો હતો, ત્યારે જયપ્રકાશે ફોન રિસિવ કર્યો હતો. આરોપી સહદેવે ફોન પર ધમકી આપતા કહ્યું હતું કે, હું સહદેવ તોમર, મેં આજે દિલીપસિંહને ગોળી મારી, અને હવે ભદ્રેશ પટેલ અને પવન તોમરને પણ ગોળી મારવાનો છું. આ બનાવને પગલે શહેરકોટડા પોલીસે જયપ્રકાશ સેનની ફરિયાદના આધારે કુખ્યાત ગુનેગાર સહદેવસિંહ લાયકસિંહ તોમર વિરૂદ્ધ ગુનો દાખલ કરી અને તેણે ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી હતી. આ આરોપી સહદેવ તોમરે અગાઉ પણ પવન તોમરના પાન પાર્લરમાં ઘૂસીને મારામારી કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. સહદેવ તોમર પર હત્યાની કોશિષ, મારામારી, આર્મ્સ એક્ટ, અને લૂંટ સહિતના અનેક ગુના દાખલ થયેલા છે.