જામનગર તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદના પગલે કોંઝા ગામમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. અહીં ગામમાં માલધારીઓ દ્વારા ખીલે બાંધવામા આવેલી 25થી વધુ ભેંસોને છોડી ના શકાતા તમામ ભેંસના ખીલા પર જ તડપી તડપીને મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.
અનેક ગામ બેટમાં ફેરવાયા હતા
જામનગર તાલુકામાં રવિવારે રાત્રિના અને સોમવારે સવારે સાંબેલાધાર વરસાદ વરસતા તાલુકાના અનેક ગામ બેટમાં ફેરવાયા હતા. ગામમાં નદીના પૂરના પાણી ફરી વળતા જે પશુઓ ખુલ્લા હતા તે વહેતા પાણીમાં તણાયા હતા. તો જે પશુઓ ખીલે બાંધેલા હતા તે ખીલા પર જ તડપી તડપીને મોતને ભેંટ્યા હતા. ગામડાઓમાં પૂરની સ્થિતિ એટલી વિકટ હતી કે માલધારી ઈચ્છે તો પણ પોતાના પશુને બચાવી શકે તેમ ના હતા.
પશુધનના નુકસાનની વાત મુખ્યમંત્રીએ પણ સ્વીકારી
જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પૂરના કારણે પશુઓના મોત થયા હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. મુખ્યમંત્રી દ્વારા નુકસાનીનો સર્વે કરાવી નિયમ મુજબ સહાયની ચૂકવણી કરવાની ખાતરી આપવામા આવી હતી.