પ્લાસ્ટિક, પેપર કપ- ડિશ પર પ્રતિબંધ માટે સરકારને ટકોર
પ્લાસ્ટિક પર્યાવરણને ભારે નુકસાન કરે છેઃ સંશોધન
પ્લાસ્ટિકના કચરાથી ગટર લાઈનો બ્લોક થતી હોવાની પણ રજૂઆત
રાજ્યમાં પ્લાસ્ટિકના ઉત્પાદન, વેચાણ, વિતરણ, ઉપયોગ અને પેપર કપ તથા ડીશના ઉપયોગ સામે રોક લગાવવાની માંગ સાથે થયેલી જાહેરહિતની અરજીમાં શુક્રવારે હાઈકોર્ટની ખંડપીઠમાં સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે, પ્લાસ્ટિકના ઉપયોગ સંદર્ભે શું નીતિ છે? પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા અને ધરતીને પ્લાસ્ટિકથી મુક્ત કરવા માટે શું કરી રહ્યા છો ?

પ્લાસ્ટિકના ઉપયોગ પર રોક લાગવી જરૂરીઃ હાઈકોર્ટની ટકોર
હાઈકોર્ટે એ પણ ટકોર કરેલી કે, પ્લાસ્ટિકના ઉપયોગ પર રોક લાગવી જરૂરી છે, આ મુદે જનજાગૃતિ અભિયાન ચલાવો. આવનારી પેઢી માટે આ કરવાનુ છે. જો કે, આ મુદ્દા પર કોઈ પગલા લેવાતા નથી. દિલગીરી વ્યક્ત કરતા કહીએ છીએ કે, પ્લાસ્ટિકના ઉપયોગ મુદ્દે લોકોમાં જાગૃતતા જ નથી. શહેર, ગામ, દરિયાકાંઠા, જાહેર પાર્ક કે સ્થળો પર જ્યાં જાઓ ત્યાં પ્લાસ્ટિકની બોટલ, બેગ, રેપર પડેલા હોય છે. પ્લાસ્ટિક પર્યાવરણને ભારે નુકસાન કરે છે, એક સંશોધન મુજબ વર્ષો સુધી પ્લાસ્ટિકનો નાશ થઈ શકતો નથી. આ કેસની વધુ સુનાવણી દસ ડિસેમ્બરે હાથ ધરાશે.
ગટર લાઈનો બ્લોક થવાની પણ આવી રહી છે ફરિયાદ
હાઈકોર્ટે નોંધ્યું છે કે, આ મુદ્દા પર ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરે ભૂતકાળમાં જે સોગંદનામુ કરેલું છે, તે ચિંતાજનક સ્થિતિ વર્ણવે છે. આ સોગંદનામા મુજબ, પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ કરી તેને ગટર લાઈનમાં નંખાય છે. જેના લીધે, ગટર લાઈન બ્લોકેઝ થઈ જાય છે. જે મશીનો વડે પણ સાફ કરી શકાતી નથી. જેના લીધે, ગટરલાઈન સાફ કરવા માટે લોકોને અંદર ઉતારવા માટે લાચાર બનવું પડે છે. કેન્દ્ર સરકારની રજૂઆત હતી કે પ્લાસ્ટિક કપ, પાણીના પાઉચ ઉપર રોક લગાવેલી છે.

રાજ્યની મનપાએ રજૂ કર્યા છે જવાબો
આ મુદ્દાને લઈને, રાજ્યની વિવિધ મનપાએ જવાબ રજૂ કરેલા છે. મહત્વનું છે કે સુનાવણી દરમિયાન કેસ સાથે સંકળાયેલા કેટલાક વકીલ રજા પર હતા એટલે કેન્દ્ર સરકારના વકીલ દ્વારા હાઈકોર્ટને કેસની તમામ વિગતો અપાઈ હતી. અરજીમાં રજૂઆત હતી કે પ્લાસ્ટિક સંબંધિત મલ્ટિલેયર ઉત્પાદન નોનરિસાયક્લેબલ છે. ગુજરાત પોલ્યુશન બોર્ડ આ મુદ્દે મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.