- બચાવકાર્ય માટે NDRFની કુલ 15 ટીમમાંથી 13 ટીમ ડિપ્લોય કરવામાં આવી
- રાજ્યમાં કુલ-65 જળાશય હાઇ એલર્ટ ૫ર, વોર્નિંગ ૫ર-13 જળાશય
ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વરસાદ ધમરોળી રહ્યો છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 16 તાલુકામાં વરસાદ થયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 197 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેમાં જૂનાગઢ, સુરત, રાજકોટ અને જામનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ થયો છે. ધોધમાર વરસાદને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અનેક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ડિપ્રેશનની અસરને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, પોરબંદર, વલસાડ, દ્વારકા, ગીર, સોમનાથ, દમણ, દાદરા નગર-હવેલી, અમરેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આગામી 3 દિવસ રાજકોટ, જૂનાગઢ, જામનગરમાં વરસાદનું સંકટ રહેશે યથાવત.
ઝોન પ્રમાણે અત્યાર સુધીના વરસાદની સ્થિતિ
| ઝોન | ટકા | ઇંચ |
| કચ્છ | 75.02 | 13.07 |
| ઉત્તર ગુજરાત | 56.41 | 15.9 |
| મધ્ય ગુજરાત | 58.86 | 18.7 |
| દક્ષિણ ગુજરાત | 72.34 | 41.61 |
| સૌરાષ્ટ્ર | 84.24 | 23.22 |
| ગુજરાત | 71.22 | 23.55 |
આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનની આગાહી જોતાં ત્રણ દિવસ જૂનાગઢ, રાજકોટ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં વરસાદને કારણે એક નેશનલ, 20 સ્ટેટ હાઈવે સહિત 214 રસ્તા બંધ, એસટી બસોના 55 રૂટ બંધ કરાયા, 121 ટ્રિપ રદ કરાઈ છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર,ગિર-સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા,ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદ થશે એવી આગાહી છે. 17 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુઘી ઉત્તર ગુજરાત તથા મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદ થઈ શકે છે. આગામી 16 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી કચ્છ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે.
રાજ્યમાં કુલ-65 જળાશય હાઇ એલર્ટ ૫ર
સરદાર સરોવર જળાશયમાં હાલ 1,76, 558 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 52.85 ટકા છે. સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યનાં 206 જળાશયોમાં 3,98 753 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 71.53 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-65 જળાશય, એલર્ટ ૫ર કુલ- 05 જળાશય તેમજ વોર્નિંગ ૫ર-13 જળાશય છે.
NDRFની કુલ 15 ટીમમાંથી 13 ટીમ ડિપ્લોય કરાઈ
NDRFની કુલ 15 ટીમમાંથી 13 ટીમો ડિપ્લોય કરવામાં આવેલી છે, જે પૈકી 1-વલસાડ, 1-સુરત, 1-નવસારી, 2-રાજકોટ, 1-ગીર-સોમનાથ, 1-અમરેલી, 1-ભાવનગર, 1-જુનાગઢ, 2-જામનગર, 1-બોટાદ, 1-મોરબી ખાતે ડિપ્લોય કરવામાં આવેલી છે. 1-ટીમ વડોદરા અને 1-ટીમ ગાંધીનગર ખાતે રિઝર્વ રાખવામાં આવેલી છે. ભટીંડા પંજાબથી આવેલી 05 ટીમ પૈકી 1- રાજકોટ,1-પોરબંદર,1- દેવભૂમિ દ્વારકા,2-જામનગર ખાતે ડિપ્લોય કરવામાં આવેલી છે